Abtak Media Google News

આપણા દેશમાં રાજકીય પક્ષો વચ્ચે અને તેના નેતાઓ વચ્ચે ઘણે ભાગે સંઘર્ષનું રાજકારણ ખેલાતુ રહ્યું છે. આપણા એક જમાનાના ટોચના રાજકીય પક્ષ અને ટોચના રાજનેતાની રાજનીતિ તેમજ તેમણે લીધેલા સમયાનુકુલ નિર્ણયો વિષે ટીકાટિપ્પણીઓ કરવાનું અને તેમને હાલના રાજનેતાઓ કરતા ઉતરતી કોટિના ચીતરવાનું જાણે કે સામાન્ય બની ગયું છે.

આપણા રાજકીય પક્ષો અને તેના નેતાઓ રાજકીય લાભાલાભ અર્થે સંઘર્ષનું રાજકારણ ખેલ્યા કરે છે. એક બીજાને નિંદે છે. ટીકા કરે છે. ભૂલો કાઢ્યા કરીને ઉતારી પાડે છે.

આપણા દેશની રાજનીતિને વખોડે છે. શિક્ષણ નીતિને વખોડે છે. વ્યાપાર-ઉદ્યોગના ક્ષેત્રે શાસકપક્ષની નીતિરીતિની, વિદેશનીતિની, સુરક્ષા કે સલામતી સંબંધી નીતિની ક્ષતિઓ સંબંધી ટીકા ટિપ્પણીઓ કરતા રહે છે.

હમણાં હમણાં કાશ્મીરને લગતી બંધારણની કલમ ૩૭૦ને નાબુદ કરવાનું અને તેને ત્રણ ભાગમાં વહેચી દેવાનું પગલુ લીધું ત્યારથી આપણા દેશમાં વિપક્ષો અને શાસક પક્ષ વચ્ચે સંઘર્ષનાં રાજકારણની માત્રા સારી પેઠે વધી છે. અને તે વિશેષત: ભારત-પાકિસ્તાનની વચ્ચે જ ઘૂમરાતી રહી છે.

હિન્દુસ્તાનના ભાગલા પછી પહેલુ લશ્કરી ઘર્ષણ ભારત પાકિસ્તાન વચ્ચે જ થયુ હતુ અને પાકિસ્તાની કબ્જા હેઠળનું કાશ્મીર (પીઓકે)એ વખતની લશ્કરી અથડામણનું જ ફરજંદ છે. ‘યુનો’એ તે વખતે બંને દેશોને યથાવત સ્થિતિમાં યુધ્ધબંધી કરાવીને ત્યાંની સરહદે યુધ્ધવિરામ રેખા ઉભી કરાવી તે ‘એલઓસી’ ઉભી કરાવી તે પણ એ વખતની લશ્કરી અથડામણનું જ ફરજંદ છે.

જમ્મુ-કાશ્મીર પર ભારતના નિર્ણય બાદથી પાકિસ્તાન બેચેન છે. અને તેણે ગજનવી બેલેસ્ટિક મિસાઈલ પરીક્ષણ કર્યું છે. મીડીયા રિપોટર્સના મતે પાકિસ્તાને કરાચી પાસે સોનમીયાની ઉડાન પરીક્ષણ કેન્દ્રથી મિસાઈલ ટેસ્ટ કર્યો. કાશ્મીર મુદા પર આંતરરાષ્ટ્રીય સ્તરથી ખાસ સમર્તન ના મળતા પાકિસ્તાને પહેલા જ બેલેસ્ટિક મિસાઈલ પરીક્ષણની ધમકી આપી દીધી હતી.

પાકિસ્તાન કાશ્મીરને લઈ રઘવાયું થયું છે. પરમાણુ ધમકીથી લઈને પાકિસ્તાન સીમિત યુધ્ધ જેવી ધમકીઓ આપી ચૂકયું છે. મિસાઈલ ટેસ્ટ પહેલા સરકારે કહ્યું હતુ કે તેઓ ભારતીય ઉડાનો માટે દેશના વિમાન ક્ષેત્રનો ઉપયોગ સંપૂર્ણપણે બંધ કરવા પર વિચારી રહ્યા છે. આ પ્રતિબંધથી કરાચીની ઉપર ત્રણ માર્ગોનો ઉપયોગ કરી રહેલ આંતરરાષ્ટ્રીય ઉડાનો પર અસર પડશે. પાયલટોને કરાચીને પાર કરવા માટે વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવાની માહિતી પણ પાકિસ્તાને રજૂ કરી હતી.

પાકિસ્તાને પોતાના નાપાક ઈરાદાઓને પાર પાડવા કચ્છની સરહદ પર આવેલ હરામીનાળામાં ૧૦૦ જેટલા પોતાના કમાન્ડો ઉતાર્યાની બાતમી ભારતીય ગુપ્તચર તંત્રને મળી છે. જેથી ભારત સરકારે કચ્છ સરહદ સુરક્ષા જવાનોને હાઈએલર્ટ કરી દીધા છે.

ભારતે જમ્મુ કામીરમાંથી કલમ ૩૭૦ નાબુદ કરી કાશ્મીરના વિશેષ દરજજાને સમાપ્ત કરવાના ભારતના આંતરીક મુદાને પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય મુદો બનાવા બાલીશ પ્રયત્ન કરી રહ્યું છે. પરંતુ તેને તમામ મોરચે નિષ્ફળતા મળી રહી છે.

ભારત પણ લડાયકતા અને આક્રમકતાનો મિજાજ ધરાવે છે. કેન્દ્રીય મંત્રી જિતેન્દ્રસિંહે ભારતના નકશાને ફરી બનાવી તેમાં પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (પીઓકે) સાથે ગિલગીટ બાલ્ટિસ્તાનને પણ સામેલ કરવાની અપીલ કરી છે. અનુચ્છેદ ૩૭૦ નાબુદ થયાબાદ ગૃહમંત્રી અમિત શાહે સંસદમાં કહ્યું હતુ કે, હવે જમ્મુ કાશ્મીરમાં પીઓકે અને એકસાઈ ચીન પણ સામેલ છે. એક કાર્યક્રમમાં જિતેન્દ્રસિંહે કહ્યું કે, આપણે આપણી હદની વાત કરીએ છીએ, જે આપણી છે જ નહિ, આપણી હદ તો તેમના કરતા ઘણી વધારે છે. જયારે ભારતનો નકશો ફરી બનાવવામાં આવે તો તેમા ફકત પીઓકે જ નહી, પણ ગિલગીટ બાલ્ટિસ્તાનને પણ સામેલ કરવા જોઈએ. આને પણ રાજદ્વારીઓ સંઘર્ષનું રાજકારણ કહેતા રહે છે.

ભારતમાં જે આંતરિક પક્ષાપક્ષીનું ઝેર પ્રવર્તે છે. તે શુભકર્તા નહિ જ નીવડે.

કાશ્મીરને સાંકળતી ગતિવિધિઓ આખા દેશ માટે ‘એલર્ટ’ રહેવા જેવી છે. ગુજરાતમાં છેક કચ્છ સુધી આતંક્વાદી પરિબળોની હેરાફેરી પ્રવર્તે છે. આવા વાતાવાણમાં આપણા દેશે છિન્નવિછિન્ન રહેવું અને તેને વધુને વધુ વરવું બનાવ્યે જવું પોસાય તેમ નથી.

ભારતમાંનું આવું રાજકીય પક્ષોને તેમને તેમના નિજીસ્વાર્થ વચ્ચે નજરે નહિ દેખાતુ વિભાજન વધુ જોખમી છે એ ભૂલવા જેવું નથી.

એક જમાનામાં ચાણકયે અને એક તબકકે આપણા પ્રબુધ્ધ ઉદ્યોગપતિ શ્રી તાતાએ આપણા દેશની નબળાઈઓને આપણે પોતે જ જાહેર કરવાની માનસિકતા સામે લાલબત્તી ધરેલ છે. એ અંગે બે ધ્યાન બનવું એ રાષ્ટ્રના હિતોને જોખમાવવા બરાબર છે.

આ બાબત આપણા દેશની ‘આવતીકાલ’ માટે કસોટી રૂપ બનવાની છે.

કોઈ યુધ્ધ સારૂનથી, અને કોઈ સમાધાન ખરાબ નથી. ઉશ્કેરાટમાં નિર્ણયો લેવા એ પરાજિત થવાની જ ચાડી ખાય છે, અને દેશ કરતાં રાજગાદીની સાઠમારી ચઢિયાતી નથી એ નિર્વિવાદ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.