ગરીબોની કસ્તુરી હજી પણ રડાવશે..!!

અબતક, રાજકોટ

ગત વર્ષે ડુંગળીએ રડાવ્યા બાદ આ વર્ષે ડુંગળીના ભાવ માપમાં રહે તેવી અપેક્ષા વચ્ચે ગરીબોની કસ્તુરી ફરીવાર આ વર્ષે પણ રડાવે તેવો ઘાટ ઘડાતો નજરે પડી રહ્યો છે. આ વર્ષે ઓક્ટોબર-નવેમ્બર માસમાં ડુંગળીના ભાવ આસમાને પહોંચે તેવી ભીતિ સેવાઈ રહી છે. ક્રિસીલના રિસર્ચ અનુસારમાં આ બાબતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ચોમાસા પૂર્વે તૌકતે વાવાઝોડાને કારણે ખરીફ પાકમાં વિલંબ તેમજ બફર સ્ટોકનું ટૂંકા આયુષ્યને કારણે ડુંગળીના ભાવોમાં બમ્પર ઉછાળો નોંધાય તેવી પ્રબળ શકયતા છે.

વર્ષ ૨૦૧૮ની સરખામણીમાં આ વર્ષે પણ ડુંગળીના ભાવમાં ૧૦૦%થી વધુનો ઉછાળો થવાની સંભાવના છે. દેશભરમાં સૌથી વધુ ડુંગળીનું વાવેતર મહારાષ્ટ્રમાં થાય છે. તેમાં પણ નાસિક ડુંગળીનું વડુ મથક ગણવામાં આવે છે. ત્યારે વાવાઝોડાને કારણે ખરીફ પાકનું વાવેતર મોડું થયું હતું અને ભેજયુક્ત વાતાવરણને કારણે ડુંગળીના ઉતારાનું આયુષ્ય પણ ટૂંકું છે ત્યારે ચાલુ વર્ષે ડુંગળીના ભાવમાં મોટો ઉછાળો આવે તેવું ક્રિસીલના અહેવાલમાં નોંધવામાં આવ્યું છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ઓગસ્ટમાં વરસાદની અછતને કારણે પાકના ઉતારામાં પણ વિલંબ થશે જેથી ઓક્ટોબર-નવેમ્બર દરમિયાન ડુંગળીના ભાવ ઊંચા રહેશે. ગયા વર્ષે તહેવારોની સીઝનમાં ડુંગળીના ભાવ ૨૦૧૮ના સામાન્ય વર્ષની સરખામણીમાં બમણા થઈ ગયા હતા. મુખ્યત્વે ભારે અને અનિયમિત ચોમાસાના કારણે પુરવઠામાં વિક્ષેપ થવાથી આંધ્ર પ્રદેશ, કર્ણાટક અને મહારાષ્ટ્રમાં ખરીફ પાકને નુકસાની થઈ હતી. આ વર્ષે દક્ષિણ પશ્ચિમ ચોમાસું ૩ જૂને શરૂ  થયું હતું જે ખરીફ સિઝનની સારી શરૂ આતનો સંકેત હતો અને ખેડૂતોએ અત્યંત નાશ પામેલા ટામેટા કરતાં ડુંગળી અને મરચાં જેવા પાકને પ્રાધાન્યતા આપી હતી.

સરેરાશ ભારત દર મહિને અંદાજે ૧૩ લાખ ટન ડુંગળીનો વપરાશ કરે છે અને આ માંગને પહોંચી વળવા માટે ખરીફ, રવિ સહિત ત્રણ સિઝનમાં ઉગાડવામાં આવે છે. કુલ ડુંગળીના ઉત્પાદનમાં રવિ ડુંગળીનો ફાળો ૭૦ ટકા છે જ્યારે ખરીફ ડુંગળી સપ્ટેમ્બર-નવેમ્બરના દુર્બળ સમયગાળા દરમિયાન પુરવઠો જાળવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે જે ભારત માટે તહેવારોની મોસમ છે. મહારાષ્ટ્ર, કર્ણાટક અને આંધ્રપ્રદેશ મુખ્ય ખરીફ ડુંગળી ઉત્પાદક રાજ્યો છે જે કુલ ખરીફ ઉત્પાદનમાં ૭૫ ટકાથી વધુ ફાળો આપે છે.

મહારાષ્ટ્રમાં વધતા જતા ચોમાસામાં પાકનું વાવેતર કરવામાં પડકારો ઉભા થવાની ધારણા છે, જે દેશમાં ઉત્પાદિત કુલ ખરીફ ડુંગળીનો ૩૫ ટકા હિસ્સો ધરાવે છે. જેથી ચોમાસાની અસ્પષ્ટતા ઓક્ટોબરના અંતમાં અથવા નવેમ્બરની શરૂ આતમાં બજારમાં ખરીફ ડુંગળીના આગમનને ૨-૩ સપ્તાહ સુધી વિલંબિત કરે તેવી ધારણા છે તેથી ત્યાં સુધી કિંમતોમાં વધારો થવાની સંભાવના છે.