Abtak Media Google News

વિધાનસભાની ચૂંટણીમાં પક્ષમાં રહી પક્ષ વિરોધી કામગીરી કરનારના ઉમેદવારો પાસેથી આવેલા નામો પ્રદેશ પ્રમુખને મોકલી દેતા શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી

ગુજરાત વિધાનસભાની ગત ચૂંટણીમાં રાજકોટ શહેરની ચારેય બેઠકો પર ભાજપે સિટીંગ ધારાસભ્યોની ટિકિટ કાંપી નવા ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યાં હતા. પરિણામ પક્ષ તરફી અને ઉજળું આવ્યું છે.

કેસરિયો ખેસ ધારણ કરીને ફરતા ભાજપના જ કેટલાક મોટા માથાઓએ ભાજપના ઉમેદવારોને હરાવવા માટે રિતસર કાળી મજૂરી કરી હતી. દરમિયાન આવા ગદ્ારોના નામ પ્રદેશ હાઇકમાન્ડ દ્વારા ઉમેદવારો પાસેથી મંગાવવામાં આવ્યા હતાં. તાજેતરમાં શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મિરાણીએ ઉમેદવારો પાસેથી આવેલા ગદ્ારોના નામ પ્રદેશમાં રજૂ કરી દીધા હોવાનું જાણવા મળી રહ્યું છે.

માત્ર રાજકોટ જ નહીં રાજ્યભરમાં તમામ વિધાનસભા બેઠકમાં ભાજપના વિજેતા બનેલા કે પરાજીત થયેલા ઉમેદવારો પાસેથી હાઇકમાન્ડે ગદ્ારોના નામ માંગ્યા હતા. શિસ્તબધ્ધ ગણાતા પક્ષમાં આ વખતે શિસ્તના રિતસર લીરા ઉડ્યા હતા. રાજકોટમાં પણ ચારેય બેઠકો પર વધતા ઓછા પ્રમાણમાં અસંતુષ્ઠોએ સક્રિય બની પક્ષના સત્તાવાર ઉમેદવારને હરાવવા માટેના પ્રયાસો કર્યા હતાં. હરિફ પક્ષના ઉમેદવારોને સમર્થન પણ પુરૂં પાડ્યું હતું.

68-રાજકોટ પૂર્વ વિધાનસભા બેઠક પર આવી પ્રવૃત્તિ સૌથી વધુ થવા પામી હતી. દરમિયાન ચૂંટણીનું પરિણામ આવ્યા બાદ પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ દ્વારા વિધાનસભાની ચૂંટણીમાં કમળના પ્રતિક પરથી ચૂંટણી લડેલા તમામ ઉમેદવારોને તેઓના વિરોધમાં ભાજપમાં રહી અને ભાજપને હરાવવા માટે કામગીરી કરનારા આગેવાનો કે કાર્યકરોના નામ શહેર, જિલ્લાના પ્રમુખને આપવા સુચના આપી હતી.

દરમિયાન તાજેતરમાં રાજકોટ શહેરની ચારેય બેઠકો પરથી ચૂંટણી લડેલા અને વિજેતા બનેલા ધારાસભ્યોએ ચૂંટણીમાં પક્ષ સાથે ગદ્ારી કરનારાઓના નામ શહેર પ્રમુખને આપ્યા હતા. દરમિયાન શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીએ ઉમેદવારો પાસેથી બંધ કવરમાં આવેલા નામો પ્રદેશ હાઇકમાન્ડ સમક્ષ મોકલી દેવામાં આવ્યા છે. હાલ સંસદમાં શિયાળુ સત્ર ચાલી રહ્યું છે.

જેમાં ભાગ લેવા માટે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ દિલ્હીમાં છે. તેઓ શિયાળુ સત્રમાંથી ફ્રી થતાની સાથે જ ગદ્ારો સામે આકરી કાર્યવાહી કરશે. તે નિશ્ર્ચિત બની ગયું છે. ભવિષ્યમાં કોઇ અસંતુષ્ઠ ભાજપમાં રહી ભાજપના ઉમેદવારોને હરાવવા માટે કોઇપણ પ્રકારની કામગીરી ન કરે તેવા આકરા પગલા લેવામાં આવશે.

કાલથી 30મી સુધી જિલ્લા વાઇઝ કોંગ્રેસની કારોબારી બેઠક

1 થી 10 જાન્યુઆરી દરમિયાન તાલુકા કક્ષાએ કારોબારી બેઠક યોજાશે: વિધાનસભા વાઇઝ હારની સમિક્ષા કરાશે

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પક્ષને મળેલી કારમી હાર બાદ હવે કોંગ્રેસ દ્વારા પરાજયનું પોસ્ટમોર્ટમ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. દરમિયાન આવતીકાલથી 30મી ડિસેમ્બર સુધી સતત એક સપ્તાહ રાજ્યના તમામ 133 જિલ્લાઓ અને આઠ મહાપાલિકામાં કોંગ્રેસ સમિતિની કારોબારી બેઠક યોજાશે. ત્યારબાદ 1 થી 10 જાન્યુઆરી દરમિયાન તાલુકા કક્ષાએ કારોબારી બેઠક મળશે. જેમાં વિધાનસભા વાઇઝ હારની સમિક્ષા કરવામાં આવશે.

આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ કોંગ્રેસ દ્વારા હવે પરાજયનું પોસ્ટમોર્ટમ કરવા માટે સમિક્ષા બેઠકોનો દોર શરૂ કરી દેવામાં આવ્યો છે. ફેબ્રુઆરી માસથી ગુજરાતમાં કોંગ્રેસનું ‘હાથ સે હાથ મિલાઓ’ અભિયાન શરૂ થઇ રહ્યું છે તે પૂર્વે પક્ષને ફરી બેઠો કરવા માટે મહેનત શરૂ કરી દેવામાં આવશે. આવતીકાલથી સતત આઠ દિવસ સુધી જિલ્લા કક્ષાએ કોંગ્રેસની કારોબારી બેઠક મળશે. ત્યારબાદ 1 થી 10 જાન્યુઆરી દરમિયાન તાલુકા કક્ષાએ કારોબારી બેઠક બોલાવવામાં આવશે. જેમાં વિધાનસભાની ચૂંટણી લડેલા ઉમેદવારો, ઇન્ચાર્જ જે-તે શહેર, મહાનગર કે તાલુકાના પ્રમુખો પાસેથી હારના કારણો પૂછવામાં આવશે.ભવિષ્યમાં આવો કારમો પરાજય ન થાય તેના માટેનો રોડમેપ તૈયાર કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.