- ચૂંંટણી નિરિક્ષક અને કેન્દ્રીય મંત્રી ભુપેન્દ્ર યાદવના પિતાજીનું અવસાન થતા તેઓ એકાદ સપ્તાહ ગુજરાત નહીં આવી શકે, હવે એપ્રિલમાં રાજયને મળશે નવા પ્રમુખ
ગુજરાત પ્રદેશ ભાજપના નવા અઘ્યક્ષનું નામ જાહેર થવામાં વધુ એકવાર મુદત પડે તેવી શકયતા દેખાય રહી છે. ચુંટણી નિરીક્ષક અને કેન્દ્રીય મંત્રી ભુપેન્દ્ર યાદવના પિતાજીનું નિધન થતાં હવે તેઓ એકાદ સપ્તાહ સુધી ગુજરાતની મુલાકાતે આવે તેવી શકયતા નહિવત છે. જેના કારણે પ્રદેશ ભાજપના નવા અઘ્યક્ષની પસંદગીની પ્રક્રિયા પર બ્રેક લગાવી દેવામાં આવી છે. બીજી તરફ આગામી ગુડી પડવાના દિવસે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને આર.એસએસના સુપ્રીમો મોહન ભાગવત વચ્ચે નાગપુર ખાતે જેમાં ભાજપના નવા રાષ્ટ્રીય અઘ્યક્ષની પસંદગી માટે ચર્ચા કરવામાં આવશે.
ગુજરાત પ્રદેશ ભાજપના અઘ્યક્ષ સી.આર. પાટીલની મુદત પૂર્ણ થઇ ગયા બાદ તેઓને લોકસભાની ચુંટણીને ઘ્યાનમાં રાખી પ્રમુખપદે યથાવત રાખવામાં આવ્યા હતા. ગત મે માસમાં લોકસભાની ચુંટણીના પરિણામો આવ્યા બાદ પાટીલને કેન્દ્ર સરકારમાં જળશકિત મંત્રાલયના કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યા છે. તેઓ છેલ્લા 10 માસથી કેન્દ્રીય મંત્રી અને પ્રદેશ ભાજપ અઘ્યક્ષ એમ બેવડી જવાદબારી નિભાવી રહ્યા છે. સંગઠન પર પુરતુ ઘ્યાન આપી શકાતું ન હોવાના કારણે તેઓએ હાઇકમાન્ડ સમક્ષ ત્રણ-ત્રણ વાર પોતાને ગુજરાત પ્રદેશ ભાજપ અઘ્યક્ષની જવાબદારીમાંથી મુકત કરવાની માંગણી કરી છે.
કોઇના કોઇ કારણોસર રાજયમાં પ્રદેશ ભાજપના નવા પ્રમુખની નિમણુંકની પ્રક્રિયા પાછળ ઠેલાઇ રહી છે. કમુરતા ઉતર્યા બાદ નવા પ્રમુખની વરણી કરી દેવામાં આવશે તેવી સંભાવના હતી. જો કે રાજયમાં સ્થાનીક સ્વરાજયની ચુંટણી જાહેર થવાના કારણે સંગઠન રચનાની કામગીરી અટકાવી દેવામાં આવી હતી. ચુંટણીમાં ભાજપને ધાર્યા કરતા સારા પરિણામો મળ્યા બાદ તાજેતરમાં ભાજપ દ્વારા રાજયના 3પ જિલ્લા અને મહાનગરોમાં પ્રમુખોની નિયુકિત કરી દેવામાં આવી છે. હોળી – ધુળેટીના તહેવાર બાદ પ્રદેશ પ્રમુખની નિયુકિતની કાર્યવાહી હાથ પર લેવામાં આવશે તેવું માનવામાં આવતું હતું. દરમિયાન ગત શનિવારે ભાજપ હાઇકમાન્ડ દ્વારા ગુજરાતમાં સંગઠનની ચુંટણી માટે નિયુકત કરાયેલા ચુંટણી નિરિક્ષક અને કેન્દ્રીય મંત્રી ભુપેન્દ્ર યાદવના પિતાજીનું અવસાન થયું છે. જેના કારણે તેઓ એકાદ સપ્તાહ સુધી ગુજરાત આવી શકે તેવી કોઇ શકયતા ખુબ જ નહિવત છે. આવતા સપ્તાહે ભુપેન્દ્ર યાદવ ગુજરાતની મુલાકાતે આવે તેવી સંભાવના છે એપ્રિલ માસના પ્રથમ સપ્તાહમાં ગુજરાતને નવા પ્રદેશ અઘ્યક્ષ મળે તેવી શકયતા જણાય રહી છે. ભાજપ હાઇકમાન્ડે પ્રદેશ પ્રમુખ પદ સૌરાષ્ટ્ર અને ઓબીસી સમાજને આપવાનું મન બનાવી લીધું છે. પ્રદેશ પ્રમુખ પદ માટે હાલ ભાજપમાં અર્ધો ડઝન દાવેદારોના નામ ચર્ચામાં છે. આવતા વર્ષના આરંભેજ સ્થાનીક સ્વરાજયની ચુંટણી યોજાવાની છે જેને ઘ્યાનમાં રાખી ભાજપ દ્વારા જ્ઞાતિ-જાતિ અને ઝોનના સમિકરણોને ઘ્યાનમાં રાખી પ્રમુખ પદની નિયુકિત કરાશે એક વ્યકિત એક હોદાના નિયમની અમલવારી પક્ષ દ્વારા કરવામાં આવે તો સાંસદ કે ધારાસભ્યને પ્રમુખપદ કે સંગઠનમાં કોઇ મહત્વનો હોદો આપવામાં આવે તેવી શકયતા પર પૂર્ણ વિરામ મુકાય જશે.