- સંગઠનનું કોંકડુ ઉકેલવા નડ્ડા પણ નિષ્ફળ: ફરી અમિતભાઈ ગુજરાત આવશે, 10મી ફેબ્રુઆરી બાદ નવા પ્રદેશ અધ્યક્ષ જાહેર થશે
વિશ્ર્વની સૌથી મોટી રાજકીય પાર્ટી ભાજપ માટે રાજકીય પ્રયોગશાળા ગણાતા ગુજરાતમાં પક્ષમાં વિવાદ વકરવાના કારણે સંગઠન રચનાની કામગીરી ઘોંચમાં પડી છે. જિલ્લા અને મહાનગરોનાં પ્રમુખ જાહેર કરવામાં ભેદી ઢીલ દાખવવામાં આવી રહી છે. ગુજરાત ભાજપનું ગુંચવાયેલુ કોંકડુ ઉકેલવામાં ખૂદ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા પણ નિષ્ફળ રહ્યા છે. દિલ્હી વિધાનસભાની ચૂંટણીના કારણે સંગઠન પર્વની પ્રક્રિયા થોડી મંદ પડી છે. આગામી 10મી ફેબ્રુઆરી બાદ ભાજપ દ્વારા નવા પ્રદેશ અધ્યક્ષનું નામ જાહેર કરવામાં આવશે. દરમિયાન આગામી દિવસોમાં ફરી ભાજપના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહ ગુજરાતની મુલાકાતે આવશે ત્યારબાદ જિલ્લા અને મહાનગરોનાં પ્રમુખોના નામ જાહેર કરી દેવામા આવે તેવું હાલ દેખાય રહ્યું છે.
ભાજપના ટોચના રાષ્ટ્રીય નેતાઓ હાલ દિલ્હી વિધાનસભાની સામાન્ય ચૂંટણી સહિતની અન્ય કામગીરીમાં ખૂબજ વ્યસ્ત હોવાના કારણે દેશભરમાં ભાજપની સંગઠન પર્વને લગતી કામગીરી મંદ પડી ગઈ છે. ગત શનિવારે અને રવિવારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે.પી.નડ્ડા ગુજરાતની મૂલાકાતે હતા ત્યારે એવી શકયતાઓ જણાતી હતી કે ભાજપ દ્વારા કેટલાક જિલ્લા અને મહાનગરોનાં પ્રમુખના નામો જાહેર કરી દેવામા આવશે 33 જિલ્લા અને 8 મહાનગરોનાં પ્રમુખ બનવા માટે 1250થી વધુ દાવેદારોએ ઉમેદવારી ફોર્મ ભર્યા છે. મોટાભાગના જિલ્લા-મહાનગરોમાં વિરોધ, વિવાદ અને જૂથવાદ ચરમસીમાએ હોવાના કારણે ભાજપ દ્વારા હજી સુધી એક પણ જિલ્લા માટે પ્રમુખનું નામ જાહેર કરવામાં આવ્યું નથી. ખૂદ જે.પી.નડ્ડા ગુજરાત ભાજપનું ગુંચવાયેલું કોકડુ ઉકેલવામાં નિષ્ફળ રહ્યા છે. હવે આગામી બુધવાર અથવા ગુરૂવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ફરી એકવાર માદરે વતનની મૂલાકાતે આવી રહ્યા છે. ત્યારે તેઓ જિલ્લા અને મહાનગરોનાં પ્રમુખ ફાઈનલ કરી નાખશે તેવું દેખાય રહ્યું છે. પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ અમેરિકાના પ્રવાસે જઈ રહ્યા હોવાના સમાચારો પણ પ્રાપ્ત થઈ રહ્યા છે.
બીજી તરફ રાજય ચૂંટણી પંચ દ્વારા ચાલુ સપ્તાહમાં ગમે ત્યારે સ્થાનિક સ્વરાજયની ચૂંટણીની તારીખોનું એલાન કરવામાં આવી શકે છે. ભાજપના અમૂક નેતાઓ એવી પણ શકયતા વ્યકત કરી રહ્યા છે કે સ્થાનિક સ્વરાજયની ચૂંટણી પૂર્ણ થયા બાદ ભાજપ દ્વારા નવા પ્રદેશ અધ્યક્ષ ઉપરાંત જિલ્લા અને મહાનગરોનાં પ્રમુખોના નામ જાહેર કરવામાં આવે તેવી પણ એક શકયતા હાલ દેખાય રહી છે.15મી જાન્યૂઆરી સુધીમાં જિલ્લા અને મહાનગરોનાં પ્રમુખો જાહેર કરી દેવામાં આવે તેવી જાહેરાત કરવામાં આવી હતી. મૂદત વિત્યાના પાચ દિવસ બાદ પણ હજી એક પણ જિલ્લા કે મહાપાલિકાના પ્રમુખ જાહેર કરાયા નથી.બીજી તરફ દિલ્હી વિધાનસભાની ચૂંટણી સંસદનું શિયાળુ સત્ર અને હવે બજેટ સત્રની કામગીરીમાં ભાજપનું શિર્ષ નેતૃત્વ અતિ વ્યસ્ત હોવાના કારણે સંગઠન લક્ષી કામગીરી પર પુરતુ ધ્યાન કેન્દ્રીત તરી શકાતુ નથી. સદસ્યતા અભિયાન નોંધણી બાદ બૂથ કમિટીની રચના અને મંડળ પ્રમુખની વરણી સુધીની પ્રક્રિયા નિયત સમય મર્યાદામાં ચાલ્યા બાદ જિલ્લા અને મહાનગરોનાં પ્રમુખ માટે ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ રાજયભરમાં વધતા ઓછા પ્રમાણમા જૂથવાદના લબકારા દેખાતા ભાજપના ટોચના નેતાઓ ફફડી ઉઠ્યા છે. હવે ખૂબજ સાવચેતી સાથે સંગઠન પર્વની કામગીરી આગળ ધપાવવામાં આવશે.