- ફરિયાદ સાબિત થયે ટોલ કલેકટર્સને એક લાખ રૂપિયાનો દંડ ફટકારાયો
શું તમને ક્યારેય એવો અનુભવ થયો છે કે, તમારું વાહન ઘરે હાજર હોય પણ તેમ છતાં તમારા ફાસ્ટેગ વોલેટમાંથી પૈસા કપાતનો મેસેજ આવ્યો હોય. આવું એટલે બનતું હોય છે કે ઘણીવાર અમુક કારણોસર ફાસ્ટેગ સિસ્ટમ વાહનના નંબર સ્કેન ન કરી શકે ત્યારે ટોલ ઓપરેટરો ભૂલ ભરેલા વાહન નંબર દાખલ કરી દેતા હોય છે અને તેના લીધે અન્ય વાહનના ફાસ્ટેગ વોલેટમાંથી નાણાં કપાત થઇ જતાં હોય છે.
ફાસ્ટેગ વોલેટમાંથી “ખોટા” કપાતના આવા કિસ્સાઓ પર કાર્યવાહી કરતા નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ ઓછામાં ઓછા 250 કેસોમાં ટોલ કલેક્ટર્સને દંડ ફટકાર્યો છે. દરેક ઉલ્લંઘન માટે, હાઇવે ઓથોરિટીની ટોલ મેનેજમેન્ટ એન્ટિટીએ રૂ. 1 લાખનો દંડ લાદવાનું શરૂ કર્યું છે.
આ ઊંચા દંડને કારણે, આવા કેસોની સંખ્યામાં લગભગ 70% ઘટાડો થયો છે અને હવે એક મહિનામાં આવી 50 સાચી ફરિયાદો હાઇવે ઓથોરિટી સુધી પહોંચે છે. જ્યારે રાષ્ટ્રીય ધોરીમાર્ગ નેટવર્ક પરના તમામ પ્લાઝા પર લગભગ 30 કરોડ ફાસ્ટેગ વ્યવહારો થાય છે.
ઘણા વપરાશકર્તાઓએ ફરિયાદો નોંધાવવા ઉપરાંત, તેમના ફાસ્ટેગ વોલેટમાંથી ખોટા ટોલ કપાતના કિસ્સાઓ પ્રકાશિત કરવા માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કર્યો છે. ખોટી કપાતનો સામનો કરી રહેલા ગ્રાહકો 1033 પર કોલ કરીને અથવા ઇમેઇલ કરીને ફરિયાદ નોંધાવી શકે છે અને દરેક કેસની સંપૂર્ણ તપાસ કરવામાં આવે છે. જો આવી કપાત અથવા ખોટા મેન્યુઅલ વ્યવહારોની ફરિયાદ સ્થાપિત થાય છે, તો ગ્રાહકને તાત્કાલિક ચાર્જબેક
જારી કરવામાં આવે છે. વધુમાં, જવાબદાર ટોલ ઓપરેટર પર 1 લાખ રૂપિયાનો દંડ લાદવામાં આવે છે, તેવું હાઇવે ઓથોરિટીએ જણાવ્યું હતું.