- શાપર-વેરાવળના 1774 વારના પ્લોટનો બારોબાર દસ્તાવેજ કરી પચાવી લેવાયો
- ખોટા કાગળો ઉભા કરાયા, ભત્રીજીએ રજીસ્ટ્રાર કચેરીમાં કાકી તરીકે ઓળખ બતાવી : સાત શખ્સો વિરુદ્ધ ફરીયાદ
અમેરિકામાં રહેતી વૃદ્ધાની જાણ બહાર જેઠના સંતાનો સહીત કુલ સાત શખ્સોએ ખોટા દસ્તાવેજો ઉભા કરી શાપર વેરાવળની 1774 વારના ત્રણ પ્લોટ બારોબાર વેંચી માર્યાનો બનાવ સામે આવ્યો છે. વૃદ્ધાએ વિશ્વાસ મૂકી ભત્રીજાને દસ્તાવેજની ફાઈલ સાચવવા આપી પોતે અમેરિકા જતાં રહ્યા હતા પણ ભત્રીજા સહીતે વિશ્વાસઘાત કરતા અંતે આ મામલે શાપર વેરાવળ પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.
હાલ અમેરિકાના ન્યુયોર્કમાં રહેતા અને મૂળ મવડી ફાયર બ્રિગેડ નજીક પાવન કોમ્પ્લેક્સમાં રહેતા સ્મિતાબેન દિલીપભાઈ પારેખ (ઉ.વ.63) નામની વૃદ્ધાએ શાપર વેરાવળ પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં ધર્મેશ હીરાભાઈ પારેખ(રહે. કૃષ્ણનગર, મવડી, રાજકોટ), હેતલબેન વિપુલભાઈ શાહ(રહે ગોપાલનગર-9, રાજકોટ), દિલીપ શાંતિલાલ ભૂત, જયેશ શાંતિલાલ ભૂત, શાંતિલાલ નાથાલાલ ભૂત(ત્રણેય રહે શાપર વેરાવળ), પ્રકાશ પ્રેમજીભાઈ દેલવાડીયા (રહે. ધ લીફ એપાર્ટમેન્ટ, સ્પીડવેલ પાર્ટી પ્લોટ નજીક, મવડી,રાજકોટ) અને જસમત ડી સાંગાણી(રહે શાપર વેરાવળ) એમ કુલ સાત શખ્સોનું નામ આપતાં જણાવ્યું હતું કે, હું છેલ્લા 30 વર્ષથી અમેરીકા ખાતે રહુ છુ અને અમેરીકાની નાગરીકતા ધરાવુ છું. અમે એકાદ બે વર્ષે ભારત સગા વહાલાને મળવા તેમજ કામ સબબ આવીએ છીએ, મારા પતિનું અવસાન થઇ ચૂક્યું છે અને મારે સંતાનમાં એક પુત્ર છે.
વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે, તા. 11/08/1995ના રોજ મે શામજીભાઈ ગોવિંદભાઈ પટેલ પાસેથી રાજકોટ જીલ્લાના કોટડાસાંગાણી તાલુકાના વેરાવળ ગામે એસ.આઈ. ડી. સી મેઇન રોડ શાંતિધામ ગેઇટ નંબર-2 ની સામેના રેવન્યુ સર્વે નંબર 166 પૈકીના બીન ખેડવાણની મંજુરીવાળા સબપ્લોટ નંબર 6/9-એ તથા 6/9-બી તથા 9/ઇ મુજબના કુલ 1483.63 ચોરસ મીટર ( 1774.46 ચોરસવાર ) વાળા કુલ ત્રણ પ્લોટ કિંમત રૂપિયા 51,928/- મા ખરીદ કરેલ હતા. જેનો સબ રજીસ્ટાર કચેરી ગોંડલ ખાતે દસ્તાવેજ અનુક્રમ નંબર 3176 તા.11/08/1995 થી રજીસ્ટર દસ્તાવેજ કરાવેલ હતો. જે અસલ દસ્તાવેજની ફાઇલ મે મારા જેઠના દિકરા ધર્મેશભાઈ હિરાભાઈ પારેખને સાચવીને રાખવા માટે આપેલ હતી. બાદ હું તથા મારા પતિ અમેરીકા જતા રહેલ હતા. વર્ષ 2013-2014 માં ભારતથી મારા જેઠ કનુભાઈ મોહનલાલ પારેખનો મને ફોન આવેલ કે પ્રકાશભાઈ દેલવાડીયાએ મને વાત કરેલ કે તમારા વેરાવળ (શાપર) ખાતે સ્મીતાબેનના નામના પ્લોટ મેં વેચાતા લઇ લીધેલ છે પરંતુ તે સમયગાળા દરમ્યાન હું તથા મારા પતિ અમેરીકા ખાતે હોય અને પ્લોટનો મારા નામનો જ દસ્તાવેજ હોય જેથી મારી હાજરી વગર પ્લોટ વેચાણ થઇ શકે નહિ જેથી મને શંકા ગઈ હતી.
બાદમાં વર્ષ 2015-2016 માં હું અમેરીકા થી રાજકોટ ખાતે આવેલ અને ગોંડલ સબ રજીસ્ટ્રાર કચેરી ખાતેથી માહિતી મેળવતા જાણવા મળેલ કે તા.05/04/2006 માં હું અમેરીકા ખાતે હોય અને મારી ગેરહાજરીમાં મારા જેઠના દીકરા ધર્મેશ હીરાલાલ પારેખ તથા તેની બહેન હેતલબેન વિપુલભાઇ શાહ, દીલીપભાઈ શાંતિલાલ ભુત, જયેશભાઈ શાંતિલાલ ભુત, શાંતિલાલ નાથાલાલ ભુત, પ્રકાશભાઈ પ્રેમજીભાઈ દેલવાડીયા તથા જસમતભાઈ ડી. સાંગાણીએ કાવતરૂ રચી મારા અસલ દસ્તાવેજ આધારે પ્લોટમાં વેચનાર તરીકે ધર્મેશ પારેખે મારી ખોટી સહીઓ તથા અંગુઠાનું નિશાન કરી તેમજ અસલ દસ્તાવેજમાં મારી ભત્રીજી હેતલબેન વિપુલભાઈ શાહે દસ્તાવેજમા મારા ફોટાની જગ્યાએ પોતાનો ફોટો ચોંટાડી દસ્તાવેજ સમયે મારી ખોટી ઓળખ આપી સબ રજીસ્ટ્રાર કચેરી ગોંડલ ખાતે હાજર રહી જમીન ઓછી કીંમતે મેળવવા દિલીપ શાંતિલાલ ભુત, જયેશ શાંતિલાલ ભુત (સ્વસ્તીક મેટલના ભાગીદારો)એ આ પ્લોટના દસ્તાવેજમાં સહીઓ કરી જમીન ખરીદ કરી દસ્તાવેજ વખતે તેમાં શાંતિલાલ નાથાભાઇ ભુત, પ્રકાશભાઈ પ્રેમજીભાઈ દેલવાડીયા, જસમતભાઈ ડી. સાંગાણીએ ખોટી ઓળખ આપી દસ્તાવેજમા ખોટી સાક્ષી તરીકે સહિ કરી ગોંડલ સબ રજીસ્ટાર કચેરી ખાતે બોગસ દસ્તાવેજ કરાવી લીધેલનુ જાણવા મળેલ હતું.
બે પ્લોટ વેંચી માર્યા બાદ ત્રીજો પ્લોટ બોગસ પાવરઓફ એટર્ની બનાવી અન્યને ધાબડી દેવાયો
ફરિયાદીએ જણાવ્યું હતું કે, તા.09/05/2007 ના રોજ પણ હું અમેરીકા ખાતે હતી ત્યારે મારા જેઠના દીકરા ધર્મેશભાઈ હિરાભાઇ પારેખએ મારા નામની ખોટી પાવર ઓફ એટર્ની બનાવી લઈ વેરાવળ ગામના સર્વે નંબર 166 પૈકીની જમીન મા પ્લોટ નંબર 9/ઈ વાળી જમીન ચોરસ મીટર 46-45, ચોરસ વાર 55-55 વાળી ખોટી પાવર ઓફ એટર્ની આધારે ક્રિષ્ના બન ગુપ્તા રહે.વેરાવળ શાંતિધામ સોસાયટીને તા.09/05/2007 ના રોજ સબ-રજીસ્ટાર કચેરી ગોંડલ ખાતે રજીસ્ટર વેંચાણ દસ્તાવેજ નંબર 4223 થી પ્લોટ નંબર 9/ઈ વેચાણ કરી દીધેલ છે.
અમે દસ્તાવેજ કરી દીધો છે હવે કશું નહિ થાય, તમારે જે કરવું હોય તે કરી લેજો : ભત્રીજાની ચોખ્ખી ધમકી
ફરિયાદીના જણાવ્યા અનુસાર મારા પતિનુ અવસાન થઇ ગયાં બાદ જસમતભાઇ સાંગાણી સીવાયના તમામ લોકોને મળી આ બાબતે પૂછતા તેઓએ જે તે સમયે આ દસ્તાવેજ કરી આપેલ છે. હવે આમાં કશુ થાય તેમ નથી તમારે જે કરવું હોય તે કરી લેજો તેમ કહેતા અંતે વૃદ્ધાએ શાપર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.