- નવી શાળાઓ શરૂ કરવા માટે બોર્ડને 314 અરજી મળી હતી, 212 દરખાસ્તો નામંજૂર કરાઈ: કચ્છ, રાજકોટ અને સુરેન્દ્રનગરમાં સૌથી વધુ ચાર-ચાર શાળાને મંજૂરીની મહોર
રાજ્યમાં નવા શૈક્ષણિક વર્ષ એટલે કે 2025-26 માટે નવી ખાનગી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ શરૂ કરવા માટે શિક્ષણ બોર્ડને 314 અરજી મળી હતી. અરજી મળ્યા બાદ શિક્ષણ બોર્ડની કારોબારી સમિતિની બેઠકમાં દરેક દરખાસ્તની ચકાસણી કર્યા બાદ મંજૂર અને નામંજૂરના ઓર્ડર કરવામાં આવ્યા હતા. જેમાં 102 શાળાઓની અરજીઓ મંજૂર કરવામાં આવી છે અને 212 અરજીઓ નામંજૂર કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. માધ્યમિક શાળાઓ શરૂ કરવા માટેની 135 અરજીઓ પૈકી 51 અરજી મંજૂર કરાઈ છે, જ્યારે ઉચ્ચતર માધ્યમિકની 179 અરજીઓ પૈકી 51 અરજીઓ મંજૂર કરવામાં આવી છે. ગતવર્ષની સરખામણીમાં આ વખતે અરજીઓની સંખ્યામાં ઘટાડો થયો હતો. ગતવર્ષે સમગ્ર રાજ્યમાંથી નવી શાળા શરૂ કરવા માટે 426 અરજી મળી હતી, જેની સરખામણીમાં આગામી વર્ષ માટેની અરજીઓની સંખ્યામાં 112નો ઘટાડા સાથે 314 અરજીઓ મળી હતી. સૌરાષ્ટ્રભરમાં કુલ 22 સ્કૂલો શરૂ થશે.શિક્ષણ બોર્ડ દ્વારા શૈક્ષણિક વર્ષ 2025-26 માટે રાજ્યમાં નવી ખાનગી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ શરૂ કરવા માટે 20 ડિસેમ્બરથી ઓનલાઈન અરજીઓ મગાવવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. નવી શાળા શરૂ કરવા માંગતી સંસ્થાઓ 19 જાન્યુઆરી સુધી જરૂરી આધાર-પુરાવા સાથે ઓનલાઈન અરજી કરી શકે તેવી વ્યવસ્થા શિક્ષણ બોર્ડ દ્વારા કરવામાં આવી હતી. આમ, સંસ્થાઓને નવી ધો.9 અને ધો.11ની શાળાઓ શરૂ કરવા માટે 32 દિવસનો સમય અપાયો હતો. આ મુદત પૂર્ણ થયા બાદ શિક્ષણ બોર્ડે મુદતમાં વધારો કરી 31 જાન્યુઆરી સુધી લંબાવાઈ હતી. નવી શાળાઓ શરૂ કરવા માટે આપવામાં આવેલી મુદત દરમિયાન સમગ્ર રાજ્યમાથી નવી ખાનગી શાળા શરૂ કરવા માટે 314 અરજીઓ શિક્ષણ બોર્ડને મળી હતી. જેમાં માધ્યમિક શાળા માટે 179 અને ઉચ્ચતર માધ્યમિક શાળા માટે 135 અરજીઓ આવી છે. અરજીઓ બોર્ડને મળ્યા બાદ મંજૂરી- નામંજૂરી અંગેની કાર્યવાહી હાથ પર લેવામાં આવી હતી. જેમાં ફેબ્રુઆરી માસમાં શિક્ષણ બોર્ડની કારોબારી સમિતિની બેઠક બોલાવવામાં આવી હતી અને તેમાં શાળાઓ શરૂ કરવા માટે મળેલી ઓનલાઈન દરખાસ્તોની ચકાસણી કરી યોગ્ય લાગતી શાળાઓને શિક્ષણ બોર્ડ દ્વારા કામચલાઉ મંજૂરી આપવામાં આવી હતી. આમ, 314 શાળાઓ શરૂ કરવા માટેની દરખાસ્ત સામે શિક્ષણ બોર્ડની કારોબારી સમિતિની બેઠકમાં 102 શાળાઓ શરૂ કરવા માટે કામચલાઉ મંજૂરી આપવામાં આવી હતી. જ્યારે 212 અરજીઓ નામંજૂર કરવામાં આવી હતી. માધ્યમિક એટલે કે ધો.9ની શાળાઓ શરૂ કરવા માટે બોર્ડ સમક્ષ 179 દરખાસ્ત આવી હતી. જેમાંથી 51 દરખાસ્ત મંજૂર કરાઈ હતી અને 128 દરખાસ્ત નામંજૂર કરાઈ હતી. જ્યારે ઉચ્ચતર માધ્યમિક એટલે કે ધો.11ની શાળાઓ શરૂ કરવા માટે બોર્ડ સમક્ષ 135 દરખાસ્ત આવી હતી. જેમાંથી 51 દરખાસ્ત મંજૂર થઈ છે.
ક્યાં જિલ્લામાં કેટલી શાળા શરૂ થશે?
શિક્ષણ બોર્ડ દ્વારા 102 શાળાઓ શરૂ કરવા માટે પ્રોવિઝનલ મંજૂરી આપવામાં આવી છે. અમદાવાદ ગ્રામ્યમાં 3, અમરેલી 1, આણંદ 6, બનાસકાંઠા 6, ભરૂચ 5, ભાવનગર 3, છોટા ઉદેપુર 2, દેવભૂમિ દ્વારકા 1, જામનગર 3, જૂનાગઢ 2, ખેડા 1, કચ્છ 4, મહેસાણા 3, મહિસાગર 1, નર્મદા 2, નવસારી 4, પંચમહાલ 1, પાટણ 1, રાજકોટ 4, સાબરકાંઠા 6, સુરત 9, સુરેન્દ્રનગર 4, વડોદરા 14 અને વસલાડમાં 2 શાળાઓને મંજૂરી મળી છે. આમ, સૌથી વધુ અમદાવાદ શહેર અને વડોદરામાં 14- 14 શાળાઓને મંજૂરી મળી છે. જ્યારે સુરત જિલ્લામાંથી સૌથી વધુ 61 જેટલી દરખાસ્ત કરવામાં આવી હતી. જેમાંથી માત્ર 9 સંસ્થાઓને જ સ્કૂલ શરૂ કરવાની મંજૂરી મળી છે.