વેન્ટીલેટરથી જીવનની શરૂઆત કરનાર નવજાત શિશુએ કોરોનાને માત આપી

સિવિલ હોસ્પિટલનાં તબીબોએ દેવદુત બની નવજાત શિશુને નવજીવન બક્ષ્યું

માતા-પિતા બંને કોરોનાગ્રસ્ત હતા

પરિવારને આંગણે જયારે બાળકનો જન્મ થાય ત્યારે આંગણુ બાળકના મીઠા કિલકિલાટથી ગુંજી ઉઠતું હોય છે. પરંતુ રાજકોટના દંપતિ માટે બાળકનો જન્મ યાતનાઓથી ભરેલો રહ્યો અલબત દેવદુત બનેલા તબીબોએ માનવીય અભિગમ સાથે જહેમત ઉઠાવી યાતનાઓ દૂર કરી નવજાત બાળકને નવજીવન બક્ષવાનું સરાહનીય કાર્ય કરતા દંપતિ સહિત પરિવારની આંખો હર્ષનાં આંસુથી છલકાઈ ઉઠી હતી.હાલના કોરોના કાળમાં મહામારીથી અનેક કરૂણ કથનીઓ બહાર આવી રહી છે.

રાજકોટના દંપતિ માટે પણ કોરોના પીડાદાયક બની રહ્યો . ભાવીનભાઈ સોરઠીયા અને તેના પત્નિ સારીકાબેન કોરોના પોઝીટીવ બન્યા આ દરમિયાન સારીકાબેન ગર્ભવતી હોય ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમ્યાન સંજોગોવસાત પ્રિમેચ્યોર ડીલેવરી કરવી પડી હોય બાળકનો, જન્મ થયો હતો. દુખની વાત એ હતી કે બાળકનોકોરોના ટેસ્ટ કરાતા તે પણ કોરોના પોઝીટીવ હોવાના રીપોર્ટ આવતા માતાપિતા ચિંતાતુર બન્યા હતા. દરમ્યાન નવજાત બાળકને તુરંત વેન્ટીલેટર સાથે સિવીલ હોસ્પિટલમાં બાળકોનાં કોવિડ વિભાગમાં દાખલ કરાયું હતુ.

જન્મ સમયે બાળકનું વજન માત્ર બે કિલો હતુ પરિસ્થિતિ ગંભીર હોય બાળકોનાં સ્પેશ્યાલીસ્ટ તબીબોની ટીમ દ્વારા ખાસ સારવાર શરૂ કરાઈ અને તમામ રીપોર્ટ કરાવવામાં આવ્યા જેમાં ડી.ડાઈમર,એફ. ફેરિટિનમાં વધુ વેલ્યુ આવતા ખાસ ઈન્જેકશન આપવામાં આવ્યા હતા.

ડો. કોમલ મેંદપરાના જણાવ્યા મુજબ આટલી સારવાર બાદ જિંદગીનો જંગ લડી રહેલા નવજાત શિશુને વેન્ટિલેટર પર રખાયું હતુ સ્થિતિ સુધારતા શરૂઆતમાં એર-વે અને બાદમાં ઓકસીજન પર રખાયું હતુ આ સમય દરમ્યાન બાળકને મતાનુંદુધ મળી રહે તે માટે વ્યવસ્થા કરાઈ હતી. આખરે ૧૪ દિવસ બાદ બાળકનો કોરોના રિપોર્ટ નેગેટીવ આવતા પરિવારમાં ખુશીનો માહોલ સર્જાયો હતો. સિવીલ અધિક્ષક ડો. પંકજ બુચનાં માર્ગદર્શન હેઠળ હાલ બાળકને સારવાર માટે એનઆઈસી ખાતે શિફટ કરાયું છે. સિવીલ હોસ્પિટલના તબીબોની ટીમે દેવદૂત બની નવજાત શિશુને કોરોનાની મહાત આપી નવજીવન બક્ષ્યું, નવજાત બાળકના પિતા ભાવિનભાઈ એ પણ ગદગદબની સિવીલ હોસ્પિટલનાં સ્ટાફનો આભાર વ્યકત કર્યો હતો.