પૂર્વોત્તર વિસ્તાર હથિયારના સ્મગલીંગની જગ્યાએ સોનાની દાણચોરીનું મથક બન્યો!

વર્ષ ૨૦૧૯-૨૦માં ડીઆરઆઈએ ભારતમાં લવાતું દાણચોરીનું ૧૨૦ ટન સોનુ ઝડપી પાડ્યું: ભારત-મ્યાનમારની સરહદેથી દાણચોરીનું વધતું પ્રમાણ

સિક્કીમ સહિતના પૂર્વોત્તરના કેટલાક રાજ્યોમાં દાણચોરીનું નેટવર્ક મજબૂત બન્યું: થાઈલેન્ડ, મલેશીયા, સિંગાપુર અને ઈન્ડોનેશીયાથી મોટા પ્રમાણમાં ઘુસાડાતો દાણચોરીનો માલ

પૂર્વોત્તર રાજ્યોમાં અત્યાર સુધી આતંકી ગતિવિધિ વધુ પ્રમાણમાં થતી આવી છે. હથિયારોની સ્મગલીંગ સહિતના મામલે પૂર્વોત્તર વિસ્તાર બદનામ છે. દર વર્ષે કરોડો રૂપિયાના શસ્ત્રોની દાણચોરી થતી આવી છે. આ ઉપરાંત વિસ્ફોટકો પણ દેશમાં ઘુસાડાતા હોવાનું સામે આવ્યું છે. ખાસ કરીને મ્યાનમારની સરહદેથી મોટા પ્રમાણમાં દાણચોરી થતી હતી. ઉપરાંત આતંકી ગતિવિધિ પણ વધી હતી. જેથી થોડા સમય પહેલા મોદી સરકારે મ્યાનમારમાં આતંકીઓના લોન્ચીંગ પેડ ઉપર સર્જીકલ સ્ટ્રાઈક કરી હતી.

મ્યાનમાર સરહદની પશ્ર્ચિમે આવેલો જોખવથર વિસ્તાર સ્મગલીંગ માટેનું નેટવર્ક બની ગયો છે. હવે હથિયારોની સ્મગલીંગની જેમ જ સોનાની દાણચોરી વધી છે. નોર્ટ ઈસ્ટના વિસ્તારમાંથી મોટા પ્રમાણે દાણચોરીનું સોનુ ઝડપાયાનું ડાયરેકટરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલીજન્સ દ્વારા જણાવવામાં આવ્યું છે. વર્ષ ૨૦૧૩-૧૪માં ખુબ મોટી માત્રામાં હથિયાર ઝડપાયા હતા. આવી જ રીતે વર્ષ ૨૦૧૯-૨૦માં  ખુબ મોટી માત્રામાં સોનુ ઝડપાયું છે. ડીઆરઆઈના આંકડા મુજબ ગત જુલાઈ મહિનામાં ડિપ્લોમેટીક કાર્ગોના નામે ઘુસાડવામાં આવેલું રૂા.૧૪.૮૨ કરોડનું સોનુ તિરુવન્તપુરમ્ એરપોર્ટેથી પકડાયું હતું. આ કેસ એનઆઈએ એટલે કે નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સીને સોંપવામાં આવ્યો હતો. આ સોનુ મ્યાનમારની સરહદેથી ઘુસાડવામાં આવતું હતું. મ્યાનમારના ખવમાવી ગામ નજીક સોનાની દાણચોરીનું નેટવર્ક બનાવવામાં આવ્યું છે. ૨૦૧૯-૨૦માં ડીઆરઆઈએ ૧૨૦ ટન સોનું ઝડપી પાડ્યું હતું. દેશની કુલ વાર્ષિક માંગના ૧૭ ટકા જેટલો આ જથ્થો હતો. દર વર્ષે ભારતમાં ૮૫૦ ટન સોનુ ઈમ્પોર્ટ કરવામાં આવે છે. કુલ માંગ ૧૦૦૦ ટનની છે. જે પરિણામે દર વર્ષે ૨૦૦ ટન જેટલું સોનુ બહારથી દાણચોરી કરવામાં આવતું હોવાનું જાણવા મળે છે.  સોનાની દાણચોરીનો ધીકતો ધંધો છે. ૧ કિલો સોનાની દાણચોરી કરવામાં આવે તો રૂા.૩ લાખ જેટલી આવક દાણચોરને થાય છે. વૈશ્ર્વિક બજારમાં સોનાની દાણચોરી  ધુમ પ્રમાણમાં થતી હોય છે. હવે થાઈલેન્ડ, મલેસીયા, શીંગાપોર, ઈન્ડોનેશીયા અને ચીનથી ભારત-મ્યાનમારની સરહદે દાણચોરીનો માલ ઘુસાડવામાં આવે છે. ભારત અને મ્યાનમાર વચ્ચે જોડાયેલી જમીની સરહદેથી કરોડો રૂપિયાનો માલ સામાન દાણચોરીના માધ્યમથી ભારતમાં ઠલવાય છે. ભારતમાં ખાસ કરીને છેલ્લા ૨ થી ૩ વર્ષમાં સિક્કીમથી એટલે કે નાથુલા પાસથી સોનુ ભારતમાં ઘુસાડવામાં આવે છે.