છેલ્લા પાંચ વર્ષમાં ભારતમાં આવતા વિદેશી પક્ષીઓની સંખ્યામાં 300 ટકાનો વધારો થયો !!

 

ચોમાસા બાદ શિયાળાના ચાર મહિના વિદેશ પંખીઓ ભારત આવે છે: નળ સરોવર, કચ્છનારણ વિસ્તારો જેવી વિવિધ જગ્યાએ યાયાવર પક્ષીઓ આવે છે: પાટડી ખારાઘોડાનારણમાં સાઇબેરીયા, યુરોપ અને લદ્ાખ જેવા વિસ્તારોના પક્ષીઓ મહેમાન બને છે

રણ વિસ્તારમાં ચાર ઝોનમાં તેની ગણતરી કરવામાં આવે છે: સુરખાબ પક્ષી હારબંધ માળા બનાવી બચ્ચાને જન્મ આપ્યા બાદ ઉનાળાના પ્રારંભે સામુહિક ઉડાન ભરે છે, 100થી વધુ પ્રજાતિઓ સાથે 30 જેટલા શિકારી પક્ષીઓ પણ મહેમાન બને છે

આપણને પ્રશ્ર્ન થાય કે વિદેશના પંખીઓ દર વર્ષે નિયત સમયે પોતાના દેશથી ભારતના ચોક્કસ સ્થળોએ કઇ રીતે આવી જતા હશે. પંખીઓ રસ્તો કેમ શોધતા હશે ઉપરાંત મૂળ સ્થાને ફરી કેમ પહોંચતા હશે. કુદરતની અફાટ સુંદરતા ધરાવતા આ યાયાવર પક્ષીઓમાં ગજબની શક્તિ હોય છે. ઠંડાપ્રદેશમાં હાલના ગાળામાં રહેવું કઠિન હોય સાથે ખોરાકની તકલીફ વિગેરે કારણોથી બચ્ચાને જન્મ આપવા સાવએકાંત અને છિછરાપાણીવાળી જગ્યા જ્યાં ખોરાક પણ સહેલાયથી મળી શકે તેવી જગ્યા વધુ પસંદ કરતા હોય છે. તેથી દર વર્ષે વિદેશ પક્ષીઓ ભારતના મહેમાનો બને છે.

2016 બાદ યાયાવર પક્ષીઓની સંખ્યામાં 300 ટકાનો વધારો જોવા મળ્યો છે. ચોમાસા બાદ શિયાળાનાં પ્રારંભે વિદેશ પંખીઓ ભારત આવવા લાગે છે જે ચાર મહિના અહિં વસવાટ કરે છે. નળ સરોવર, કચ્છનારણ વિસ્તારો સાથે ગુજરાતના વિવિધ સ્થળોએ 100થી વધુ પ્રજાતિના વિદેશી પંખીઓ આવે છે. તે પૈકી 30 જેટલી શિકારી જાત પણ તેમાં જોવા મળે છે. પાટડીના ખારાઘોડા રણવિસ્તારમાં યુરોપ, લદ્ાખ અને સાઇબેરીયા જેવા દેશોમાંથી પક્ષીઓ મહેમાન બને છે. દર વર્ષે તેની ચાર ઝોનમાં ગણતરી પણ કરવામાં આવે છે. સુરખા પક્ષી હારબંધ માળા બનાવીને બચ્ચાના જન્મ બાદ ઉનાળાનાં પ્રારંભે સમુહમાં પોતાના દેશ જવા ઉડાન ભરે છે.

ગુજરાતના રણ વિસ્તારોમાં સાડા ત્રણ લાખ જેટલા વિદેશી પક્ષીઓ આવે છે. જેમાં ધ્રાંગધ્રા, આડેસર, હળવદ અને બજાણા જેવા વિવિધ વિસ્તારનો સમાવેશ થાય છે. આડેસરમાં સૌથી વધુ યાયાવર પક્ષીઓ જોવા મળે છે. હજારો કિલોમીટરનો લાંબો પ્રવાસ ખેડીને વિદેશી પક્ષીઓ ભારત આવે છે. જેમાં ગુલાબી કલરના લેસર, ગ્રેટર, ફ્લેમીંગો, બતક, મોટાહંસ, પેલીકન, નાના હંસ, સફેદ પેણ, રૂપેરી પેણ, કુંજ, બાજ, ટિલોર, પટ્ટાઇ, સુરખાબ જેવા વિવિધ પક્ષીઓ આવે છે.

છેલ્લી ગણતરીમાં 103 પ્રકારના એક લાખથી વધુ પક્ષીઓ નોંધાયા હતાં. હાલના આ સંજોગોમાં વિદેશી મહેમાનોની સંખ્યામાં 350 ટકાનો વધારો જોવા મળતા પક્ષીઓ ચાર લાખ જેવા આવી રહ્યા છે. વિદેશી મહેમાનો અને વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાર્ફ્સ તેમજ પક્ષી પ્રેમીઓ આ નજારો જોઇને ઝુમી ઉઠે છે. પાટડીના રણમાં તો ઇગલ, ફાલ્કન, મર્લિન અને બાજ જેવા શિકારી પક્ષીઓ પણ જોવા મળે છે. લદ્ાખથી આવેલા ગાજ હંસ સાથે કેટલીક લુપ્ત થતી પ્રજાતિઓ પણ છિછરા પાણી, ખેતરો કે એકાંત વાળી જગ્યાએ જોવા મળે છે. યાયાવર પક્ષીઓ નવેમ્બરથી માર્ચ સુધી શિયાળો ગાળવા આ પંખીઓ ભારત આવે છે. માનવીય ખલેલથી દૂર વિશાળ રણમાં આ પક્ષીઓ ચાર માસનો ટૂંકો વસવાટ કરે છે.

આપણાં ગુજરાતમાં પંખી અભ્યારણો સાથે ખારા-મીઠા પાણી, વરસાદી મીઠા પાણી, ઘાસના મેદાનો, સમુદ્ર, ગીરનું જંગલ સાથે દરિયાની રેતીનો એકાંત વિસ્તાર વિદેશી પંખીઓ ભારે માફક આવી જાય છે. આપણાં દેશમાં હાલ 1250થી વધુ પ્રજાતિના 5ંખીઓ છે તે પૈકી 450 પ્રજાતિઓ આપણા ગુજરાતમાં છે. જામનગર પાસેના ખીજડીયા વિસ્તારમાં દર વર્ષે એક લાખ જેટલા વિદેશી પક્ષીઓ આવે છે. મીઠા પાણીના છલોછલ તળાવો અને ખોરાક સહેલાયથી મળી જતો હોવાથી વિદેશી પક્ષીઓનું રજા ગાળવા માટે આવા સ્થળો દર વર્ષે ફેવરીટ હોય છે. રાજકોટના લાલપરી, રાંદરડા તળાવ શહેરથી સાવ નજીક હોવા છતાં 50થી વધુ પ્રજાતિના વિદેશી પક્ષીઓ આવે છે.

સુરત પાસે તાપી નદીના કિનારે વિદેશી પક્ષીઓને જમાવડો ઉનાળાના અંતથી જ થવા લાગે છે. ફ્લેમીંગો પક્ષી પાણી જોઇને ગમે ત્યારે ઉતરી જતા હોય છે. તાપી કાંઠે ફ્લેમીંગો પક્ષીઓ ઝુંડમાં જોવા મળે છે. નળ સરોવર ખાતે પણ હજારો પક્ષીઓ આવે છે. ગલ્ફ દેશોના વિસ્તારોમાંથી ફ્લેમીંગો અહીં વધારે આવે છે. નળ સરોવર રંગ-બેરંગી પક્ષીઓનું નિવાસસ્થાન સાથે અહીં તેનો કલરવ અને સુંદરતા નજીકથી જોવા મળે છે. વૈજ્ઞાનિકો યાયાવર પક્ષીઓના અભ્યાસ માટે પગમાં કડી પહેરાવે છે. સરોવરમાં ભરપૂર પાણી હોવાથી જીવજંતુ, માછલીઓ જેવો ખોરાક આરામથી મળી રહે છે.

ખીજડીયા બર્ડ સેન્ચુરી ખાતે પ્રાકૃતિક શિબિરનું પણ આયોજન થાય છે. જેમાં પક્ષીઓની વિવિધ માહિતી આપવામાં આવે છે. પેલિકન અને વૈયા પક્ષી મોટા પ્રમાણમાં આવે છે. પાટણ જિલ્લાનું સમી તાલુકાનું નાનુ રણ ખાતે પાણીનો સ્ત્રોત મળી રહેતા વિદેશી પંખીઓ આવે છે. ચોમાસામાં સારો વરસાદ પડ્યો હોય તો ઘણીવાર યાયાવર પક્ષીઓ વહેલા પણ આવી જાય છે. કુંજ, હંસ, સુરખાબ જેવા વિવિધ પક્ષીઓ બ્રિડીંગ માટે પણ અહીં આવે છે.

દર વર્ષેે પાંચમી જાન્યુઆરીએ વિશ્ર્વ પંખી દિવસ ઉજવાય છે, જેનો હેતું તેનું સંરક્ષણ, સંવર્ધન, જોખમ, સ્વાસ્થ્ય સંબંધી સુવિધા લઇને દુનિયાભરના લોકોનું ધ્યાન ખેંચાય તેવો હોય છે. આપણા દેશમાં જાણિતા પક્ષીવિદ્ ડો.સલિમઅલીની યાદીમાં 12 નવેમ્બરે રાષ્ટ્રીય પક્ષી દિવસ ઉજવાય છે. અમેરિકામાં 2002થી આ ઉજવણી શરૂ થયા બાદ બાકીના દેશોમાં પણ ઉજવણી થવા લાગી હતી.

વધતી જતી માનવ વસ્તી, ઇન્ડસ્ટ્રીજ, વધતી વાહનોની સંખ્યા, ધુમાડો, ધુમ્મસ જેવી વિવિધ મુશ્કેલીને કારણે ઘણા પક્ષીઓ હવે આવતા નથી. ઇલેક્ટ્રોનીક અને તેના સિગ્નલને કારણે પક્ષીઓની સંખ્યા ઘટી હોવાનું પણ જાણવા મળે છે. પક્ષી, સૂર્ય અને ચંદ્રની સ્થિતિ જોઇને સ્થાન પર પહોંચવાનું નક્કી કરે છે. આ દિશા પણ હવે બદલાતી રહેતી હોવાથી અને રેડિએશનને કારણે પક્ષીઓ પોતાનો રસ્તો શોધવામાં ભૂલ કરી લે છે અને ઘણીવાર ભૂલા પણ પડે છે.