Abtak Media Google News

૯૧,૩૨૦ એક્ટિવ કેસ, ૨૭૮ દર્દીઓની હાલત નાજુક

રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેરમાં હાલ પોઝિટિવ કેસની સંખ્યામાં મોટો ઘટાડો થયો છે. પરંતુ મૃત્યુદરમાં વધારો થતાં લોકો અને તંત્રમાં હજુ ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. રાજ્યમાં કોરોના કેસ ૧૦ હજારથી પણ ઘટ્યા છે. ગઈ કાલે ગુજરાતમાં કુલ ૯,૩૯૫ લોકો સંક્રમિત થયા છે. તો વધુ ૩૦ દર્દીઓએ દમ તોડ્યો છે.

ગુજરાતમાં સૌથી વધુ અમદાવાદ શહેરમાં ૩૫૮૨ કેસ સાથે ૮ દર્દીના નિધન થયા છે.તો વડોદરા શહેરમાં કોરોનાના ૧૫૯૮ કેસ સાથે ૩ દર્દીનાં મોત નિપજ્યા છે. રાજકોટ શહેરમાં ૫૨૨ કોરોના કેસ સાથે ૩નાં મોત થયા.જ્યારે સુરત શહેરમાં કોરોનાના ૩૯૮ કેસ સાથે ૩નાં મોત નોંધાયા છે.  ગાંધીનગર શહેરમાં કોરોનાના ૩૦૪ કેસ સામે આવ્યા. જ્યારે પાટણમાં કોરોનાના ૨૭૬ અને મહેસાણામાં ૨૦૦ નવા દર્દી મળ્યા છે. ભરૂચમાં ૪૬ નવા કોરોના કેસ સાથે ૩ દર્દીનાં મૃત્યુ નિપજ્યા. રાજ્યમાં ૩૦ દર્દીઓના કોરોનાથી મૃત્યુ થયા છે. તો ગુજરાતમાં ૨૪ કલાકમાં ૧૬,૦૬૬ દર્દી સારવાર બાદ સાજા પણ થયા છે. ગુજરાતમાં કોરોનાના ૯૧,૩૨૦ એક્ટિવ કેસ છે. જે પૈકી ૨૭૮ દર્દી વેન્ટીલેટર સારવાર હેઠળ છે.

રાજ્યમાં કોરોના સંક્રમણ ઘટતા ભલે રાહત મળી હોય પરંતુ મોતનો આંકડો હજી પણ ઉંચો છે. ગુજરાતમાં ગઈ કાલે ૩૦ દર્દીઓના નિધન થયા છે. અમદાવાદ શહેરમાં સૌથી વધારે ૮ દર્દીઓને કાળમુખો કોરોના ભરખી ગયો.ગુજરાતમાં જાન્યુઆરીના ૩૦ દિવસમાં કોરોનાથી ૩૨૦ લોકોના મોત થયા છે. રાજ્યમાં ૨૯ જાન્યુઆરીએ સર્વાધિક ૩૩ લોકોના મૃત્યુ થયા હતા. ગુજરાતમાં હોસ્પિટલમાં દાખલ થતા કોરોના દર્દી ઘટી રહ્યાં છે. જેને જોતા આગામી સમયમાં મોતની સંખ્યામાં પણ ઝડપથી ઘટાડો થઈ શકે છે. જો કે તબીબોએ લોકોને માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ સહિતના કોરોના નિયમોનું કડકાઈથી પાલન કરવા જણાવી રહ્યાં છે.

તો હાલ રાજ્યમાં હજુ ૯૧,૩૨૦ એક્ટિવ કેસ છે. જેમાં ૨૭૮ દર્દીઓની હાલત નાજુક હોવાથી તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. જ્યારે રાજકોટમાં પણ હજુ કોરોના વેગ વંતો દેખાઈ રહ્યો છે. ગઈ કાલે રાજકોટ શહેરમાં ૫૨૨ પોઝિટિવ કેસ અને ૩ દર્દીના મોત અને ગ્રામ્યમાં ૨૫૧ લોકો સંક્રમિત થયા છે તો એક દર્દીએ સારવારમાં દમ તોડ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.