જામનગર રોડ પરની ન્યારી પેલેસ હોટલ ફરી વિવાદમાં આવી

વેઇટીંગ બાબતે મેનેજરને લમધારી ચાર શખ્સોએ હોટલમાં તોડફોડ કરી

અબતક,ભૌમિક તળપદા પડધરી

રાજકોટ-જામનગર હાઇવે પર આવેલી ન્યારી પેલેસને તંત્ર દ્વારા જમીન મુદે સીલ કરાયા બાદ રિનોવેશન કરી પનામ ફુડ મોલના નામે નવા રંગરૂપ સાથે શરૂ થયા બાદ બે દિવસ પહેલાં કેટલાક શખ્સોએ વેઇટીંગના મુદે હોટલના મેનેજર સાથે માથાકૂટ કરી તોડફોડ કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાતા હોટલ ફરી વિવાદમાં આવી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ પડધરી તાલુકાના ખંઢેરી ગામે રહેતા જામનગર રોડ પર આવેલી પનામ ફુડ મોલ નામની હોટલમાં મેનેજર તરીકે ફરજ બજાવતા જયદેવ નાગદાનભાઇ ડાંગરે ધ્રોલના હિરેન વાઘાણી સહિત ચાર શખ્સો સામે હોટલમાં તોડફોડ કરી ખૂનની ધમકી દીધા અંગેની પડધરી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

ધ્રોલના હિરેન વાઘાણી પોતાના સાગરિતો સાથે પનામ ફુડ મોલમાં ગત તા.19 ફેબ્રુઆરી રાતે સાડા દસ વાગે જમવા માટે ગયા ત્યારે વેઇટીંગ બાબતે હોટલના મેનેજર જયદેવ ડાંગર સાથે બોલાચાલી થતા બંને વચ્ચે ઉગ્ર થયેલી બોલાચાલીના કારણે ચારેય શખ્સોએ હોટલમાં તોડફોડ કરતા હોટલમાં જમવા આવેલા ગ્રાહકોમાં નાસભાગ મચી ગઇ હતી. હિરેન વાઘાણી સહિતના ચારેય શખ્સોએ હોટલના મેનેજર જયદેવ ડાંગર સાથે ઝપાઝપી કરી ખૂનની ધમકી દઇ જી.જે.3 એફકે. 1952 નંબરની કારમાં ભાગી ગયાનું ફરિયાદમાં જણાવ્યું છે. પનામ ફુડ મોલ ખાતે થયેલી બઘડાટીના પોલીસે સીસીટીવી ફુટેજ મેળવી તપાસ હાથધરી છે.