Abtak Media Google News

રાજ્ય સરકારે ગાઇડ લાઇનમાં આઠ મુદ્દાઓની સ્પષ્ટતા કરી.

રાજ્યની વર્ષો પહેલા નવી શરતોની જમીન વ્યવહારો દ્વારા જૂની શરતોમાં ફેરવવાની ગોઠવણ ચાલતી હતી અને અનેક જમીનો શરતફેર થઈ હતી. આ બાબત રાજ્ય સરકારના ધ્યાને આવી હતી અને આવા કૌભાંડો પર બ્રેક મારવા માટે વિચારણા હાથ ધરી હતી. જેને લઈને રાજ્ય સરકારે વર્ષો પહેલા નવી શરતોની જમીન ગોઠવણ દ્વારા જૂની શરતોમાં ફેરવવાનું કૌભાંડ થયું હતું તેની પર બ્રેક મારવા ગાઈડલાઈન જાહેર કરી છે. જે મુજબ હવે જમીન બિનખેતી (ગઅ) માટે આવશે ત્યારે કલેક્ટર દ્વારા તેની ચકાસણી કરી ફરી નવી શરતમાં ફેરવવા આદેશ આપ્યો છે. આ આદેશના પગલે આગામી દિવસોમાં રાજ્યની ગઅની અનેક દરખાસ્તોની ચકાસણી હાથ ધરવામાં આવશે.તેમજ સરકારને નવી શરતની જમીન ના ગ અ માં પ્રિમિયર થકી મોટી આવક પણ થશે.

પ્રાપ્ત માહિતી અનુસાર વર્ષો પહેલા ગોઠવણ દ્વારા નવી શરતોની જમીન જૂની શરતમાં ફેરવવાના કૌભાંડ પર બ્રેક મારવા ગાઈડલાઈન ઈશ્યુ કરી છે. ગઅ માટે આવતી જમીન નવી શરતની છે કે જૂની શરતની છે તેની ચકાસણી કરવા કલેક્ટરોને સુચના આપી છે અને તે અંગેની સત્તાવાર ગાઈડલાઈન પણ જાહેર કરી છે. કલેક્ટરોને આપવામાં આવેલી ગાઈડલાઈનમાં જણાવ્યા પ્રમાણે, જાગીરદાર એક્ટ પ્રમાણે જે ખેતીની જમીન હોય છે, તેમાં ૭-૧૨ની એન્ટ્રીમાં સેટીંગ કરીને જૂની શરત લખાવી દેવામાં આવેલી હોય છે. આવી જમીન જો ગઅ માટે આવે તો કલેક્ટર દ્વારા તેની તપાસ કરી તેને નવી શરતમાં ગણવાની રહેશે તેવી સુચના આપી છે.

ઉપરાંત ૧-૮-૫૬થી ગણોતીયા ધારામાં ગણોતીયા મુળ જમીન માલિકને જમીન પરત કરે ત્યાર બાદ એ જમીનનો વ્યવહાર થાય અને ૭-૧૨માં જૂની શરત હોય તો આ જમીન પ્રતિબંધિત સત્તા પ્રકારની ગણી નવી શરતમાં ગણવાની રહેશે તેવી પણ સ્પષ્ટતા કરવામાં આવી છે. ૨૯-૧૨-૬૫ના ગણોતીયા ધારા મુજબ ગણોતીયા અને મુળ જમીન માલિક વચ્ચે કેસ ચાલતો હોય અને ગણોતીયો મુળ માલિકને જમીન આપે ત્યારે ૭-૧૨માં વ્યવાહર કરી જૂની શરત લખી દેવાય છે. આવી જમીન ગઅ માટે આવે ત્યારે દસ્તાવેજની ચકાસણી કરી નવી શરત ગણવાની રહેશે તેમ ગાઈડલાઈનમાં સ્પષ્ટતા કરવામાં આવી છે.

ગાઈડલાઈનમાં સરકરા દ્વારા વિવિધ આઠ જેટલા મુદ્દાઓને લઈ સ્પષ્ટતા કરી છે, જેથી કલેક્ટરોને જમીન ગઅ વખતે મુશ્કેલી ન પડે અને તાત્કાલીક આવા કેસો અંગે કાર્યવાહી થઈ શકે. ગાઈડલાઈનમાં એમ પણ જણાવ્યું હતું કે, સરકારે સ્પષ્ટતા કરેલા આઠ જેટલા મુદ્દાઓના કિસ્સામાં રેકર્ડ પર જમીન જૂની શરતની દર્શાવેલી હોય અને ખેતી હેતુ માટે વેચાણ થયેલી હોય તો ખેતીથી ખેતીના હેતુ માટે તથા ખેતીથી બિનખેતીના હેતુ માટે શરતફેર કરવા પ્રવર્તમાન ઠરાવો મુજબ પ્રીમિયલ વસૂલવાનું રહેશે.

આવા તમામ કિસ્સાઓમાં સંબંધિત કલેક્ટરે ચકાસણી કરી પોતાના સ્વયં સ્પષ્ટ અભિપ્રાય સહિત જો પ્રીમિયમ વસૂલ કરવાનું થતું હોય તો પ્રીમિયમની રકમ સહિત મહેસૂલ વિભાગની પૂર્વ મંજૂરી માટે તમામ રેકર્ડ સાથે દરખાસ્ત કરવાની રહેશે તેમ પણ સ્પષ્ટતા કરાઈ છે. આમ, સરકાર દ્વારા જમીન ગઅ અંગેની જે સ્પષ્ટતા કરી છે તેના પગલે નવી શરતોનું જૂની શરતોમાં ફેરવવાનું જે કૌભાંડ થયું હતું તેની પર બ્રેક વાગશે અને ગઅ વખતે આવી જમીનો ફરી નવી શરતમાં ફેરવાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.