- કાલયવન, ભૈરવ, યક્ષિણી, ચામર ધારિણી સહિતની જોવાલાયક મૂર્તિઓ
સોમનાથ: ઘૂઘવતો દરિયો પણ જેના ચરણ પખાળતા થાકતો નથી, એવા બાર જ્યોતિર્લિંગમાંના પ્રથમ જ્યોતિર્લિંગ ભગવાન સોમનાથના આંગણે મ્યૂઝિયમમાં અતિતનો ઈતિહાસ હજુ પણ સચવાયેલો છે. લાઈટ એન્ડ સાઉન્ડ શોના માધ્યમથી સોમનાથના પટાંગણમાં હજુ પણ દેવને નૃત્યગીતથી આરાધવા તત્પર રહેલી ચૌલાના ઝાંઝરનો રણકાર ગૂંજે છે, તો બીજી બાજું પૌરાણિક અવશેષો સાચવીને બેઠેલા મ્યૂઝિયમના માધ્યમથી સોમનાથની ભૂમિમાં ખેડાયેલું સાહસ અને શૌર્યનું ખમીરવંતુ નવચેતન પણ ધબકે છે.
પ્રભાસપાટણ ખાતે આવેલા સોમનાથના જૂના મ્યુઝિયમમાં કોઈ ભગ્ન અવશેષ તરીકે તો કોઈ પૂર્ણ રીતે પ્રભાસક્ષેત્રની ભૂમિમાં ગવાયેલી તમામ શૌર્ય ગાથાઓની ગૂંથણી સંગ્રહાયેલી જોવા મળે છે. અહીં સોમનાથ મંદિરના અદ્વિતિય સ્થાપન સમયના અવશેષો પણ સંગ્રહાયેલા છે. જે આક્રાંતાઓની વિધ્વંશક મનોવૃત્તી સામે પુનરૂદ્ધારના અડગ મનોબળની અનુભૂતિ કરાવે છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાતનો ખમીરવંતો ઇતિહાસ અને સાંસ્કૃતિક વારસાનું જતન સમગ્ર વિશ્વના લોકો સમક્ષ ઉજાગર થાય તે દિશામાં પ્રયત્નો હાથ ધરવામાં આવ્યાં છે. ગુજરાતમાં અનેક મ્યૂઝિયમ જોવાલાયક અને માણવાલાયક છે. જેમાંનું એક મ્યૂઝીયમ પ્રભાસ પાટણ ખાતેની ઉભી બજારમાં આવેલું સોમનાથ ટ્ર્સ્ટનું જૂનું મ્યૂઝિયમ પણ છે.
સોમનાથ ટ્રસ્ટના જૂના મ્યૂઝીયમમાં ૧૦મી સદીમાં સ્ત્રી–પુરૂષના દ્વંદ્વ યુદ્ધ, ચામર ધારિણી, યક્ષિણી, નાગને સ્તનપાન કરાવતી નર્તકી, દુર્લભ એવી સાતમા સૈકાની ભગવાન લકુલીશની મૂર્તિ, સોમ (ચંદ્ર) દ્વારા સોમનાથની પ્રથમ સ્થાપનાના ઈતિહાસને દર્શાવતી મૂર્તિ, સોમ કાલયવન અને ભૈરવ સહિતની મૂર્તિઓ રાખવામાં આવેલી છે
આ મ્યૂઝિયમમાં ૧૧ મે,૧૯૫૧ના રોજ સોમનાથ ભગવાનના શિવલિંગ પર જલાભિષેક કરવા દક્ષિણ આફ્રિકાની ઝામ્બેશી નદી, ન્યૂઝીલેન્ડના દક્ષિણ મહાસાગરનું પાણી, ઓસ્ટ્રેલિયાની મૂર નદીનું પાણી, રશિયાની મોસ્ખ્વા નદીનું પાણી, કેનેડાની લોરેન્સ નદીનું પાણી, ઈજિપ્તની નાઈલ નદીનું પાણી એમ દેશદેશાવરથી એકઠા થયેલ પાણીના નમૂનાઓનો સંગ્રહ પણ સચવાયેલો છે.
સોમનાથ પર આવેલા વારંવારના સંકટને ખાળી અવિરત પ્રકાશપૂંજની જેમ પથરાતી ભગવાન સોમનાથની કિર્તીની સાક્ષીને નિહાળવા સોમનાથ ખાતે આવતા પ્રવાસીઓ માટે શ્રી સોમનાથ ટ્રસ્ટે ટૂરિસ્ટ ફેસિલીટી સેન્ટર ખાતે નવું મ્યૂઝિયમ કાર્યરત કર્યું છે. જે અત્યાધુનિક સોમનાથના સોનેરી ઇતિહાસની સાક્ષી પૂરે છે.
આમ, આપણા ઈતિહાસની બારીએથી ડોકિયું કરી સાહસસભર રાજાઓના શૌર્યને બીરદાવવવા અને તેમની વીરતાને નમન કરવા સોમનાથના જૂનાં અને નવા મ્યુઝિયમની ચોક્કસથી મુલાકાત લેવા જેવી છે.
અહેવાલ: અતુલ કૉટૅચા