Abtak Media Google News

ધવને 49 બોલમાં 13 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકારી 92 રનની ઇનિંગ રમી!!

આઈપીએલ 2021ની સિઝનની 11મી મેચ મુંબઈમાં દિલ્હી કેપિટલ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાઈ હતી. જેમાં દિલ્હીએ શાનદાર જીત મેળવી હતી. દિલ્હીના કેપ્ટન ઋષભ પંતે ટોસ જીતીને પ્રથમ બોલીંગ પસંદ કરી હતી. પંજાબના કેપ્ટન કેએલ રાહુલ અને મયંક અગ્રવાલે ફીફટી ફટકારી હતી. પંજાબ કિંગ્સે 20 ઓવરના અંતે 4 વિકેટે 195 રનનો સ્કોર કર્યો હતો. જેના જવાબમાં શિખર ધવનના શાનદાર 92 રનની મદદથી લક્ષ્યાંકને પાર પાડવામાં દિલ્હી સફળ રહ્યુ હતુ. દિલ્લીએ 18.5 ઓવરમાં 198 રન કરીને જીત મેળવી હતી.

પંજાબની ટીમના કપ્તાન રાહુલ અને ઓપનર મયંક અગ્રવાલે ખૂબ શાનદાર બેટિંગ લરી હતી. બન્ને ખેલાડીઓએ અર્ધશતક ફટકારી ટીમને મોટો સ્કોર આપ્યો હતો પરંતુ શિખર ધવને દિલ્લીને જિતની શિખર અપાવવાનું જાણે નક્કી જ કર્યું હોય તેવી રીતે ધવને ઝડપી ઇનિંગ રમીને દિલ્લીને 18.5મી ઓવરમાં જ જીત અપાવી દીધી હતી.

મોટા પડકારને પાર પાડવા માટે રમતની શરુઆત આક્રમક રીતે કરી હતી. ઓપનર પૃથ્વી શો અને શિખર ધવને 59 રનની ભાગીદારી રમત રમી હતી. પૃથ્વી શોના રુપમાં પ્રથમ વિકેટ દિલ્હી ગુમાવી હતી. શિખર ધવને 49 બોલમાં 92 રનની શાનદાર રમત રમી હતી તેણે 13 ચોગ્ગા અને 2 છગ્ગા રમત દરમ્યાન લગાવ્યા હતા. ધવને દિલ્હીને લક્ષ્યાંકનો પીછો કરતા મજબૂત સ્થિતીમાં લાવી મુક્યુ હતુ.

સ્ટીવ સ્મિથ 12 બોલમાં 9 રન કરીને વિકેટ ગુમાવી બેઠો હતો. દિલ્હીએ 107 રનના સ્કોર પર બીજી વિકેટ ગુમાવી હતી. 152 રનના સ્કોર પર ધવનની વિકેટ ગુમાવી હતી. કેપ્ટન ઋષભ પંતે 16 બોલમાં 15 રન કર્યા હતા. માર્કસ સ્ટોઇનીસે 13 બોલમાં 27 રન કર્યા હતા. જ્યારે લલીત યાદવે 6 બોલમાં 12 રન કર્યા હતા. સ્ટોઈનીશ અને યાદવ બંને અણનમ રહ્યા હતા.

જે સ્થિતી દિલ્હીના બોલરોની હતી એ જ સ્થિતી પંજાબના બોલરોની રહી હતી. નિયમિત વિકેટ મેળવવી પંજાબ માટે મુશ્કેલ સ્થિતિ સર્જાઈ હતી. ઝાય રિચાર્ડસને 4 ઓવર કરીને 2 વિકેટ મેળવી હતી. તેણે 41 રન આપ્યા હતા. રિલે મેરેડિથે 2.2 ઓવર કરીને 35 રન આપી એક વિકેટ ઝડપી હતી. અર્શદિપ સિંહે 3 ઓવર કરીને 22 રન આપીને એક વિકેટ ઝડપી હતી. દિપક હુડ્ડાએ 2 ઓવર કરીને 18 રન આપ્યા હતા. મહંમદ શામી પંજાબ માટે નિરાશાજનક રહ્યો હતો. તેણે સૌથી વધુ રન ખર્ચીને એક પણ વિકેટ ઝડપવામાં સફળ રહ્યો નહોતો. શામીએ 4 ઓવર કરીને 53 રન આપ્યા હતા.

સિઝનમાં ઓપનીંગ રમતથી પરેશાન પંજાબ કિંગ્સને રાહત થઈ હતી. કેપ્ટન કેએલ રાહુલ અને મયંક અગ્રવાલે સારી શરુઆત કરીને શતકીય ભાગીદારી રમત રમી હતી. મયંકે ધુંઆધાર બેટીંગ કરતા 36 બોલમાં 69 રનની ઈનીંગ રમી હતી. તેણે 4 છગ્ગા અને 7 ચોગ્ગા ફટકાર્યા હતા. રાહુલે 51 બોલમાં 61 રનની રમત રમી હતી, તેણે 2 છગ્ગા અને 7 ચોગ્ગા લગાવ્યા હતા. બંને ઓપનરો રાહુલ અને મયંકે 122 રનની ભાગીદારી રમત રમી હતી.

પંજાબે પ્રથમ વિકેટ મયંકના સ્વરુપમાં 122 રનના સ્કોર પર ગુમાવી હતી. બીજી વિકેટ રાહુલના સ્વરુપે 141 રન પુર ગુમાવી હતી. ક્રિસ ગેલના રુપમાં ત્રીજી વિકેટ 158 રને ગુમાવી હતી. ગેઈલે 9 બોલમાં 11 રન કર્યા હતા. નિકોલસ પૂરને 8 બોલમાં 9 રન કર્યા હતા. દિપક હુડ્ડાએ 2 છગ્ગાની મદદથી 13 બોલમાં અણનમ 22 રન કર્યા હતા. જ્યારે શાહરુખ ખાને 5 બોલમાં એક છગ્ગો અને 2 ચોગ્ગા વડે 15 રન કર્યા હતા.

દિલ્હીની ટીમે વિકેટ મેળવવા માટે ખૂબ સંઘર્ષ કરવો પડ્યો હતો. પંજાબના ઓપનરોની ભાગીદારી રમત તોડવી જાણે કે મુશ્કેલ બની ગઈ હતી. કાગિસો રબાડાએ 4 ઓવર કરીને 43 રન આપી એક વિકેટ ઝડપી હતી. રવિચંદ્રન અશ્વિને 4 ઓવરમાં 28 રન આપ્યા હતા. લુકમાન મારિવાલાએ 3 ઓવર કરીને 32 રન આપ્યા હતા, જ્યારે એક વિકેટ ઝડપી હતી. ક્રિસ વોક્સે 4 ઓવર કરીને એક વિકેટ ઝડપીને 42 રન આપ્યા હતા. આવેશ ખાને 4 ઓવર કરીને એક વિકેટ ઝડપી 33 રન આપ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.