છ બહેનાના એકલોતા ભાઈને થોડા દિવસ પૂર્વે જ નવો ફોન અપાયો, પિતાએ ગેમ રમવાની ના પાડતા કરી લીધો આપઘાત

અબતક, રાજકોટ

રાજકોટમાં કોઠારીયા રેલવે સ્ટેશન નજીક રહેતા કિશોરને જેના પિતાએ મોબાઇલમાં ગેમ રમવાની ના પાડતા તે વાતનું કિશોરને માઠુ લાગી આવતા તેને ગળેફાંસો ખાઇ આપઘાત કર્યો છે. બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટમાં કોઠારીયા રેલવે સ્ટેશન પાસે હાઉસીંગ બોર્ડ કવાર્ટરમાં રહેતા યશ મનસુખભાઇ પરસોંડા નામનો ૧૭ વર્ષીય યુવાને પોતાના ઘરે છતના હુંકમાં ચુંદડી બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કર્યાની જાણ આજી ડેમ પોલીસને થતા સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો.

પોલીસ પ્રાથમીક તપાસમાં જાણવા મળ્યું હતું કે, યશ તેના પિતા મનસુખભાઇ સાથે કારખાનામાં મજુરી કામ કરતો હતો યશને તેના પિતાએ થોડા દિવસ પૂર્વે નવો મોબાઇલ લઇ આપ્યો હતો. અને નવા ફોનમાં તે સતત ગેઇમસ રમયા રાખતો હતો તે વાતની તેના પિતાને ન ગમતા તેને યશને ઠપકો આપ્યો હતો. જેના કારણે તે વાતનું માઠુ લાગી આવ્યું હતું જેથી ગતકાલે તેના માતા-પિતા સંબંધીને ત્યાં ગયા હતા ત્યારે ઘરે એકલા રહેલા યશે આ આત્માઘાતી પગલુ ભર્યાનું જાણવા મળ્યું છે. યશ છ બહેનામાં એકલોતો હતો બનાવથી પરિવારમાં શોકનું મોજુ ફળી વળ્યું છે.