- કઠોર પરિશ્રમથી ડરનારાએ ઉન્નત જીવનની કલ્પના ન કરવી
સંઘર્ષ કોઈ નિશ્ચિત કાર્યક્રમ અને યોજના અનુસાર કામ થવા છતાં ઘણી વાર યોજના ઊંધી વાળી દેતી પરિસ્થિતિઓ ઉત્પન્ન થાય છે.કોઈ મુખ્ય સંબંધીનું મૃત્યુ, રોગ, લડાઈ, ઝઘડા, આર્થિક નુકસાન, વિશ્વાસઘાત, દુર્ઘટના, બનેલું કામ બગડી જવું, જેવી ઘણી પરિસ્થિતિઓ અનિવાર્ય રીતે આપણને તે કાર્યક્રમ બદલવા, ભવિષ્યમાં વધુ મહેનત કરવા અને અભાવગ્રસ્ત દશામાં રહેવા લાચાર કરે છે.વિરહ અને કારમા શોકના વિયોગની પીડામાં બળવું પડે છે. આવી પરિસ્થિતિઓમાં પણ ગભરાયા વિના પોતાની જાતને પરિસ્થિતિ અનુસાર ઢાળી દેવી જોઈએ.પહેલાં અમુક સ્થિતિ હતી ત્યારે અમુક પ્રકારનાં કાર્ય થતાં હતાં.હવે પલટાયેલી સ્થિતિ છે તો બીજી રીતે કામ કરવાં જોઈએ
પહેલાં આર્થિક સુખ ભોગવી ચૂકેલાને જ્યારે આર્થિક તંગીમાં સપડાવું પડે છે, ત્યારે તે વિચારે છે કે લોકો મારી મશ્કરી કરશે.આ મશ્કરી,ટીકા,ઉપહાસની શરમથી તે વધુ દુ:ખી થાય છે. હકીકતે તે તેની માનસિક નબળાઈ માત્ર છે.દુનિયાના બધા લોકો પોતાના કામમાં મગ્ન હોય છે, કોઈને અન્યની ગંભીરતાથી ટીકા કરવાની નવરાશ નથી. વાંકી, ત્રાંસી ટોપી પહેરી બજારમાં નીકળનાર માનવી વિચારે છે કે રસ્તે જતાં આવતાં બધા મારી ત્રાંસી ટોપી જોઈ ટીકા કરશે,પરંતુ તે માત્ર તેની માનસિક બાળ બુદ્ધિ જ છે.રસ્તે જતાં આવતાં લોકો પોતાનાં કામકાજ માટે આવજા કરે છે, નહીં કે ત્રાંસી ટોપીની ટીકા કરવા.સેંકડો લોકો ઊંચી, નીચી, ત્રાંસી,વાંકી,કાળી-પીળી ટોપીઓ પહેરી નીકળે છે. કોઈ તેમના તરફ ધ્યાન આપતું નથી. કોઈ ધ્યાન આપે તો પણ એક હળવી વ્યંગ ભરી નજર ઓછા ક્ષણ માટે કરી બીજી જ ક્ષણે તે ભૂલી જાય છે. લોકોની આટલી નાનીશી ટીકા કે આલોચનાના ભયથી જાણે પોતે કોઈ ગુનો કર્યો હોય તે રીતે પોતાની જાતને શરમમાં ડૂબાડી રાખવી એ માનવીની મોટી ભૂલ છે.
ચોરી કરવામાં,ખોટું કામ કરવામાં,દુષ્ટતા, નીચ કાર્ય,પાપ કે અધર્મ આચરતાં ચોક્કસ શરમાવું જોઈએ.ગઈ કાલે દસ રૂપિયા હતા અને આજે બે જ રહ્યા છે.ગઈ કાલે સંપન્ન હતાં, આજે નિર્ધન થઈ ગયા છીએ, એ સ્થિતિ શરમાવા યોગ્ય નથી.પાંડવો એક દિવસે રાજગાદી શોભાવતા હતા.તેમને એક દિવસ મહેનત-મજૂરી કરી અજ્ઞાતવાસમાં રહી પેટ ભરવાનો,દિવસો કાપવાનો વારો આવ્યો. રાણા પ્રતાપ અને મહારાજ નળના જીવનચરિત્ર જેઓ જાણે છે તેમને ખબર છે કે આવા પ્રતાપી મહાપુરુષો પણ કાળના કુચક્રમાં ફસાઈ દીન-હીન દશામાં રહી ચૂક્યા છે.પણ આટલા માટે કોઈ વિવેકી પુરુષ તેઓની ટીકા નથી કરતો. મૂર્ખ અને બુદ્ધિ વગરનાની ટીકાની કોઈ કિંમત નથી અને તેઓ તો તમારી પ્રત્યેક હાલતમાં ટીકા કરશે જ. એટલે ટીકા થવાના ખોટા ભયની કલ્પનામાંથી બહાર નીકળી આવવું જોઈએ અને જ્યારે અભાવની સ્થિતિમાં રહેવા વારો આવે ત્યારે હસતાં હસતાં કોઈ જાતના ભય,સંકોચ, ખચકાટ અને દુ:ખ વિના તેનો સ્વીકાર કરી લેવો જોઇએ. કોઈ પણ યોજના નક્કી કરતાં કરતાં તેમાં વિઘ્ન આવી શકે છે.રૂકાવટ કે મુશ્કેલીઓ આવી શકે છે તેનો ખ્યાલ રાખવો જોઈએ. સફળતાનો માર્ગ જોખમી છે,જેને જોખમો ઊઠાવી સાહસ અને સંઘર્ષ કરવાનું પસંદ છે, તેણે જ આ સિદ્ધિના માર્ગ પર ડગ માંડવાં જોઈએ.જેઓ જોખમોથી ડરે છે,દુ:ખ સહેતાં ભય લાગે છે,કઠોર પરિશ્રમ કરવાનું જેને આવડતું નથી,તેઓએ પોતાનું જીવન ઉન્નતિશીલ બનાવવાની કલ્પના ન કરવી જોઈએ. અદમ્ય ઉત્સાહ, અતૂટ સાહસ, અવિચળ ધીરજ સાથે નિરંતર પરિશ્રમ અને જોખમો સામે લડનારો પુરુષાર્થી જ કોઈનું જીવન સફળ બનાવી શકે છે.આ તત્ત્વોની મદદથી જ લોકો ઉન્નતિના ઉચ્ચ શિખરે પહોંચે છે અને મહાપુરુષ બને છે. જેવી રીતે વિદેશયાત્રા માટે જરૂરી સામાનની એક પેટી સાથે લઇ જવી આવશ્યક છે તેવી રીતે સફળતાના શિખર સર કરનારાએ ઉપરોક્ત ગુણ સભર માનસિક દૃઢતા સાથે રાખવી જરૂરી છે.
સફળતા ઈચ્છુકો ! આપના મનમાં વીરને છાજે તેવી દેઢતા અને પુરુષને છાજે તેવો પુરુષાર્થ ઉત્પન્ન કરો ! મુશ્કેલીઓથી ડરશો નહીં, પણ તેમની સામે લડી હરાવવાની હિંમત રાખો ! સોનાને અગ્નિમાં તપાવતાં તેની ચમક બમણી થઈ જાય છે.દુ:ખમાં પડવાથી આપણી વીરતા અને પ્રયત્નશીલતા બમણાં વેગથી પ્રગટ થવાં જોઈએ.