પરિવાર રાત્રે સુતો હતો તે વેળાએ દીપડો બાળકીને 80 મીટર દુર ઢસળી ગયો: સારવાર દરમિયાન બાળકીનું મોત

સાવરકુંડલા રેન્જ નેસડી ગામે 8 વર્ષની બાળકી ઉપર દીપડાએ હુમલો કર્યા બાદ બાળકીનું મોત નિપજયું હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવથી ગામ લોકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ સાવરકુંડલા રેન્જ નેસડી ગામે 8 વર્ષની બાળકી પાયલ કમલેશભાઈ દેવકા માતા-પિતા સાથે સુતી હતી. ત્યારે દીપડાએ મોડી રાત્રે 1 વાગ્યે હુમલો કર્યો હતો. બાળકીને ગળાના ભાગે દીપડાએ હુમલો કરતા ગંભીર ઈજાઓ પહોંચી હતી.

ત્યારબાદ બાળકી ઘરથી 80 મીટર દૂર મળી આવી હતી. બાદમાં તુરંત બાળકીને સારવાર અર્થે સાવરકુંડલાની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. જો કે સારવાર કારગત ન નીવડી હતી. બાળકીનું મૃત્યુ નિપજયું હતું. આ બનાવથી ગામમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. ઉપરાંત વન વિભાગે પણ તુરંત હરકતમાં આવી દીપડાને પકડવા માટે પાંજરૂ ગોઠવી દીધુ છે.