Abtak Media Google News

કાઠી રજવાડામાં તો બેચાર જુવાન બાનડિયું હોય જ… અને દરબારનું મન પ્રસન્ન રાખતી હોય, પણ આ બાબતનો કોઈ સવાલ કરવો આલણદેને ઉચિત ન લાગ્યો

આલણદેની અકળામણ

માથામાં તેલ પૂરવાની ક્રિયા પૂરી થયા પછી આલણદે પોતાના ઓરડે ગઈ અને મીઠીએ આખા શરીરે તેલ ચોળીને નાવણ કરાવ્યું.

નાહી કપડાં બદલાવી આલણદેએ થોડું શિરામણ કર્યું. ત્યારે પછી સોપારીનો મુખવાસ લઈને તેણે મીઠીને કહ્યું :  ‘તારા બાપુ કેમ  દેખાણા નંઈ ?

મીઠીએ કહ્યું :  ‘ઈતો અહીં આવીને પાછા ગયા … કદાચ ડાયરામાં   બેઠા હશે.’

” કો’કને મોકલને … બોલાવી લાવે.’

‘કોને મોકલું ? હું તો હજી અહીંના કોઈ માણસને ઓળખી પણ શકી નથી.’

“જોને નીચે કો’ક બાનડી બેઠી હશે.’

મીઠી તરત નીચે નીચે ઓસરીમાં એક બાનડી એક કામવાળી પાસે ઊભી હતી અને ગોરસડાંના ઠામ ગરમ પાણીએ ધોવરાવી રહી હતી.

મીઠીએ તેની પાસે જઈને કહ્યું : ‘નાના બાપુ ડેલીએ બેઠા હશે . એમને જરા બોલાવી દેને.’

‘ નાના બાપુ તો મોટા બાપુના ઓરડે બેઠા છે … મોટા બાપુને આજ કાં’ક કસર છે એટલે ડાયરો પણ ત્યાં બેઠો છે … નાગબાપુનું શું કામ હતું ?’

આ પણ વાંચોપ્રેમનો મારગ છે શૂરાનો: આવા હતા કંઈક સૌરાષ્ટ્રના રાજા રજવાડા..!!

‘રાણીબાએ એમને યાદ કર્યાં છે.’

‘તું એમના પિયરથી આવી લાગે છે … તારું નામ ?’

‘મીઠી … તારું નામ ? ’

‘લખમી …  કહીને લક્ષ્મીએ કામવાળી સામે જોઈને કહ્યું :

‘બરાબર સાફ કરજે … હું હમણાં આવું છું.’  ત્યાર પછી લક્ષ્મીએ મીઠી સામે જોઈને કહ્યું :  ‘તું તારે જા … હું નાના બાપુને કહું છું.’

મીઠી પુન: મેડી ઉપર જવા પાછી ફરી . લક્ષ્મી મોટા બાપુના ઓરડા તરફ ગઈ.

મીઠી ઓરડામાં દાખલ થઈ કે તરત આલણદેએ પ્રશ્ન કર્યો :  ‘શું  કર્ર્યુ?’

‘લખમીને મોકલી છે … મોટા બાપુને કાંઈક કસર આવી છે એટલે બધા એમને ઓરડે બેઠા છે.’  મીઠીએ કહ્યું.

માથું ઓળાવવાના વિવિધ વખતે થયેલી વાતચીત સાંભળીને આલણદે અકળાઈ ગઈ હતી. તેને એમ જ થયું હતું કે નાગવાળાએ ચાહીને મને ઉઠાડી ન હોવી જોઈએ . આવી રીતે મશ્કરી કરવામાં એમને શો લાભ ? અને આ બધાં અજાણ્યાં ને ટીખળ કરતાં બૈરાંઓ વચ્ચે વસવું પણ આકરું લાગે છે . ઈ પાસે હોય તો કોઈ કાંઈ બોલે નહીં.

આલણદેએ મીઠીને આજનાં મેણાંટોણાંની વાત કરી . મીઠીએ કહ્યું :  ‘બા , ઈ તો રજવાડામાં આવું જ હોય ! મેં બધું સાંભળ્યું’તું.’

‘આવું શેણે હોય ? બાપુના ઘેર તો આવું કાંઈ નથી . વળી , ગમે તે તોય હું આ રાજની રાણી કેવાઉં , સહુએ વિવેક ને મરજાદા તો રાખવી જોઈએ ને ? ’

મીઠીએ કહ્યું :  ઈ તો છે જને , બા ! હવે તો આ દરબારગઢનાં ધણિયાણી તમે થીયાં..તમારી મશ્કરી કોઈથી નોં થાય . પણ આપ નવાં સવાં છો તી કોઈને ટોળ કરવાનું મન થઈ જાય !’

‘ઈ નો કામ આવે … જો આવતાંવેત દબાઈને રંઈ તો ભવ આખો દબાણમાં રે’વું પડે.’  આલણદેએ કહ્યું.

‘સાવ સાચું કીધું, બા ! બાપુના ધીરેય તમે લાડમાં ઊછર્યાં છો … ને આંઈ પણ ભગવાને રાજના ધણિયાણી બનાવ્યાં … સાવ સાચું કીધું , બા ! તમથી દબાણમાં રે’વાય જ નંઈ … મારું કીધું માનો તો એક વાત કહું.’

‘કે’ને…’

‘દરબારને મુઠ્ઠીમાં બાંધી રાખો એટલે પત્યું !’

‘એમ જ કરવું પડશે.’

‘બા , તમારે કાંઈ નંઈ કરવું પડે. તમારું રૂપ ને તમારી અણિયાણી આંખું જ દરબારને બેવડે દોરે બાંધી દેશે . હું તો કઉં છું કે થોડો થોડો દારૂ પણ પાતાં રીયો.’ બાનડીએ સલાહ આપી.

‘રૂપથી બંધાય એટલે દારૂની ખપ નંઈ પડે..અને દારૂથી બાંધવા જતાં એક વપત સામે આવે.’

‘કઈ ?’

‘નશાને રવાડે ચડી જાય તો પુરુષ બધાં બંધન તોડીને ભટકતો થઈ જાય.’

‘ઇ વાત સાચી … કાઠીના વરણમાં આ જ મોટી ખોડપ છે. !હૈ બા. દરબાર પીએ છે કે નંઈ ?’

‘ઈ પૂછવાનું વેળું નથી આવ્યું… પણ મેં સાંભળ્યું છે કે દરબાર દારૂ , અફીણ કે હુક્કો કાંઈ લેતા નથી . બાપુએ જાન માટે દારૂ મગાવી રાખ્યો’તો …. કીયે છે કે દરબારની બીકે કોઈએ પીધો જ નો’તો.’

મીઠી કંઈ કહેવા જાય તે પહેલાં જ ઓરડાના બારમા પાસે લક્ષ્મીએ આવીને કહ્યું :  ‘અંદર આવું , બા ?’

મીઠીએ તરત કહ્યું :  આવને લખમી..’

લક્ષ્મી અંદર ગઈ. આલણદેએ તેના સામે પ્રશ્નભરી નજરે જેયું. લક્ષ્મીએ બે હાથ જોડી માથું નમાવી કહ્યું : ‘નારાયણ બા …’

‘દરબારને સંદેશો પહોંચાડ્યો ? ’

‘હા બા … પણ મોટા બાપુની તબિયત નરમ છે એટલે નાના બાપુ હમણાં નંઈ આવે.’

‘મોટા બાપુને શું થીયું છે ?  આલણદેએ પૂછ્યું.

‘થાકોડાનો તાવ આવ્યો હોય એમ લાગે છે … જીવરામ વૈદ આવ્યો’તો ને એની દવા ચાલુ કરી છે.’  લક્ષ્મીએ કહ્યું.

‘તારું નામ લખમી , કાં ?’

‘હા , બા …’

‘ તું અહીં કેટલા વરહથી રે ’

છે? ’

” નાનપણથી જ આંઈ છું … મારો ઘરવાળો પણ મોટા બાપુ પાસે જ ’ રે’તોતો.’

‘ દરબારગઢમાં કેટલી બાનડિયું છે ?’

‘વીસેક હશે.’

‘બધી કાયમ દરબારગઢમાં રીયે છે ?’

‘હા , બા … આઠ દસ જેટલીનાં ધર ગામમાં છે . બાકીની બંધી દરબારગઢના પાછળના ભાગમાં એકઢાળિયાં મકાન બાંધ્યાં છે . તેમાં  રીયે છે….’

‘તું ? ’ મીઠીએ પ્રશ્ર્ન કર્યો.

‘હું ગઢમાં રહું છું.’

‘તું અહીં આવતી રે’જે અને બીજી બાડિયુંની પણ ઓળખાણ કરાવજે.’  આલણદેએ કહ્યું,

‘આજ બપોરે જ બધી બાનડિયું આપની સેવામાં હાજર થશે … હવે તો આપ જ અમારાં અન્નદાતા છો.  ’ લખમીએ કહ્યું.

સોળ વર્ષની આલણદે જેટલી રૂપવતી હતી. તેટલી જ અધિકારની ભૂખી હતી.

અધિકારની ભૂખ હૈયાના ગુણને ગૂંગળાવી નાખે છે ! આલણદેએ એક નવો જ પ્રશ્ન કર્યો :  ‘અત્યારે ઘરમાં કોનું ચાલે છે ?’

લક્ષ્મીએ કહ્યું :  ‘મોટાં ફઈબા જ કર્તાહર્તા છે … સ્વભાવનાં રૂડાં ને શાંત છે …’

‘ત્યારે ભાભી કોણ છે ? ’

‘રૂપલદેબા …?  ઈ તો મે’માન છે . નાના બાપુના કાકાના દીકરાનાં ઘરવાળાં છે … આંઇથી દસ ગાઉ દૂર એક સનાળું ગામ છે ત્યાં રહે છે. ઈ ગામ એમનું છે.

‘રૂપલદેબા ત્યારે આનંદી લાગે છે ! ’ મીઠીએ કહ્યું.

‘હા … હસમુખાં ને મસગરાં ભારે છે ! પેટમાં કોઈ જાતનું પાપ નંઈ … બધી રીતે સુખી છે . પણ સવાશેર માટીની ખોટ છે .   ‘લક્ષ્મીએ કહ્યું.

ત્યાર પછી બીજી કેટલીક વાતો દ્વારા આલણદેએ આ દરબારગઢની રીતરસમ જાણી લીધી.

લગ્ન માટે આવેલા ઘણાખરા મહેમાનો આજ સવારે જ રવાના થયા હતા. કેટલાક જમીને જવાના હતા. બાકીના , નજીકમાં રહેતા મહેમાનો રોંઢા ટાણે જવાના હતા.

મોટા બાપુ ઢોલિયે પડ્યા હોવાથી મહેમાનોને વિદાયગીરી આપવાનું કાર્ય મોટાં ફઈબાના માથે આવી પડ્યું . અને નાગવાળાને પણ એમાં ભાગ લેવો પડ્યો.

આમ , નાગવાળો છેક સાંજ સુધી કામમાં ગૂંથાયેલો રહ્યો . લગભગ બધા મે’માનોએ વિદાય લઈ લીધી હતી . માત્ર નજીકનાં આઠ દસ કુટુંબીઓ રહી ગયા હતા .

અને સાંજે મોટા બાપુ પણ તાવથી મુક્ત થઈ ગયા. તેમણે નાગવાળાને કહ્યું :  ‘બેટા , નજીવા તાવમાં તે મને કેદખાનામાં પૂરી રામ્યો ! હવે ડેલીએ જાઈશ.’

‘બાપુ , આજનો દિ  આરામ લો તો …’

‘નાગ , આરામ લેવાથી કાયા વધારે સુંવાળી બને ! હવે તો મને કડકડીને ભૂખ પણ લાગી છે.’

સવલો મહેમાનોને વિદાય આપવાના કામમાં રોકાઈ ગયો હતો. અને તેને સોએક કોરી જેટલી ભેટ મળી ગઈ હતી . એ સિવાય મોટા બાપુ તરફથી જે કંઈ ઈનામ મળે એ બાકી હતું.

આટલી બધી કોરીયું મળશે એવી કલ્પના સવલાએ રાખી જ નહોતી. પણ મહેમાનોએ સવલાની વાણીને પણ કોરીયું વડે નવાજી હતી . સવલાને પણ થયું કે , સંતલી માટે સોનાની એક મગમાળા કરાવું.

ઓરડે વાટ જોઈને બેઠેલી આલણદે ભારે અકળામણ અનુભવી રહી હતી . સાંજ સુધીમાં લક્ષ્મીને ત્રણ વાર સંદેશો આપવા મોકલી હતી. બપોરનો ગાળો તો કંઈક સારી રીતે પસાર થયો હતો . મે’માનો ગયા પછી દરબારગઢને ઘણીખરી બાનડીઓ આલણદેને નારાયણ કહેવા આવી હતી અને લક્ષ્મીએ બધી બાનડીઓનો પરિચય આપ્યો હતો . પરિચય પરથી તે જોઈ શકી હતી કે , મોટા ભાગની બાનડિયું આધેડ છે … કુંવારી ને રૂપાળી તો એક પણ નથી , આમ કેમ હશે ? કાઠી રજવાડામાં તો બેચાર જુવાન બાનડિયું હોય જ … અને દરબારનું મન પ્રસન્ન રાખતી હોય . પણ આ બાબતનો કોઈ સવાલ કરવો આલણદેને ઉચિત ન લાગ્યો.

નમતા બપોરે લક્ષ્મી નાના બાપુ પાસે ગઈ હતી … પણ નાના બાપુ ભેગા જ નહોતા થયા.

આલણદેએ મનથી ધાર્યું કે હવે વાળુ કરીને જ આવશે.

મોટા બાપુને કડકડીને ભૂખ લાગી હતી … પણ વૈઘે કહેલું કે આજ લાંઘણ કરે તો સારું.

આરતીટાણા પછી ધમ્મરવાળાએ સવલાને બોલાવીને કહ્યું :

‘અલ્યા , મારે માટે ખીચડી ને રોટલો કરવાનું કહ્યું હતું ને ?’

‘ હા બાપુ … ત્યાં પધારશો કે ઓરડે થાળી લઈ આવું ?’

‘ઓરડે જ લઈ આવજે.’  ધમ્મરવાળાએ કહ્યું.

નાગવાળો બાજુમાં જ ઊભો હતો તે બોલ્યો :  ‘બાપુ ,મે  કામદારને વૈદરાજ પાસે મોકલ્યા છે.’

‘ કેમ ?’

‘ઈ છૂટ આપે તો વાળુ કરવામાં વાંધો નથી … નહિ તો આજની રાત …

વચ્ચે જ ધમ્મરવાળાએ હસીને કહ્યું :  ‘બેટા , વૈદ તો વૈદિયા હોય ! ભૂખના દાવાનળમાં જ દરદીને શેકી નાખે ! મને ક્યાં કોઈ મોટો રોગ હતો … ? ’

સવલો દોડતો રસોડે ગયો .

ધમ્મરવાળો ડેલીએથી ઊઠી, સહુને રામરામ કરી વાળુ માટે ઓરડે ગયા . નાગવાળો પણ તેમની પાછળ ગયો.

સવલો ખીચડી, બાજરાનો રોટલો, કેસરવરણી કઢી, ડુંગળીનું શાક વગેરે લઈને ઓરડે આવી પહોંચ્યો અને ઓરડાના એક ખૂણે ભાણું ગોઠવવા માંડ્યો.

ધમ્મરવાળાએ પુત્રને કહ્યું :  ‘બેટા , તું ય વાળુ કરી લે …’

‘ હું કામદાર કાકાની વાટ જોઉં છું . મને લાગે છે કે વૈદરાજની દવાએ તરત કામ કર્યું છે તો એના કીધા 52 માણે પરેજી પાળવી જોઈ…’

‘ એમ કર … આપણે બાપ દીકરો હારે જ વાળુ કરી લંઈ … સવલા , ઝટ જા ને ભાઈનું ભાણું લઈ આવ્ય … દૂધનું બોઘરણું પણ લાવજે …’

‘આ વાજોવાજ આવ્યો …  કહીને સવલો ઓરડા બહાર નીકળ્યો.

ત્યાં કપૂરચંદ કામદાર ઓરડામાં આવ્યા . નાગવાળાએ તરત પૂછ્યું :  ‘વૈદરાજે શું કહ્યું ?’

‘ વૈદે કહ્યું છે કે આજની રાત લાંઘણમાં પૂરી થાય તો સારું.’

તરત ધમ્મરવાળાએ કહ્યું : ‘મને ખબર જ હતી કે વૈદ દરદને ને દરદીને સૂકવી નાખે ! જો કપૂરચંદ ડેલીએ જ કોઈ બેઠા હોય તેને વાળુ કરાવી લો … અને પછી તમતમારે ઘીરે જાઓ.’

‘જી … મારે હજી થોડીક વાર લાગશે … તમે જે યાદી કરાવી હતી તે વંચાવવી બાકી છે.’

‘મેં બરાબર યાદી કરાવી હતી … અને તારા સાથે કોઈ દિ’ ભૂલ્યા નો થાય !  સવલાને એક  સોનાનો એક વેઢ

આપજે અને તારા દીકરાને સોનાનીઅકે માળા…બાકી. સગાંવહાલાંનું તો પતી ગયું છે ને ? ’

‘હા બાપુ..થોડુંઘણું બાકી છે તે કાલે જ પતાવી દઈશ.’

સવલો નાગવાળાની થાળી લઈને ઓરડામાં દાખલ થયો . ધમ્મરવાળાએ કામદારને કહ્યું :  ‘બધાં નોકરચાકરનું પતાવ્યુ?’

‘ હા બાપુ … ચાર છ બાનડિયું ને આપણો ગોવાંતી બાકી છે તે અત્યારે પતાવીને જ જઈશ.’

કામદારે વિદાય લીધી.

નાગવાળો ને ધમ્મરવાળો વાળુ કરવા બેસી ગયા.

સવલો દૂધનું બોઘરણું લઈ આવ્યો.

વાળુ પતી ગયા પછી સવલો બધાં ઠામવાસણ ઉપાડવા માંડ્યો ત્યાં કપૂરચંદ કામદાર પાછા આવ્યા અને સવલાને સોનાનો એક વેઢ આપતાં બોલ્યા :  ‘સવલા, નાનાબાપુના લગનની આ ભેટ બરાબર સાચવજે …’

સોનાનો વેઢ !

જોઈને સવલો મોટા બાપુ , સામે જોતાં બોલ્યો ,  મારો ધણી સો વરસનો થાય . મોટા બાપુ , બાપદાદે સોનું પે’ર્યું હશે કે કીમ ઈ મને યાદ નથી … પણ આપની કીરપાથી આજ હું સોનું પે’રીશ .  કહી તેણે કામદાર પાસેથી વેઢ લીધો અને ધમ્મરવાળાના પગને અડાડી આંગળીમાં પહેર્યો.

ધમ્મરવાળાએ કહ્યું :  જોજે પાછો વાયડાઈમાં ક્યાંક પાડી દેતો નંઈ…’

‘બાપુ … આ તો જીવ માફક જાળવીશ . મારા કરતાં મારી ઘરવાળી ભારે ઠાવકી છે. એને જ આપી દઈશ.’  સવલાએ ખુશ થઈને કહ્યું.

ધમ્મરવાળાએ કહ્યું :  ‘હવે તું આ ઠામ લઈ જા ને મારો હુક્કો ભરી આવ્ય.’

લટકતી ચાલ્યે ચાલતો સવલો ઠામવાસણ લઈને રવાના થયો.

કામદાર પણ રામરામ કરીને વિદાય થયો.

ધમ્મરવાળાએ પુત્ર સામે જોઈને કહ્યું :  ‘બેટા , ઓરડામાં કોઈ નથી એટલે એક વાત પૂછવાનું મન થાય છે.’

‘પૂછોને બાપુ…’

‘ઘરવાળી કેવી લાગી ? બેટા, આ પ્રશ્ન તારી મા જીવતી હોય તો હું ન પૂછત … નાનપણમાં સગપણ કરેલું … જાત પણ જોયેલી . છતાં માબાપના હૈયામાં આવી ચિંતા રીયા કરે !’

નાગવાળો શરમથી નીચું જોઈને બેસી રહ્યો.

‘નાગ , આમ શરમ કે સંકોચ ન રખાય … મારી જગ્યાએ હું છું ને ભાઈબંધની જગ્યાએ પણ હું જ છું . બોલ …’

‘બાપુ , હું શું કહું ? રૂડી રૂપાળી ને નરવી તો છે … પણ મન …’

‘ કહે….’

‘એનું મન જરા સાંકડું લાગ્યું છે.’

‘બીજી કોઈ ખોડખાંપણ તો નથી ને ? ’

‘ના . બાપુ….’

‘સાંકડું મન …. ! જો નાગ , હજી સોળ વરસનું બાળક છે. પણ તારે હંમેશાં ધીરજ રાખવી . આવનારીને તારા મન જેવી બનાવવી હોય તો અણગમતી વાતને પણ પી જજે ! કહેવત એવી છે કે , આવતી નારને કાબૂમાં રાખવી ! પણ મને આ કહેવત સાચી નથી લાગતી . સ્ત્રીનું ગજું કેટલું ? હેતથી જ એનું હૈયું ભરાઈ જાય. અને સાંકડું મન પણ મોટું થઈ જાય . ઉનડ ગીડા જેવા દરબારની દીકરી છે. લાડમાં ઉછેર થયો છે . એટલે એના ઘડતરમાં કાં’ક મોટપ આવી ગઈ હોય. ઈ બધું પ્રેમ ને હેતથી સરખું કરી શકાય.’

નાગવાળો કશું બોલ્યો નહિ . સવલો હૂકો ભરીને ઓરડામાં દાખલ થયો અને બોલ્યો :  ‘નાના બાપુ , લખમી પૂછતી’તી કે નાના બાપુએ જમી લીધું ? મેં હા કહી …’

‘સારું કર્યું …’  કહી નાગવાળાએ પિતાના હાથમાં હુક્કાની ને’ મૂકી.

સવલો ઢોલિયા પાસે બેસી ગયો .

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.