બાળકોએ દોરેલા ચિત્રો તેના વ્યક્તિત્વ અને તેની ઇચ્છા વ્યક્ત કરે

બાળકોના ડ્રોઇંગથી ઘરને સજ્જ કરો

પેઇન્ટીંગ, કલરિંગ, ડ્રોઇંગ, સ્ક્રિબ્લિંગ અને રંગપૂરણી બાળકોને બહુ જ ગમે છે: તેના ચિત્રો ઉપરથી તેમની લાગણીઅને સમજનો ખ્યાલ આવે છે: તે જે ચિત્ર દોરે છે તેમાં તેની માનસિકતા અને કલ્પના શક્તિ પ્રગટ થાય છે

પ્રાચિનકાળથી માનવી વિવિધ કલા હસ્તગત કરતો આવ્યો છે. આદિકાળના તમામ અવશેષોમાં પથ્થરની દિવાલો પર ફૂલ કે પ્રાણીના ચિત્રો વધુ જોવા મળે છે. જેમ-જેમ સમય બદલાતો ગયો તેમ શિક્ષણ સાથે સહ અભ્યાસિક પ્રવૃત્તિ અને ઇત્તર પ્રવૃત્તિમાં વિવિધ કલાઓમાં ચિત્રકલા પણ સામેલ થઇ. બાળકોએ જે જોયું છે તે દોરવા તેને પ્રેરણા મળે છે. નાના બાળકોની રંગીન દુનિયામાં વિવિધ કલરોનું વિશેષ મહત્વ છે. 8 વર્ષ સુધીના બાળકોને રંગ, આકારો, રમકડાં, વાર્તા, બાલ ગીતો, સંગીત, રમત-ગમત બહુ જ ગમે છે, અને આ માધ્યમો થકી જ તેનો વિકાસ ઝડપી થાય છે. આજના શિક્ષણમાં કલા શિક્ષણ અગત્યનો પાયો છે.

ટીચીંગ લર્નીંગ મટીરીયલ અને એક્ટીવીટ બેઝ લર્નીંગ જ આનંદમય શિક્ષણનો પાયો હોવાથી ચિત્રકલા જ તેને એકાગ્રતા, કલ્પના અને યાદશક્તિ જેવા ગુણો વિકસાવે છે. બાળકોમાં રહેલી વિવિધ છૂપી કલામાં ચિત્રકલા પણ મોખરે છે. બાળક જોઇને 80 ટકાથી વધુ શીખી જાય છે. નાના બાળકને તમે કોઇપણ ચિત્ર બતાવો તો તે તેના વિશે બે-ત્રણ વાક્યો બોલવા માંડે છે આ જ ચિત્રોની તાકાત છે. ચિત્ર બતાવીને તમે વાર્તા કે પશુ-પક્ષી કે પ્રાણી વિશે સમજાવશો તો તે ઝડપથી યાદ રાખશે અને શીખશે પણ ઝડપથી.

બાળકને આનંદદાયક રહેવાનું ચિત્ર જ શીખવે છે આંગળીઓની સ્કિલ ડેવલપમેન્ટ સાથે તેને જોયેલ આસપાસનું વાતાવરણ અને પશુ-પક્ષીઓ દોરવા પ્રેરાય છે: ચિત્ર ઉપરથી તે ચિત્રવાર્તા બનાવે છે: નાના બાળકોને કલર બહુ જ ગમે છે

બાળકોને પ્રોત્સાહન આપવા તેના ચિત્રોને સરસ ફ્રેમમાં મઢાવીને દિવાનખંડમાં રાખવા જોઇએ. આજે તો ઘણી કોર્પોરેટ ઓફિસના ગ્લાસ ડોરમાં અને શાળાની દિવાલ કે વિશાળ નોટીસ બોર્ડ બાળ ચિત્રો, રંગબેરંગી ચિત્રો શોભા વધારી રહ્યા છે. બાળકોએ દોરેલા ચિત્રો તેના વ્યક્તિત્વ સાથે તેની ઇચ્છા પણ દર્શાવે છે. પેઇન્ટીંગ, કલરિંગ, ડ્રોઇંગ, રંગપૂરણી જેવા ચિત્રો બાળકોને બહુ જ ગમતા હોવાથી મા-બાપે અને શાળાએ તેને પ્રોત્સાહન આપવું. સારા ચિત્રો દોરનારના અક્ષરો પણ સારા થવાનું કારણ તેના વણાંક સાથેની સમજ અને ધીરજ, એકયુરસી બરોબર એમ બને છે. બાળકોના ચિત્રો ઉપરથી તેની લાગણી અને તેની સમજનો ચિતાર જોવા મળે છે. તે જે ચિત્ર દોરે તેમા તેની માનસિકતા અને કલ્પનાશક્તિ જોવા મળે છે.

બાળકને ટ્રેસ મુક્ત આનંદ, ઉત્સાહ સાથે રહેવાનું ચિત્ર જ શીખવે છે. આંગળીઓની વિવિધ સ્કિલ ડેવલપમેન્ટ, કલરની પસંદગીને ચિત્ર બહાર કલર ન નીકળી જાય તેની તકેદારી જેવા વિવિધ ગુણ સાથે એકાગ્રતા અને દ્રષ્ટિ કેળવાય છે. બાળકોના ચિત્રો ભાઇબંધ છે તે તેને ઘણું શિખવે છે. ઘરની આસપાસના વાતાવરણમાં જોતા આંગણાના પશુ-પંખી તે ઝડપથી દોરતા શીખી જાય છે. આજે તો વોટર કલર, મિણીયા કલર, સ્ક્રેચપેન જાડી-પાતળીને વિવિધ આકાર કટવાળી આવે છે જેના થકી શ્રેષ્ઠ આકારો આપીને ચિત્રો દોરવા ખૂબ જ આનંદ બાળકને મળે છે. નવરાશની પળોમાં વિવિધ કલા પૈકી ચિત્રકલાના વિકાસ માટે બાળકોને પ્રેરણા આપવી જરૂરી છે. તેની કલાને વેગ આપવા જરૂરી તમામ સહાય તેને આગળ વધવા મદદ કરે છે.

પોતાના સંતાનોને રૂચિ શેમા છે તે મા-બાપે પ્રથમ જાણવું જરૂરી છે. કલા એક મૌનની ભાષા છે. તમે નાના બાળકને જ્યારે કલર આપો ત્યારે તે આડા અવળા લીટા કરે છે અને જ્યારે તે પેપર વર્ક કરે છે ત્યારે તેના મગજમાં રહેલા વિચારોને પ્રગટ કરે છે. સફરજનને કલર કરવાનું કહો તો તે લાલ કલર જ ઉપાડે તો મરચામાં લિલો અને લીંબુમાં પીળો કલર જ કરશે કારણ કે તે તેને જોયું હોવાથી ઝડપથી યાદ આવી જાય છે. બાળકોને કલર સાથે વસ્તુ ઓળખતું પાયાનું જ્ઞાન અપાય છે. ધો.4 થી બાળક 10 વર્ષનો થતાં તેની સમજશક્તિ ખીલતા તેની ચિત્રકલામાં રૂચિ વધે છે. વિદ્યાર્થીના જીવનમાં કલાનું મહત્વ શિક્ષણ સાથે જોડાયેલું છે.

વિવિધ ચિત્રસ્પર્ધામાં ભાગ લેવડાવી વિષય આધારિત કે ગમતાં ચિત્રો દોરવાથી તેને પ્રોત્સાહન મળે છે. જેમ-જેમ તેને કલાનો અનુભવ મળે છે તેમ તેને કલરનું યોગ્ય માર્ગદર્શન પણ મળે છે. ખાસ તો નેશનલ કે ઇન્ટરનેશનલ લેવલની સ્પર્ધામાં ભાગ લે ત્યારે તેની એકાગ્રતા વધી જાય છે. રાજ્ય પરીક્ષા બોર્ડ તરફથી પ્રાથમિક અને માધ્યમિક કક્ષાની ચિત્ર પરીક્ષા યોજાય છે. આજે તો દરેક શાળામાં ચિત્ર શિક્ષક પણ હોય છે. નવી શિક્ષણ નીતીમાં તો ચિત્ર વિષય તરીકે જ દાખલ થઇ રહ્યો છે. શાળાએ પણ બાળકોના ચિત્રોના પ્રદર્શન યોજવા જોઇએ. જેમ બાળક ઉચ્ચ શિક્ષણ તરફ આગળ જાય તેમ તેના બાળપણના ચિત્રો જ તેને પ્રેરણા આપે છે.

ફેશન ડિઝાઇન, આર્ટટીચર ડિપ્લોમા, ફાઇન આર્ટ, ઇન્ટિરીયલ ડેકોરેશન વગેરેમાં બાળપણનો ચિત્રોનો શોખ ઘણો જ ઉપયોગી થતાં સફળતા ઝડપથી મળે છે. આજે વેકેશનમાં વિવિધ સમર ટ્રેનિંગ ક્લાસીઝમાં ડ્રોઇંગ, પેઇન્ટીંગ, આર્ટ અને ક્રાફ્ટ વિગેરે હોબીમાં બાળકો ઉત્સાહભેર ભાગ લઇને નવું નવું શીખવા જાય છે એને કારણે તેનામાં ઘણા ગુણો વિકસે છે અને જીવન કૌશલ્યો ખીલે છે. નવી શિક્ષણ પધ્ધતિ મુજબ બૌધ્ધિક વિકાસ અને પ્રવૃત્તિમય શિક્ષણમાં કલા યોગ્ય માર્ગદર્શન સાથે સ્કિલ ડેવલપમેન્ટ કરે છે. આજે તો બાળકોને ચિત્રો દોરવા, જોવા અને શિખવવા ઘણી આધુનિક પધ્ધતિઓ અમલમાં છે તેનો ઉપયોગ કરવો જરૂરી છે. આજનું બાળક ટેકનોલોજી યુગમાં ભણે છે તેથી આ ટેકનિકનો ઉપયોગ કરવો જરૂરી છે. નાના બાળકોના ચિત્રો મા-બાપ કે પરિવાર માટે કિંમત હોય છે. બાળકોના બેડરૂમમાં આજે તો ઘણા ચિત્રો અને રેખાંકનો સાથે કાર્ટૂન તથા ટીવી કાર્ટૂનના વિવિધ કેરેક્ટર જોવા મળે છે. આજનું બાળક નોટબુકમાં સ્ટાર દોરે, વાદળા, પહાડો, નદી અને કુદરતી દ્રશ્યો વધુ દોરે છે. બાળકોના વિચારો અને સપનાઓ તેના ચિત્રોમાં દેખાય આવે છે. વિવિધ ભૌમિતિક આકારોમાં ગોળ, ત્રિકોણ, ષટ્કોણ, આકૃતિ વિગેરે પણ દોરીને તેમાંથી વિવિધો ચિત્રો નિર્માણ કરે છે.

આજે તો શબ્દ ચિત્રોની બોલબાલા હોવાથી ચિત્રના આકારમાં પોતાનું નામ પણ આવી જતું હોય છે. દિવાળીના તહેવારોમાં રંગોળી દોરતી વખતે વિવિધ આકાર કે ચિત્રોમાં ક્યો કલર પૂરવો તે અંગે સૌ સાથે નક્કી કરે છે. સારૂ ચિત્ર દોરનારની તહેવારોમાં બોલબાલા હોય છે. એક વાત સૌથી વધુ જોવા મળે છે બાળક ફૂલ, ઝાડ, પાન વધુ દોરે છે. પ્રકૃતિ સાથે રહેતો બાળક રોજ જોઇને તે દોરવા પ્રેરણા મેળવે છે. ચિત્રો તેનામાં લાગણી, ધીરજ, પ્રેમ, કરૂણા, ભાવુકતા, સુરક્ષા, ક્રોધ જેવા વિવિધ પાસાનું નિરૂપણ કરે છે. ચિત્રો ધીરજથી અને કાળજી પૂર્વક કામ કરવાનું બાળકોને શીખવે છે. ચહેરાની આંખ, નાક, હાવભાવ દર્શાવવા ચિત્રમાં કઠિન હોય છે. કલાને પ્રગતિસભર શિખવાના રસથી જ આ ‘મેમરી કલા’ તમે હસ્તગત કરી શકો છો. ઘણા બાળકો સ્ટેન્શીલ કરીને ચિત્ર દોરતા હોય છે. ઘણીવાર નાનો કલાકાર સારા વ્યવસાયિક કલાકારોની જેમ સુંદર ચિત્રો દોરવા આનો ઉપયોગ કરીને કુશળતા મેળવતો હોય છે. ઘણીવાર આવી સફળતા જ તેને મહાન કલાકાર બનાવે છે. ઇચ્છિત પેટર્ન કે ચિત્ર બનાવ્યા બાદ તેમાં કલર સિલેક્શન સૌથી અગત્યની બાબત છે. સ્ટેન્શીલ ઉપર કામ લાગણીઓ, અન્ય પ્રત્યેનું વલણ બતાવે છે.

શબ્દો મહાન કે ચિત્રો? મગજમાં પડેલી છાપ ચિત્રો દ્વારા આકાર પામે છે !!

નાના બાળકોની અભિવ્યક્તિ અને કલ્પનાશક્તિ ખીલવવા ચિત્ર પધ્ધતિ સૌથી શ્રેષ્ઠ છે. બાળ મનોવિજ્ઞાન પણ કહે છે કે બાળક જોઇને સૌથી વધુ શીખે છે. બાળક ચિત્ર જોઇને તેની નિરીક્ષણશક્તિ પાવરફૂલ બનાવે છે. ચિત્ર દ્વારા જ રસમય શિક્ષણનો અનુબંધ બાંધી શકાય છે. આજના યુગમાં ઇન્ટરનેટ ઘણી ચિત્રોની એપ્લિકેશન ઉપલબ્ધ છે. તેમાંથી ચિત્રો ડાઉનલોડ કરી પ્રિન્ટ કાઢી બાળકને દોરવા કે રંગો પૂરવા આપી શકાય છે. પેઇન્ટિંગ વર્ણન ટેકનીક બાળકોને ચિત્રમાંથી વાર્તા અને પ્લોટ ચિત્રોની શ્રેણી શીખવે છે. નોલેજ બેઝ કાર્યમાં ચિત્રો સૌથી અગત્યના છે. ઘોડીયામાંથી જ વિવિધ નવરંગી રમકડા જો તો આવતો બાળક સમજણો થતાં તે તેવા ચિત્રો દોરવા રસ દાખવે છે. દરેક બાળકની ક્ષમતા મુજબ તે કલામાં રસ લેતો હોય છે. બાળકને નેચર ડ્રોઇંગ સાથે પ્રાણીઓના ચિત્રો દોરવા વધુ ગમે છે. મગજમાં પડેલી છાપ બાળકનાં ચિત્રો દ્વારા વિવિધ આકારોના મદદથી પ્રગટ થાય છે.