Abtak Media Google News

અબતક, રાજકોટ

અફઘાનિસ્તાનની તકલીફ સુરતની મુરત બગાડી રહ્યું છે. કારણકે સુરતના પ્રખ્યાત કાપડ ઉદ્યોગના રૂ . ૪ હજાર કરોડ અફઘાનિસ્તાનમાં સર્જાયેલી અંધાધૂંધીને કારણે ફસાઈ ગયા છે. વધુમાં અફઘાનની મધ્યસ્થ બેંકે તેના ખાતાધારકોને દેશની બહાર પેમેન્ટ કરવા ઉપર મનાઈ ફરમાવી દીધી હોય હવે આ બાકી પૈસાની વસૂલાત થશે કે કેમ તેના ઉપર પ્રશ્નાર્થ સર્જાયો છે.

તાલિબાનોએ સર્જેલી અશાંતિને પગલે ટેકસટાઇલ ઉદ્યોગના રૂ . ૪૦૦૦ કરોડ ફસાઈ ગયા
અફઘાનની મધ્યસ્થ બેંકે દેશ બહાર પૈસા મોકલવાની મનાઈ ફરમાવી દેતા ચિંતા વધી

અફઘાનિસ્તાનમાં તાલિબાનોનો કબજો થતા અશાંતિ સર્જાઈ છે. જેને કારણે ભારતના આયાત- નિકાસકારો મુશ્કેલી અનુભવી રહ્યા છે. સુરતના ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝનું ૪૦૦૦ કરોડ રૂ પિયાનું પેમેન્ટ ફસાઇ જતા સૂરતના વેપારીઓની ચિંતા વધી ગઇ છે. ફેડરેશન ઓફ સૂરત ટેક્સટાઇલ ટ્રેડર્સ એસોસિએશનના જનરલ સેક્રેટરી ચંપાલાલ બોથરના જણાવ્યા મુજબ, અમે પહેલા ટેક્સટાઇલ ફેબ્રિક્સ અને કાપડ દુબઇના રસ્તે અફઘાનિસ્તાન મોકલતા હતા.

અમે જોયુ કે બાંગ્લાદેશમાંથી નિકાસ કરવી સસ્તી પડી રહી છે તો અમે બાંગ્લાદેશમાંથી અફઘાનિસ્તાન માલ મોકલવાનું શરૂ  કર્યુ હતું. જો કે હાલ ત્યાં તાલિબાની સંકટ સર્જાતા નિકાસ કામકાજ અટકી ગયા છે. બાકી પેમેન્ટ ક્યારે મળશે તેની કોઇ માહિતી નથી. અમારા વેપારીઓનુ ૪૦૦૦ કરોડ રૂ પિયાનું પેમેન્ટ ફસાઇ ગયુ છે.

અફઘાનિસ્તાનમાં ભારતની ટેક્સટાઇલ મિલોમાં બનેલું સિલ્કનું કાપડ, સ્કાર્ફ, ડ્રેસ અને કફ્તાન જેવા રેડીમેટ ગારમેન્ટ અને પાઘડીઓના કાપડની નિકાસ કરવામાં આવે છે. નોંધનિય છે કે, આયાતકારો અને નિકાસકારોને ફેડરેશન ઓફ ઇન્ડિયા એક્સપોર્ટ ઓર્ગેનાઇઝેશનએ નિકાસકારોને બાકી પેમેન્ટ માટે થોડીક રાહ જોવા જણાવ્યુ છે.

ફિયોના ડિરેક્ટર જનરલ અજય સહાયના જણાવ્યા મુજબ, છેલ્લા એક સપ્તાહમાં અફઘાનિસ્તાનની કરન્સીની કિંમત ડોલરની સરખામણી નોંધપાત્ર તૂટી છે. સપ્તાહ પહેલા ૧ યુએસ ડોલર સામે અફઘાનિસ્તાનની કરન્સીના ૮૦ અફઘાન હતા, હવે ૮૭ અફઘાન થઇ ગયા છે. આ બાબત નિકાસકારો માટે સારી બાબત છે પરંતુ આયાતકારો સામે મુશ્કેલી ઉભી થઇ રહી છે. તેમણે ઉમેર્યુ કે, અફઘાનિસ્તાનના વેપારીઓએ જણાવ્યુ કે, ત્યાંની મધ્યસ્થ બેન્ક સ્થાનિક બેન્કોને પુરતા પ્રમાણમાં ડોલર ઉપલબ્ધ કરાવી નથી. તેનો મતલબ એ છે કે, ત્યાંના વેપારીઓ નિકાસકારોને પેમેન્ટ કરી શકશે નહીં.

અફઘાનિસ્તાનની મધ્યસ્થ બેન્કે કોમર્શિયલ બેન્કોને નિર્દેશ આપ્યો છે કે, તેઓ કોર્પોરેટ બેન્ક ખાતાધારકોને કોઇ પણ ઉદ્દેશ્ય માટે રકમ ઉપાડવા કે દેશની બહાર કે અંદર ઇલેક્ટ્રોનિક ટ્રાન્ઝેક્શન કરવાની પરવાનગી આપે નહીં. ઉલ્લેખનીય છે કે સૂરતમાં ૩૮૦ ટેક્સટાઇલ મિલો ૬.૫૦ લાખ ટ્રેડરો અને ૧ લાખ એમ્બ્રોઇડરી યુનિટ છે. તેમાં લગભગ ૧૧ લાખ લોકોને રોજગાર મળે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.