Abtak Media Google News

ફંડની જાણકારી પહેલી વખત જાહેર થઈ

પીએમઓએ ઓડિટ રિપોર્ટ સાર્વજનિક કર્યો

પ્રધાનમંત્રી કાર્યાલય (પીએમઓ)એ પીએમ કેર્સ ફંડ અંગે જાણકારી સાર્વજનિક કરી છે. પીએમઓએ જાહેર કર્યા મુજબ પીએમ કેર્સ ફંડમાં પહેલા પાંચ દિવસમાં જ રૂા.૩૦૭૬ કરોડનું ફંડ મળ્યું હતું.

પીએમ કેર્સ ફંડ દ્વારા આવક અને જાવકનો ૨૦૧૯-૨૦ના વર્ષનો પહેલો રિપોર્ટ ઓડિટ જાહેર કરાતા આ વિગતો જાણવા મળી છે. કોરોના સામે લડવા માટે ૨૭ માર્ચના રોજ ૨.૨૫ લાખ રૂપિયા ફંડ સાથે આ ફંડની શરૂઆત કરવામાં આવી હતી. ફંડ રચાયા બાદ લોકોએ પણ ઉદાર હાથે નાણા આપ્યા હતા. જે મુજબ ૩૧ માર્ચ સુધીમાં એટલે કે, પ્રથમ પાંચ દિવસમાં ૩૦૭૫.૮ કરોડ જમા થયા હતા.

જો કે આ રિપોર્ટ ૨૭ માર્ચથી ૩૧ માર્ચ સુધીના પાંચ દિવસનો છે. ત્યારબાદ એટલે કે ૧ એપ્રિલથી ૩૧ માર્ચ ૨૦૨૧ સુધી નવું નાણાકીય વર્ષ ચાલે છે. જો કે આ જાણકારી કોણે આપી એ જાહેર કરાયું નથી.

વિદેશથી પણ મળ્યું ભંડોળ: આ રિપોર્ટ અનુસાર પીએમ કેર્સ ફંડમાં ૩૧ માર્ચ સુધીમાં વિદેશથી ૩૯.૬ લાખનું ભંડોળ મળ્યું છે. એટલું જ નહીં પાંચ દિવસમાં સ્થાનિક દાનનું ૩૫.૩ લાખ અને વિદેશી ભંડોળનું ૫૭૫ રૂપિયા વ્યાજ પણ મળ્યું છે. વિદેશથી મળેલા દાનનો સર્વિસ ટેકસ કાપ્યા બાદ કેર્સનું કુલ ફંડ ૩૦૭૬.૬ કરોડ થયું છે.

પીએમ કેર્સ ફંડનું ઓડિટીંગ એસએઆરસી એન્ડ એસોશિએટ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસે  કર્યું છે અને આ રિપોર્ટ ઉપર પીએમઓના ચાર અધિકારીઓએ હસ્તાક્ષણ કર્યા છે. રિપોર્ટ પર સહી કરનારાઓમાં સચિવ શ્રીકર કે.પરદેશ, ઉપસચિવ હાર્દિક શાહ, પ્રમુખ સચિવ પ્રદીપકુમાર શ્રીવાસ્તવ, સેકશન ઓફિસર પ્રવેશકુમાર સામેલ છે. તમને એ જણાવીએ કે કોંગ્રેસ સહિત વિપક્ષે પીએમ કેર્સ ફંડની ટીકા કરી હતી. વિપક્ષનું કહેવું હતું છે કે, પ્રધાનમંત્રી રાહત કોષ બન્યો જ છે તો પછી વધુ એક નવા ફંડ પીએમ કેર્સ ફંડની શું જરૂર છે ?

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.