અરજદારની અધૂરી વિગતોથી પોલીસ ‘ફાઇનલ’ ન ભરી શકે

પોલીસે કોઈ પણ અરજીમાં સચોટ તપાસ કર્યા બાદ જ ફાઇનલ રિપોર્ટ ભરવો : સુપ્રીમ

સુપ્રીમ કોર્ટે એક મામલાની સુનાવણી દરમિયાન અવલોકન કર્યું છે કે, ફાઇનલ રિપોર્ટ ફક્ત એવા કારણોસર  ફાઇલ કરી શકાતો નથી કે તેની તપાસ શક્ય નથી. કોર્ટે નોંધ્યું હતું કે, માહિતી આપનારને તપાસ માટે પૂરતી માહિતી કે કાગળો નહિ આપ્યાના કારણોસર પણ ફાઇનલ રિપોર્ટ ભરી શકાતો નથી. ન્યાયમૂર્તિ આર.એફ. નરીમનની અધ્યક્ષતાવાળી ખંડપીઠે હત્યાના કેસમાં કેટલાક આરોપીઓ વિરુદ્ધ ફાઇનલ રીપોર્ટ અંગે જણાવ્યું હતું કે, કોર્ટે અવલોકન કર્યું છે કે, કોઈ કાનૂની અને ગુનાના કમિશનનો અહેવાલ મળ્યા બાદ તપાસ કરવી પોલીસની બંધારણીય ફરજ છે. આ કેસમાં પોલીસે એક આરોપી વિરુદ્ધ ફાઇનલ રીપોર્ટ દાખલ કર્યો હતો જેમાં ઉલ્લેખ કરાયો હતો કે, આરોપી વિરુદ્ધ કાવતરાના કોઈ નક્કર પુરાવા રજૂ કરાયાં નથી. તેમજ  ષડયંત્ર અંગે કોઈ બાતમી સીધી કે આડકતરી પોલીસ સમક્ષ આવી ન હતી. ન્યાયાધીશ નવીન સિંહા અને કૃષ્ણ મુરારીની બેંચે અવલોકન કર્યુ હતું.

જમીની સ્તરની હકીકતની જો વાત કરવામાં આવે તો ઘણા ખરા કિસ્સામાં ગુનો નોંધાયા બાદ પોલીસને મળેલી ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ(એફઆઈઆર)માં જે વિગતો રજૂ કરવામાં આવતી હોય તેમાં સહેજ પણ ખામી કે ઓછપ હોય તો પોલીસકર્મીઓ તપાસ કર્યા વિના કે ફરિયાદી અને આરોપીના નિવેદન નોંધી ફાઇનલ રિપોર્ટ રજૂ કરી ફાઇલ બંધ કરી કેસ ક્લોઝ કરી દેતા હોય છે જે બાબતે સુપ્રીમે કડક વલણ દાખવ્યું છે. સુપ્રીમે કહ્યું છે કે, જો અરજદાર અપૂરતી વિગત આપે અથવા તો કોઈ પુરાવા ન હોય તેમ છતાં પોલીસે સચોટ તપાસ કરવી મામલાના તમામ પાસા જોવા જરૂરી છે અને સચોટ તપાસ પૂર્ણ થયા બાદ જ ફાઇનલ રિપોર્ટ ભરી શકાય છે. પોલીસને ગુનો નોંધાયેલા ગુનાના કમિશનનો અહેવાલ મળતાં તપાસ કરવાની પ્રાથમિક ફરજ છે.  આ કાયદાકીય ફરજ છે કે ફોજદારી કાર્યવાહીની આધીનતા હેઠળ સમાજમાં શાંતિ જળવાઈ રહે અને કાયદાના શાસનને સમર્થન આપવામાં આવે તેમજ જાળવણી પણ કરાય તે સુનિશ્ચિત કરવાની બંધારણીય જવાબદારી છે. તપાસનીશ અધિકારી કોઈ પણ સંજોગોમાં એવું નોંધી શકે નહીં કે, પૂરતી વિગત – માહિતી – પુરાવા – બાતમી ન હોવાથી આગળની તપાસ શક્ય ન હતી. પોલીસનું આ નિવેદન બિલકુલ યોગ્ય ગણી શકાય નહીં તેવું સુપ્રીમે નોંધ્યું છે.

ધ કોડ ઓફ ક્રિમિનલ પ્રોસીઝર એકટની જોગવાઈઓ મુજબ કોઈપણ ગુનાની તપાસ કરવી પોલીસની કાનૂની ફરજ છે.  તપાસ એ પોલીસનું એકમાત્ર વિશેષાધિકાર છે જેમાં દખલ કરી શકાતી નથી.  પરંતુ જો પોલીસ તેની કાયદાકીય ફરજ બજાવવામાં ઉણી ઉતરે તો કોર્ટ પોલીસની આ બાબતને માન્ય રાખશે નહીં. કોર્ટે બંધારણની કલમ ૧૪ અને ૨૧ નો ઉલ્લેખ કરતા માનવીના સમાનતાના અધિકાર અંગે કહ્યું હતું કે, કોઈ પણ વ્યક્તિને તેની અરજીમાં સચોટ તપાસ થાય અને ન્યાય મળે તેવી જોગવાઈ કરવામાં આવી છે જેની સીધી અસર પોલીસ તપાસને પણ થાય છે.