Abtak Media Google News

પાણીમાં આગ ચાંપવા જેવા ઝેરનાં પારખાં કરવાનું બંધ નહિ કરે ત્યાં સુધી આપણી હાલત વધુને વધુ બદતર થતી રહેશે એમ જણાયા વિના રહેતું નથી…

કોઈને ગળે ઉતરે કે ન ઉતરે તો પણ આપણો દેશ અત્યારે કોરોના વાયરસની ઓથે અભૂતપૂર્વ ખરાબ સ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે આપણા શહેરો અને ગ્રામ પ્રદેશો, એમ બંને અત્યંત કપરી હાલતનો ભોગ બની બેઠા છે એક નજીવી ફૂંક પણ ત્યાં દાવાનળ સર્જે તેમ છે

આપણે ત્યાં નાની મોટી બજારો અને આર્થિક વ્યવહારો મુશિબતોનો સામનો કરી રહ્યા છે અને તે પણ જેનો સહેલાઈથી તાગ ન કાઢી શકાય એટલી હદે પહોચી ચૂકેલ છે. કયાંક કોઈ ઠેકાણે સ્થિરતાનું નામનિશાન નથી રહ્યું.

આપણા દેશની કમનશીબી છે કે, આપણી બધાની આટલી ખરાબ હાલત હોવા છતાં આપણા રાજકીય પક્ષો, રાજકર્તાઓ આપસઆપસના ગજગ્રાહને તેમજ નીજી સ્વાર્થને છોડતા જ નથી.

આપણા દેશના રાજકીય રંગરાગ પ્રતિ નજર કરતા એવો અહેસાસ થાય છે કે, આ દેશને અને આ દેશની પ્રજાને સ્વતંત્રતા પછીએ તેને જેની જરૂર હતી તે તેને નથી જડયું.

હાલની સંસદીય લોકશાહીએ આ દેશની આમ પ્રજાના યોગક્ષેમની ખેવના કરી નથી. રાજકીય પક્ષો પણ એમાં સફળ થયા નથી. ગરીબ પ્રજા બિચારીને બિચારી જ રહી છે.

ગીત ગોતવા ચાહતા ઉમાશંકરની જેમ તેણે જુદા જુદા લોકો માટે ‘ઝિન્દાબાદ’નાં સુત્રો પોકાર્યા એમનો જયજયકાર કર્યો, એમની સ્તુતિઓ કરી, વાહ વાહ ગાઈ, ભરોસો મૂકયો.

પણ ન ગરીબી ગઈ, ન સુખ મળ્યું… રાજકીય લડાઈઓ લડનારાઓએ તેમનો જ સ્વાર્થ સાધ્યો. પ્રજાના યોગક્ષેમની લેશમાત્ર પરવા ન કરી. અત્યારે આખો દેશ રાજકીય અરાજકતા અને આર્થિક કટોકટીના આરે ઉભો છે. ભ્રષ્ટાચાર સામે જબરી બૂમ ઉઠી છે. મોંઘવારી પ્રજાને ત્રાહિમામ પોકારાવે છે. જેટલો વિકાસ થાય છે.એટલી પીછેહઠ થાય છે. ગઠબંધનના રાજકારણે દેશને બરબાદીનાં આરે ધકેલ્યો હતો. રાજકીય પક્ષો દેશને સર્વોપરિ ગણતા હોવાની પ્રતીતિ થતી નથી. ગરીબ પ્રજાને રીબાતી જોઈને કોઈનું રૂવાડું ધગતું નથી.

આજે દેશના રાજકીય રંગરાગ તરફ નજર ઠેરવતાં એવું જ લાગે છે કે, ધનવાનો તેમને કાંતો ઈશ્ર્વર માને છે. બીજા એમે ઈશ્ર્વર માને એવા ભાતભાતનાં ખેલ કરે છે.ગરીબોને તે તુચ્છ ગણે છે. દરિદ્રજનોથી જાણે અભડાય છે… સત્તાધીશો પણ નિરંકુશ બન્યા છે. ધર્માચાર્યો; પણ ધનતરફી બન્યા હોવાની બૂમ ઉઠી છે, કોઈ કોઈને વફાદાર રહ્યા નથક્ષ. ઈમાનદારી લુપ્ત થઈ છે. દેશભકિતનો કારમો દુકાળ પ્રવર્તે છે. આમાં ઉંડા ઉતરતા ચિંતકો સંસદીય લોકશાહીની યથાર્થતા અંગે શંકા કરે છે. રાજકીય પક્ષોનોઅહી રાફડો ફાટયો છે. રાજકારણનું વ્યવસાયીકરણ થયીં હોવાનો અનુભવ થાય છે.

આ બધું વિચાર્યા પછી એવું જ લાગે છે કે, આપણા દેશના રાજકારણીઓ અને રાજકર્તાઓએ ઘડેલી આપણા દેશની આર્થિક નીતિમાં અપરિપકવતા રહી ગઈ છે, અથવા તો તે ‘કોરોના’ની વર્તમાન સ્થિતિ સાથે તે તાલમેળ સાધી શકી નથી..

અત્યારે તો તે પાણીમાં આગ લાગે એવી સ્થિતિમાં છે. અને ઝેરનાં પારખાં કરતા હોઈએ એવી સ્થિતિમાં છે.

ગાંધીજીના વિચારો અને વર્તમાન સ્થિતિનો સમન્વય કરીએ અને તેને યુગલક્ષી બનાવીએ તો જ સારા વાના થઈ શકશે !

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.