Abtak Media Google News

દેશ અને દુનિયા ઉપર હાલ કોરોનાની આફત ઊતરી આવી છે ત્યારે કોંગ્રેસના મિત્રોના એક વર્ષ બાદ દર્શન થયા છે. અને સરકારનો કાન આમળવા નીકળ્યા છે .જે ખૂબ જ દુ:ખદ બાબત છે. સારા કાર્યો થતા હોય ત્યારે કોંગ્રેસે ચૂપ રહેવું જોઈએ.તેમ રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી આર.સી. ફળદુએ આજે જામનગરમાં આયોજિત પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું.

એમ. પી. શાહ મેડિકલ કોલેજ ખાતે આયોજિત પત્રકાર પરિષદમાં મંત્રી આર સી ફળદુ એ જણાવ્યું હતું કે દેશ અને દુનિયા ઉપર એક વર્ષ કરતા વધુ સમયથી કોરોનાની આફત ઉતરી આવી છે. દર 100 વર્ષે એક વખત આવી માનવ ખુવારી થતી રહે છે. પરંતુ દેશ અને દુનિયા આવી માનવ ખુવારી સામે લડી રહી છે. કોરોનાની પ્રથમ લહેર કરતા બીજી લહેર વધુ ઘાતકી સાબિત થઈ છે .તેની સામે માનવ જિંદગી બચાવવા માટે સરકાર સંસ્થાઓના સહકારથી ઝઝૂમી રહી છે.

તબીબો, પેરામેડિકલ, સ્ટાફ નર્સિંગ સ્ટાફ, સરકારી કર્મચારીઓ, અધિકારીઓ તમામ એકજૂટ થઈને વર્તમાન સમયમાં કામગીરી કરી રહ્યા છે જે અભિનંદનને પાત્ર છેઆ સમયે તેમણે કોંગ્રેસને આડેહાથ લીધી હતી અને જણાવ્યું હતું કે મને આશ્ચર્ય છે કે પ્રથમ વખત કોંગ્રેસ જાગૃત થઈને બહાર આવી છે. અને સરકારના કાન આમળવા નીકળી પડ્યા છે. તેઓ કદાચ સારું ન બોલે તો વાંધો નહિ પરંતુ સારા કાર્ય સમયે તેમણે ચૂપ રહેવું જોઈએ. કારણ કે હાલ જામનગરની જી.જી. હોસ્પિટલમાં સેવાનો યજ્ઞ ચાલી રહ્યો છે. પરંતુ તેની સામે કોંગ્રેસની ભાષા દુ:ખદ છે.કોંગ્રેસના મિત્રો રાજકીય નિવેદનબાજી કરી રહ્યા છે. પરંતુ વર્તમાન સમયે નિવેદનબાજીનો નહીં પરંતુ મદદરૂપ થવાનો સમય છે. હિન્દુસ્તાન ઉપર કુદરતી આપદા વખતે માનવતા પણ ફુલીફાલી રહી છે. રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના વડપણ હેઠળની સરકાર શક્ય તેટલી તમામ મદદ કરી રહી છે. આર્થિક રીતે ક્યાંય પણ કચાશ રાખવામાં આવતી નથી. પૈસાના કારણે કોઈ કામ અટક્યા નથી. બધી જ જરૂરિયાત સરકાર પુરી પાડી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.