Abtak Media Google News

પીએમની 28મીની મુલાકાત બાદ બીજી વાર જ્યારે રાજકોટની મુલાકાતે આવે ત્યારે હીરાસર એરપોર્ટ, એઇમ્સ, લાઈટ હાઉસ સહિતના લોકાર્પણ સાથે નાગલપરમાં નિર્માણ પામનાર મેડિકલ પાર્કનું પણ ખાતમુહૂર્ત કરવાનો ગોઠવાતો તખ્તો

પીએમની 28મીની મુલાકાત બાદ બીજી વાર જ્યારે રાજકોટની મુલાકાતે પધારે ત્યારે હીરાસર એરપોર્ટ, એઇમ્સ, લાઈટ હાઉસ સહિતના લોકાર્પણ સાથે નાગલપરમાં નિર્માણ પામનાર મેડિકલ પાર્કનું પણ ખાતમુહૂર્ત કરવાનો તખ્તો ગોઠવાય રહ્યો છે. તેવું જાણવા મળ્યું છે.

રાજકોટમાં કુવાડવા નજીક નાગલપરમાં દેશનો પ્રથમ મેડિકલ પાર્ક બનાવવા આયોજન હાથ ધરાયું છે અને તેના માટે રાજકોટ જિલ્લા કલેક્ટર તંત્રે અંદાજે 2 વર્ષ પૂર્વે જીઆઇડીસીને 136 હેક્ટર એટલે કે 340 એકર જગ્યાનો કબજો સોંપ્યો હતો.

રાજકોટ-અમદાવાદ હાઇવે પર ખોરાણા પાસે નાગલપરમાં મેડિકલ પાર્ક બનાવવાનું આયોજન કરાયું છે. જેના માટે જીઆઇડીસીને 340 એકર જગ્યાનો કબજો સોંપાયો હતો.આ જમીન ફાળવવા માટે લોકડાઉન પહેલા જ દરખાસ્ત આવી ગઇ હતી અને તેમાં 5 એકર જગ્યામાં રહેલા દબાણો દૂર કરવા  કાર્યવાહી હાથ ધરી જગ્યાને ચોખ્ખી કરાઈ હતી. દેશના પ્રથમ મેડિકલ પાર્કમાં ઇન્જેક્શનની સોયથી લઇને મોટી-મોટી સર્જરીના સાધનોનું ઉત્પાદન થઇ શકશે. એઇમ્સથી નીકળનારો રાજ્યનો પ્રથમ 300 ફૂટનો રોડ નાગલપરના મેડિકલ પાર્કને સીધો ટચ થશે તે પ્રકારનું આયોજન કરાયું છે.

વધુમાં આગામી 28મીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આટકોટમાં હોસ્પિટલના શિલાન્યાસ કરવા પધારી રહ્યા છે. આ મુલાકાત બાદ ફરી તેઓ આગામી સમયમાં રાજકોટની મુલાકાતે પધારે ત્યારે તેઓના હસ્તે હીરાસર એરપોર્ટ, એઇમ્સ, રેલવે ડબ્લિંગ પ્રોજેક્ટ, લાઈટ હાઉસ સહિતના પ્રોજેક્ટના લોકાર્પણ કરવામાં આવનાર છે. તેની સાથોસાથ નાગલપરમાં નિર્માણ પામનાર આ મેડિકલ પાર્કનું પણ તેઓના હસ્તે ખાતમુહૂર્ત કરાવવામાં આવે તેવી શકયતા સેવાઈ રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.