Abtak Media Google News

સૌરાષ્ટ્ર-મધ્યઝોનની વર્ચ્યુઅલ રેલી સંબોધતા કેન્દ્રીય મંત્રી, પ્રદેશ ભાજપ અધ્યક્ષ

દેશની વર્ષો જુની સમસ્યાનું નિરાકરણ કરી નરેન્દ્રભાઈ મોદીએ પ્રબળ ઈચ્છા શક્તિના દર્શન કરાવ્યા: જાવડેકર

‘મોદી સરકાર’ના બીજા કાર્યકાળના પ્રથમ વર્ષની ઉપલબ્ધીઓ ગણાવતા ભાજપ આગેવાનો

આપણે સૌ સ્વદેશી ઉત્પાદનોનો વધુને વધુ ઉપયોગ કરી લોકલને વોકલ બનાવીએ: વાઘાણી

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ છેવાડાના માનવ સુધી પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવી મુખ્ય પ્રવાહમાં જોડયા છે તેમ કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે સૌરાષ્ટ્ર મધ્ય ઝોનની વર્ચ્યુઅલ રેલીને સંબોધતા જણાવ્યું હતું. વડાપ્રધાને દેશની વર્ષો જુની સમસ્યાનું નિરાકરણ કરી વડાપ્રધાનને પ્રબળ ઈચ્છા શક્તિના દર્શન કરાવ્યા છે.

કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરજી અને ભાજપા પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીએ સૌરાષ્ટ્ર અને મધ્ય ઝોનની વર્ચ્યુઅલ જનસંવાદ રેલીને સંબોધન કર્યું હતું. વાઘાણીએ પ્રદેશ ભાજપા કાર્યાલય શ્રી કમલમ, ગાંધીનગર ખાતેથી તેમજ જાવડેકરે કોચી ખાતેથી ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા આ જન સંવાદ રેલીમાં જોડાઇને ‘મોદી સરકાર’ના બીજા કાર્યકાળના પ્રથમ વર્ષની ઉપલબ્ધીઓ તેમજ વૈશ્વિક મહામારી કોરોના વાયરસ ડિસીઝ સંબંધિત માહિતી અંગે જનતાને છણાવટ કરી હતી.

કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નિર્ણાયક નેતૃત્વ હેઠળ દેશ છેલ્લા છ વર્ષથી વિકાસ પથ પર આગળ વધી રહ્યો છે. પ્રધાનમંત્રીએ દેશના છેવાડાના માનવીને મૂળભૂત સુવિધાઓ ઉપલબ્ધ કરાવી મુખ્ય પ્રવાહમાં જોડવા માટે અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લીધા છે.

તેમણે જણાવ્યું હતું કે, દેશની દશકાઓ જૂની સમસ્યાઓનું નિરાકરણ પ્રધાનમંત્રીએ પ્રબળ રાજકીય ઈચ્છાશક્તિ દાખવીને કર્યું છે. દેશની એકતા-અખંડિતતાને મજબૂત કરતો કાશ્મીરમાંથી કલમ ૩૭૦/૩૫-એ ના નિર્મૂલનનો નિર્ણય, ત્રિપલ તલાક નાબુદી, નાગરિકતા સંશોધન કાયદો તેના ઉદાહરણ છે. દેશના કરોડો નાગરિકોને પાઇપલાઇન દ્વારા શુદ્ધ  પાણી પહોંચાડવાના નિશ્ચય સાથે ‘જળ શક્તિ મંત્રાયલ’નું નિર્માણ કરવામાં આવ્યું છે.

પ્રધાનમંત્રીએ આત્મનિર્ભર ભારતના સંકલ્પને સિદ્ધ કરવા હેતુ જાહેર કરેલું રૂપિયા ૨૦ લાખ કરોડનું આર્થિક પેકેજ અર્થતંત્રને અવશ્ય વેગવંતું બનાવશે. દેશના ગરીબ અને ખેડૂતોના સશક્તિકરણ માટે જાહેર કરાયા રૂપિયા ૧.૭૦ લાખ કરોડનું પેકેજ તેમને આર્થિક સંકડામણથી બચાવશે. ૫૨ કરોડ લાભાર્થીઓની ડિબિટીના માધ્યમથી ૫૩,૦૦૦ કરોડની સહાય પહોંચાડી દેવામાં આવી છે. છેલ્લા એક વર્ષમાં કિસાન સન્માન નિધિ હેઠળ ૭૨ હજાર કરોડ રૂપિયા દેશના ખેડૂતોના ખાતામાં સીધા જમા કરાવવામાં આવ્યા છે.તેમણે જણાવ્યું હતું કે, દેશના ખેડૂત, મજૂર, નાના દુકાનદાર, અસંગઠિત ક્ષેત્રના શ્રમિકો માટે પેન્શન યોજના શરૂ કરવામાં આવી છે અને વ્યાપારી કલ્યાણ બોર્ડનું પણ ગઠન કરવામાં આવ્યું છે. એક રાષ્ટ્ર-એક રાશન કાર્ડ યોજનાથી લાભાર્થી નાગરિક દેશના ગમે તે ખૂણેથી રાશન કાર્ડનો ઉપયોગ કરી શકશે.

કોરોના મહામારીની સામે ફક્ત સરકાર અને વહીવટીતંત્ર જ નહીં પરંતુ દેશની ૧૩૦ કરોડ જનતા કોરોનાને પરાસ્ત કરવા માટે એકજુટ થઈને લડી રહી છે તે પ્રશંસનીય બાબત છે.

ભાજપા પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીએ સૌરાષ્ટ્ર અને મધ્ય ઝોનના ભાજપાના કાર્યકરો, સેવાકીય સંસ્થાઓનો કોરોના મહામારીના સમયમાં જરૂરિયાતમંદોની ખડે પગે રહી સેવા કરવા બદલ આભાર વ્યક્ત કરી જણાવ્યું હતું કે, કોરોનાના સમયમાં જરૂરિયાતમંદોને ભોજન, રાશન કીટ, માસ્ક, સેનીટાઈઝરના વિતરણમાં ગુજરાત અગ્રેસર રહ્યું છે તેનો મને આનંદ છે.તેમણે જણાવ્યું હતું કે, આ વર્ચ્યુઅલ જન સંવાદ રેલીનો આશય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકારના બીજા કાર્યકાળના પ્રથમ વર્ષમાં થયેલા વિવિધ કાર્યોનો હિસાબ જનતાને આપવાનો છે.પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રિય ગૃહમંત્રી અમિતભાઈ શાહે પ્રબળ રાજકીય ઇચ્છાશક્તિ દાખવી નિર્ણાયક નેતૃત્વના દર્શન કરાવ્યા છે. અનેક પડકારો, મુશ્કેલીનો સામનો સમયસર નિર્ણય કરીને કર્યો છે.

તેમણે જણાવ્યું હતું કે, આજે કોરોના મહામારીના સમયમાં સમગ્ર વિશ્વ ભારત સામે સકારાત્મકતાથી જોઈ રહ્યું છે. દેશના અર્થતંત્રને ચેતનવંતુ બનાવવા  પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ રૂપિયા ૨૦ લાખ કરોડનું આર્થિક પેકેજ જાહેર કર્યું છે અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રૂપિયા ૧૪ હજાર કરોડનું આત્મનિર્ભર ગુજરાત પેકેજ જાહેર કર્યું છે. આવો આપણે સૌ સ્વદેશી ઉત્પાદનોનો વધુ ને વધુ ઉપયોગ કરીએ, લોકલ ને વોકલ બનાવીએ, સમગ્ર વિશ્વને આત્મનિર્ભર, શક્તિશાળી અને ઉન્નત ભારતના દર્શન કરાવીએ

તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના દેશની જનતાજોગ લખેલા પત્રને સોશિયલ ડિસ્ટન્સ સહિતના નિયમોના પાલન સાથે તેમજ ફેસ કવર માસ તેમજ સેનેટાઈઝર નો ઉપયોગ કરી વિતરિત કરવા કાર્યકર્તાઓને આહવાન કર્યું હતું અને વર્ચ્યુઅલ રેલીમાં વિશાળ સંખ્યામાં જોડાવા બદલ કાર્યકર્તાઓનો આભાર વ્યક્ત કર્યો હતો.

આ વર્ચ્યુઅલ રેલીમાં પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુભાઈ દલસાણીયા, ભાજપાના વરિષ્ઠ નેતાશ્રી સુરેન્દ્ર કાકા, પ્રદેશ મહામંત્રીઓ  કે. સી. પટેલ,  શબ્દશરણભાઈ બ્રહ્મભટ્ટ, પ્રદેશ ઉપાધ્યક્ષો આઇ.કે.જાડેજા,  ભાર્ગવભાઈ ભટ્ટ, ગોરધનભાઈ ઝડફિયા, પ્રદેશ હોદ્દેદારો તથા પ્રદેશ અગ્રણીઓ ભાજપા પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ, ગાંધીનગર ખાતે ઉપસ્થિત રહ્યા હતા.

કાલે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી અને જીતુ વાઘાણી ડિજીટલ પ્લેટફોર્મ થકી ઉત્તર-દક્ષિણ ઝોનની વર્ચ્યુઅલ રેલીને સંબોધશે

મનસુખભાઈ માંડવીયા અને ગણપતભાઈ વસાવા વર્ચ્યુઅલ રેલીમાં વિશેષ ઉપસ્થિત રહેશે

આવતીકાલે બપોરે ૩.૦૦ કલાકે કેન્દ્રિય કેબિનેટ મંત્રી નીતિન ગડકરીજી અને ભાજપા પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણી ડિજિટલ પ્લેટફોર્મથી જોડાઈને ગુજરાતના ઉત્તર અને દક્ષિણ ઝોનની વર્ચ્યુઅલ રેલીને સંબોધન કરશે. કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા તથા ગુજરાત સરકારના કેબિનેટમંત્રી ગણપતભાઈ વસાવા પણ આ વર્ચ્યુઅલ રેલીમાં વિશેષ ઉપસ્થિત રહેશે. આ વર્ચ્યુઅલ રેલીનું લાઈવ પ્રસારણ બીજેપી ગુજરાતના ફેસબુક, ટ્વિટર અને યુટ્યુબ પેજ પરથી નિહાળી શકાશે.

‘મોદી સરકાર ૨.૦’ના બીજા કાર્યકાળનું વચનપૂર્તિ અને વિચારધારા પૂર્તિનું પ્રથમ વર્ષ પૂર્ણ થયું છે ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌનો વિકાસના મંત્ર સાથે જનકલ્યાણના કરવામાં આવેલા વિવિધ કાર્યો, યોજનાઓ તેમજ દેશની એકતા અને અખંડિતતાને મજબૂત કરતા નિર્ણયોની જાણકારી જન જન સુધી પહોંચતી કરવાના આશય સાથે સરકારનું ‘રિપોર્ટ કાર્ડ’ જનતા સમક્ષ મુકવા ટેકનોલોજીના ઉપયોગ થકી ભાજપા દ્વારા ડિજિટલ માધ્યમથી વિવિધ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે. કાલે બપોરે ૩.૦૦ કલાકે કેન્દ્રિય કેબિનેટ મંત્રી નીતિન ગડકરીજી અને ભાજપા પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણી ડિજિટલ પ્લેટફોર્મથી જોડાઈને ઉત્તર અને દક્ષિણ ઝોનની વર્ચ્યુઅલ રેલીને સંબોધન કરશે. આ વર્ચ્યુઅલ રેલીનું લાઈવ પ્રસારણ ભાજપા ગુજરાતના વિવિધ સોશ્યિલ મીડિયા પેજ પરથી નિહાળી શકાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.