Abtak Media Google News

બેઠકમાં ઉર્જા અને ખાદ્ય સુરક્ષાના મુદાઓ ઉપર મહત્વપૂર્ણ ચર્ચા: વિશ્ર્વભરની મીટ

મોદી હૈ..તો મુમકીન હૈ… વડાપ્રધાન બાલીમાં અત્યારે જી-20 સમિટમાં ભાગ લઈ રહ્યા છે. જ્યાં તેઓ 45 કલાકમાં 10 દેશોના નેતાઓ સાથે વન ટુ વન બેઠક મળી કુલ 20 બેઠકોમાં ભાગ લેવાના છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે જી20 સમિટમાં ભાગ લેવા માટે બાલી જવા રવાના થયા હતા. જી-20 સમિટ આજથી બે દિવસ સુધી યોજાશે.  વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે જણાવ્યું હતું કે તેઓ વૈશ્વિક આર્થિક વૃદ્ધિને પુનજીર્વિત કરવા, ખાદ્ય અને ઉર્જા સુરક્ષા સુનિશ્ચિત કરવા અને આરોગ્ય અને ડિજિટલ પરિવર્તન સંબંધિત મુદ્દાઓને સંબોધવા માટે બાલીમાં જી 20 જૂથના નેતાઓ સાથે વિસ્તૃત ચર્ચા કરશે. જી 20 સમિટમાં ભાગ લેવા માટે બાલી જતા પહેલા, વડા પ્રધાને એક નિવેદનમાં કહ્યું હતું કે તેઓ વૈશ્વિક પડકારોને સામૂહિક રીતે સંબોધવા માટે ભારતની સિદ્ધિઓ અને તેની “મજબૂત પ્રતિબદ્ધતા” ને પણ રેખાંકિત કરશે.મળતી માહિતી મુજબ, વડાપ્રધાન મોદી ભારતીય સમય અનુસાર સાંજે લગભગ 7.30 વાગે બાલી એરપોર્ટ પહોંચ્યા હતા મંગળવારે તેઓ સવારે 6:50 વાગ્યે, અપૂર્વ કેમ્પિસ્કી જી20ના સ્થળ પર પહોચ્યા હતા. જ્યાં ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિએ ભારતીય પીએમનું સ્વાગત કર્યું હતું..  ભારતીય સમય અનુસાર પ્રથમ સત્ર સવારે સાત વાગ્યે શરૂ થયું હતું.  જેમાં પીએમ મોદીએ  ભાગ લીધો હતો. પ્રથમ સત્ર ખાદ્ય અને ઉર્જા સુરક્ષા પર છે. જી-20નું બીજું કાર્યકારી સત્ર સવારે 11:30 વાગ્યે સ્વાસ્થ્યના મુદ્દા પર શરૂ થયુ હતું.

પાંચ બેંકોએ ક્રોસ બોર્ડર ટ્રાન્જેક્શન કરાર પર કર્યા હસ્તાક્ષર

બેંક ઇન્ડોનેશિયા, બેંક નેગારા મલેશિયા, બેંક સેન્ટ્રલ એનજી ફિલિપાઇન્સ, સિંગાપોરની મોનેટરી ઓથોરિટી અને બેંક ઓફ થાઇલેન્ડે જી 20 સમિટ દરમિયાન ક્રોસ બોર્ડર પેમેન્ટ્સ પર સહકાર માટે સમજૂતીના મેમોરેન્ડમ પર હસ્તાક્ષર કર્યા હતા.  એમઓયુ સીમા પાર વેપાર, રોકાણ, નાણાકીય સહાય, પ્રવાસન અને અન્ય આર્થિક પ્રવૃત્તિઓની સુવિધા આપે છે, એમ તેણે એક નિવેદનમાં જણાવ્યું હતું.  આ સાથે, તે ખાસ કરીને સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો માટે ફાયદાકારક છે.

વિશ્વના વિકાસ માટે ભારત મહત્વપૂર્ણ: મોદી

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આજની ખાતરની અછત આવતીકાલની ખાદ્ય સંકટ છે, જેના માટે વિશ્વ પાસે કોઈ ઉકેલ નથી.  ખાતર અને ખાદ્ય અનાજ બંનેની પુરવઠા શૃંખલાને સ્થિર અને ખાતરીપૂર્વક રાખવા માટે આપણે પરસ્પર કરારો કરવા જોઈએ.  પીએમે કહ્યું, મેં હંમેશા કહ્યું છે કે આપણે યુક્રેનમાં યુદ્ધવિરામનો રસ્તો શોધવો પડશે અને કૂટનીતિના માર્ગ પર પાછા ફરવું પડશે.  છેલ્લી સદીમાં, બીજા વિશ્વયુદ્ધે વિશ્વમાં તબાહી મચાવી દીધી હતી, ત્યારબાદ તે સમયના નેતાઓએ શાંતિનો માર્ગ અપનાવવાનો ગંભીર પ્રયાસ કર્યો હતો.  હવે આપણો વારો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.