Abtak Media Google News

એક વ્યક્તિના શરીરમાંથી લોહી મેળવી, બીજી વ્યક્તિને ચડાવવુએ બ્લડ ટ્રાન્સફ્યુઝન

લોહી આપણાં શરીરનું જીવંત પ્રવાહી છે. માનવ રક્તની સારવાર દ્વારા કરોડો લોકોને મૃત્યુના મુખમાંથી ઉગારી લીધા છે. આજથી પાંચ દાયકા પહેલા બહુ જ ઓછા લોકો રક્તદાન કરતાં હતા અને સંસ્થાઓ પણ બ્લડ કેમ્પનું આયોજન બહું ઓછી કરતાં. બ્લડ બેંકની જનજાગૃત્તિ ઝુંબેશના પરિણામે આજે 21મી સદીમાં ઘણી જાગૃત્તિ આવી છે પણ હજી બ્લડની અછત તો જોવા મળે છે. ખાસ યુવા વર્ગ રક્તદાન પ્રવૃત્તિમાં વધુ જોડાઇએ જરૂરી છે. આજે પણ બહુ ઓછા લોકો રક્ત વિશે તથા તેની અગત્યતા વિશે જાણે છે. રેગ્યુલર ડોનર સૌથી શ્રેષ્ઠ છે કારણ કે દર ત્રણ મહિને તમામ તપાસમાંથી પસાર થાય છે. એક માનવી જ બીજી માનવીને રક્ત પુરૂ પાડી શકે છે તેથી વિશ્ર્વના સમગ્ર જીવનની એકતાનું પ્રતિક લોહી છે.

 1900ની સાલ પહેલા બહું ઓછા રક્ત-સંક્રમણ થતા પણ બાદમાં રક્તના પ્રકારો અને
જૂથોની શોધ થયા બાદ આધુનિક ધોરણે મોટાપાયે દર્દીને રક્ત ચડાવવાની પધ્ધતિ શક્ય બની

રક્ત-સંક્રમણ એટલે એક વ્યક્તિના શરીરમાંથી લોહી મેળવી, બીજી વ્યક્તિને તે લોહી ચડાવવું. આ ક્રિયા દ્વારા બીમાર અથવા ઈજાગ્રસ્ત વ્યક્તિના લોહીનાં તત્ત્વોમાં બદલાહટ થાય છે. આ પ્રક્રિયા દ્વારા ઘણી અમૂલ્ય જિંદગીઓ બચી જાય છે તેમજ શસ્ત્રક્રિયા તથા બીજા અનેક તબીબી ક્ષેત્રમાં રક્ત-સંક્રમણ ઘણો અગત્યનો ભાગ ભજવે છે.

સને 1900ની સાલ પહેલાં થોડાંક સફળ રક્ત-સંક્રમણ કરવામાં આવ્યાં હતાં. પરંતુ ઈ.સ. 1900 બાદ તરત જ રક્તના પ્રકારો અને જૂથોની શોધ થયા બાદ આધુનિક ધોરણે મોટા પાયે દર્દીઓને લોહી ચડાવવાની પદ્ધતિ શક્ય બની છે. ઓસ્ટ્રીઅન-અમેરિકન વૈજ્ઞાનિક કાર્લ લેન્ડસ્ટેઈનરે એમ શોધ્યું કે માનવ-રક્ત ચાર એ.બી.ઓ. પ્રકારમાં વર્ગીકૃત થઈ શકે છે. જેવા કે પ્રકાર ‘એ’ અને પ્રકાર ‘બી’, પ્રકાર ‘ઓ’ અને પ્રકાર ‘એબી’. એક પ્રકારનું રક્ત ધરાવતી વ્યક્તિને જો અન્ય પ્રકારનું લોહી ચડાવવામાં આવે તો તેનું પરિણામ અત્યંત ગંભીર કે ઘાતક નીવડે છે.સને 1900ની સાલ પહેલાં રક્ત-સંક્રમણ સફળ ન થયાં તેનું કારણ આ જ હતું. ત્યારબાદ આર.એચ. ઘટકની ઉપસ્થિતિ અથવા અનુપસ્થિતિને ધ્યાનમાં રાખી વિજ્ઞાનીઓએ ઘણાં રક્ત-જૂથો શોધી કાઢયાં છે. આ પ્રકારો રક્ત-સંક્રમણ-પ્રક્રિયામાં અસર કરે છે.પહેલાંના સમયમાં રક્તદાતાનું લોહી દર્દીના શરીરમાં સીધેસીધું ચડાવવામાં આવતું. ઈ.સ. 1914માં રસાયણ-દ્રવ્યોની મદદથી લોહીનો પુરવઠો જાળવી રાખવાનું શક્ય બન્યું અને આજે સંરક્ષક દ્રાવણોની મદદથી રક્તને 35 કે તેથી વધુ દિવસો સુધી જાળવી શકાય છે.

1 4 1

ઓસ્ટ્રીયન-અમેરિકન વૈજ્ઞાનિક કાર્લ લેન્ડસ્ટેઇનરે માનવ રક્તના
ચાર એ.બી.ઓ. પ્રકારમાં વર્ગીકૃત કર્યા: રક્ત મેળવવું અને તેની જાળવણી ઘણી સાવચેતી માંગી લે છે

ઘણાંબધાં તત્ત્વો મળીને બનેલું લોહી એક જટિલ સેન્દ્રિય પદાર્થ છે લોહીમાં ઘન તત્વો છે, જેમાં મુખ્યત્વે પીળાશ પડતા પ્રવાહી રૂધિરરસમાં તરતા રક્તકણો, શ્ર્વેતકણો અને ત્રાક્કણો હોય છે. રૂધિરરસમાં ઘણાં પ્રોટીન ખોરાકમાંથી મેળવેલ પોષક તત્ત્વો તથા લોહીનો ગઠ્ઠો બનાવે તેવા પદાર્થો હોય છે. જો દર્દીને ખૂબ જ રક્તસ્રાવ થયો હોય તો તેને આખું લોહી (હોલ બ્લડ) ચડાવવામાં આવે છે, જ્યારે કેટલાક દર્દીઓને જરૂરી જણાય તેવાં રક્તનાં યોગ્ય ઘટકો જ ચડાવવામાં આવે છે. ખાસ કરીને એનીમિયા, હિમોફિલિયા અને લ્યુકેમિયા જેવાં લોહીનાં દર્દોમાં લોહીનાં જુદાંજુદાં યોગ્ય ઘટકો આપવાં લાભદાયી છે.

બ્લડ બેંન્ક તરીકે ઓળખાતી સંસ્થાઓમાં લોહી અને તેનાં જુદાંજુદાં ઘટકો સંઘરવામાં આવે છે. રક્તકણો, ત્રાક્કણો અને રક્તનાં બીજાં કેટલાંક ઘટકો અતિ ઠંડા વાતાવરણમાં રાખવામાં આવે છે, જ્યાં આ ઘટકો વર્ષો સુધી જાળવી શકાય છે. રક્તનાં જુદાંજુદાં ઘટકોના ઉપયોગથી એક જ વ્યક્તિએ કરેલા રક્તદાનમાંથી ઘણી વ્યક્તિઓને સારવાર આપી શકાય છે.

1 5

લોહી ચડાવવાની પ્રક્રિયા : આ પ્રક્રિયા શરૂ કર્યા પહેલાં દર્દીના એ.બી.ઓ. અને આર.એચ. પ્રકાર નક્કી કરવા પ્રયોગશાળામાં તેના લોહીનું પરીક્ષણ કરવામાં આવે છે. આ પછી એવા જ પ્રકાર ધરાવતું રક્તદાતાનું લોહી પસંદ કરવામાં આવે છે. રક્તદાતાનું લોહી દર્દીના લોહી સાથે મેળવવાથી કોઈ નુકસાનકારક અસર ઉત્પન્ન નથી થતી તે નક્કી કરવા “ક્રોસ-મેચ” નામનો ટેસ્ટ કરવામાં આવે છે.દર્દીના ખાટલા પાસે એક ઘોડી ઉપર રક્ત અથવા રક્તનાં ઘટકોની શીશી કે બેંગ લટકાવવામાં આવે છે. આ લોહી એક ગળણીમાંથી પ્લાસ્ટીકની નળીમાં આવે છે, જેને છેડે એક સોય જડેલ હોય છે. આ સોય દર્દીની એક નસમાં દાખલ કરવામાં આવે છે. દર્દીને કેટલા પ્રમાણમાં લોહી ચડાવવું અને કેટલી ગતિથી ચડાવવું તે ડોકટર નક્કી કરે છે.

જે દર્દીને લોહી ચડાવાતું હોય તેનું ડોક્ટર અને નર્સો કાળજીપૂર્વક ધ્યાન રાખે છે. જો દર્દીને આકસ્મિક રીતે ખોટા પ્રકારનું લોહી અપાઈ જાય, તો  રક્તદાતાના રક્તકણોનો શરીર નાશ કરી નાખે છે. આવા સંજોગોમાં જો લોહી ચડાવવાની પ્રક્રિયા તરત જ બંધ કરવામાં ન આવે તો ખૂબ જ ગંભીર પરિણામ આવે છે. રક્તદાતાના લોહી દ્વારા દર્દીમાં ચેપી રોગ જેવા કે હેપેટાઈટીસ (લીવરનો સોજો) અથવા કોઈ કિસ્સામાં “એઈડ્ઝ” દાખલ થવાની શક્યતા રહે છે. રક્તદાતાના લોહીનું પ્રયોગશાળામાં થતું પરીક્ષણ આવાં ચેપી તત્ત્વો પકડી પાડે છે અને આવા રક્તનું રક્ત-સંક્રમણ અટકાવે છે.

રક્ત મેળવવું અને તેની જાળવણી

ઘણાં સ્થળોએ રક્ત મેળવવા અને રક્ત-સંક્રમણ માટે આપવા બ્લડ બેન્કો હોય છે. સરકારી સંસ્થા, ફુડ એન્ડ ડ્રગ એડમીનીસ્ટ્રેશન આ બ્લડ બેન્કોનું નિયમન કરે છે. રેડક્રોસ દ્વારા પણ બ્લડ બેન્કો સંચાલિત થતી હોય છે. બ્લડ બેન્ક વર્ષ દરમ્યાન સારા પ્રમાણમાં રક્ત મેળવે છે. રક્તનું એક યુનિટ 300 મીલીલીટર હોય છે.આ સંસ્થામાં સ્વૈચ્છિક રક્તદાતાઓ દ્વારા કરેલું રક્તદાન સ્વીકારવામાં આવે છે. રક્તદાતાના હાથની નસોમાંથી નર્સ કે ટેકનિશ્યન લોહી મેળવે છે. આ રક્ત સંરક્ષક દ્રાવણ ભરેલી એક પ્લાસ્ટીકની થેલીમાં એકઠું કરવામાં આવે છે. બ્લડ બેન્કોમાં આ રક્તનું પરીક્ષણ થાય છે અને એ.બી.ઓ. તથા આર.એચ. પ્રકાર પ્રમાણે તેનું વર્ગીકરણ કરવામાં આવે છે. ઘણા કિસ્સામાં લોહીનાં ઘટકો પણ છૂટાં પાડવામાં આવે છે. આ લોહી અને તેનાં ઘટકોનો સંગ્રહ કરવામાં આવે છે. બ્લડ બેન્કો પાસે અપેક્ષિત જરૂરિયાત પૂરી પાડી શકાય તેટલાં આખા લોહી કે લોહીનાં જુદાં જુદાં ઘટકોનો સંગ્રહ હોય છે.

રક્તદાતા પાસેથી રક્ત મેળવવાની એક બીજી પ્રથા છે, જે હિમોફેરેસીસ તરીકે ઓળખાય છે. આ પ્રક્રિયામાં રક્તદાતાનું લોહી ‘બ્લડ સેલ સેપરેટર’ નામના મશીનમાંથી પસાર કરવામાં આવે છે, જેથી કરીને રક્તનાં એક અથવા તેથી વધુ ઘટકો છૂટાં પાડી શકાય છે. જ્યારે રક્તમાંથી જરૂરી ઘટક કાઢી લેવાય છે ત્યારે બાકી રહેલું રક્ત અને તેનાં અન્ય ઘટકો સાથે રક્તદાતાના શરીરમાં સતત પ્રક્રિયા દ્વારા પાછું ફરે છે. રક્તદાન મેળવવાની સામાન્ય પ્રથામાં રક્તદાતાના શરીરના કુલ લોહીનો લગભગ પંદરમો ભાગ લેવો પડે છે, જ્યારે હિમોફેરેસીસ પ્રક્રિયામાં રક્તદાતાનું રકત સેપરેટરમાંથી બે વાર પસાર કરવામાં આવે છે. રકતદાતાના શરીરમાં રૂધિરરસ અને અન્ય કોષીય પદાર્થો સતત પાછા જતા હોઈ આ શક્ય બને છે. એક જ રક્તદાનમાંથી જરૂરી ઘટકો મોટા જથ્થામાં મેળવવા હિમોફેરેસીસ પ્રક્રિયા બ્લડ બેન્કને સહાયરૂપ થાય છે.રક્તદાતાઓએ ઉંમર, સ્વાસ્થ્ય અને વજનની માન્ય જરૂરિયાતો પૂરી કરવી પડે છે. રક્તદાન કરેલું લોહી શરીરમાં થોડાં અઠવાડિયામાં ભરપાઈ થઈ જાય છે. પરંતુ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ રક્તદાતાઓ ત્રણ માસમાં એકથી વધુ વાર રક્તદાન ન કરે તે ઈચ્છનીય છે.

કૃત્રિમ રક્ત : ઈ.સ. 1960થી આપત્તિને સમયે લોહીની અવેજીમાં તેનાં પરિપૂરક શોધવા સંશોધનકારોએ ઘણા પ્રયોગ કર્યા છે. કેટલાંક રસાયણો અને હિમોગ્લોબીન જેવા કુદરતી પદાર્થો પ્રાણવાયુ વહન કરી શકે છે, પરંતુ કુદરતી રક્ત જેવું બીજું કાર્ય કરી શકતા નથી. આ પદાર્થો ભવિષ્યમાં કોઈક દિવસ રક્તકણોના હંગામી પરિપૂરક તરીકે આપત્તિ-સમયમાં ઉપયોગી થઈ શકે.

રક્તકણોની ઉત્પતિ હાડકાની મજનીમાંથી થાય

આપણાં શરીરમાં રક્તકણની ઉત્પતિ હાડકાની મજનીમાંથી થાય છે. આ ઉત્પાદનની પ્રક્રિયામાં ઘણા તત્વોની જરૂર પડે છે. જેમ કે તાંબુ, લોહ, પ્રોટીન અને ઘણાખરા વિટામીન જે આપણને સમતોલ આહારમાંથી મળતાં હોય છે. અપરિપક્વ રક્તકણો પૂર્ણ પરિપક્વ રક્તકણો કરતાં મોટા હોય છે, અને તેમને ન્યુક્લીયસ (કેન્દ્રીય બળ) હોય છે. હાડકાની મજનીમાંથી જેમજેમ રક્તકણો વિકાસ પામતાં જાય તેમતેમ હિમોગ્લોબીન બનાવતા જાય છે. દરેક કણ રક્તમાં ભળતા તેનું કેન્દ્રીય બળ ગુમાવે છે. રક્તકણોનો પૂર્ણ વિકાસ હાડકાની મજનીમાં થાય છે જેનો સમય એકવીસ જેટલો લાગે છે. રક્તકણ રક્તપ્રવાહમાં ભળ્યા પછી તેનું આયુષ્ય લગભગ 120 દિવસનું હોય છે. જુના પુરાણા રક્તકણો લોહીમાંથી એક સેક્ધડમાં અંદાજે 20 લાખ જેટલા દૂર થાય છે, આ કણો મુખ્યત્વે યકૃત અને બરોળમાં નાશ પામે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.