- અન્ય કારમાં આવેલા છ શખ્સો એ લાકડી ધોકા વડે માર મારી ફેક્ચર કરી નાખ્યું: કારમાં પણ તોડફોડ કર્યાની ફરિયાદ
જામનગર ના એક બાંધકામના કોન્ટ્રાક્ટર યુવાનને વિજરખી ગામ પાસે તકરાર થઈ હતી, અને અન્ય કારમાં આવેલા છ શખ્સોએ લાકડી પાઇપ ધોકા વડે હુમલો કરી દઇ ફેક્ચર સહિત ઇજા પહોંચાડી હતી, જ5યારે કારમાં તોડફોડ કરીને નુકસાન પહોંચાડ્યું હોવાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઇ છે.
આ ફરિયાદ અંગેના બનાવની વિગતે એવી છે કે જામનગરમાં ગાંધીનગર રેલવે સ્ટેશન વિસ્તારમાં રહેતા અને બાંધકામ નો વ્યવસાય કરતા પરાક્રમસિંહ બહાદુરસિંહ જાડેજા, કે જેઓ પોતાના મિત્ર જીતેન્દ્રભાઈ ઉર્ફે મુન્નાભાઈ ડેર સાથે પોતાની કિયા ગાડીમાં બેસીને જામનગર થી મછલીવડગામે એક પ્રસંગમાં ગયા હતા, અને ત્યાંથી જામનગર પરત ફરી રહ્યા હતા. જે દરમિયાન વિજરખી ગામની ગોલાઇ પાસે બન્ને કાર સામસામે આવી જતાં ઓવરટેક કરવાના પ્રશ્ને તકરાત થઈ હતી.
જે દરમિયાન અન્ય કારમાં આવેલા શૈલેષ ધનાભાઈ લોખીલ, ઉપરાંત તેમની સાથેના દિનેશ બીજલભાઇ લોખીલ, હેમંત વશરામભાઈ લોખીલ, અશ્વિન ધનાભાઈ લોખીલ, મનુભાઈ મેરાભાઇ લોખીલ અને દિનેશ ખેંગારભાઈ લોખીલ વગેરે લાકડી ધોકા જેવા હથિયારો સાથે ધસી આવ્યા હતા, અને પરાક્રમસિંહ જાડેજા ઉપર હુમલો કરી દઈ ફેક્ચર સહિતની ઈજા પહોંચાડી હતી. ઉપરાંત તેઓની કારમાં પણ તોડફોડ કરીને નુકસાની પહોંચાડી હતી તે સમગ્ર મામલો પંચકોશી એ. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો હતો, અને પરાક્રમસિંહ જાડેજા દ્વારા ઉપરોક્ત તમામ છ આરોપીઓ સામે હુમલા અને તોડફોડ અંગેની ફરિયાદ નોંધાવી હતી. આથી પોલીસ હેડ કોન્સ્ટેબલ બીએચ લાંબરીયા બનાવના સ્થળે પહોંચી ગયા હતા, અને હુમલો કરનારા તમામ છ આરોપીઓની અટકાયત કરી તેઓ પાસેથી હુમલામાં વપરાયેલા હથિયારો વગેરે કબજે કર્યા છે.
અહેવાલ: સાગર સંઘાણી