Abtak Media Google News
ગરીબો અને શ્રીમંતો બન્ને માટે આકર્ષણ જગાવવામાં રેલવેને મળી સફળતા: છ મહિનાની આવક રૂ.17,394 કરોડથી 92% વધીને  રૂ.33,476 કરોડ થઈ

ભારતીય રેલવેની ગાડી હવે પાટા ઉપર પુરજોશમાં દોડી રહી છે. આ વર્ષે ભારતીય રેલવેએ એની આવકમાં બમણો વધારો કર્યો છે. ગત વર્ષે છ મહિનાની આવક 17,394 કરોડ હતી જે આ વર્ષે 33,476 કરોડ થઇ છે. આમ રેલવેએ આવકમાં અંદાજે 92 ટકા જેટલો વધારો નોંધાવ્યો છે. ભારતીય રેલ્વેની મુસાફરોની આવકમાં 92 ટકાનો વધારો થયો છે.  રેલ્વેએ જણાવ્યું હતું કે 1 એપ્રિલથી 8 ઓક્ટોબર, 2022 દરમિયાન તેની કુલ આવક રૂ. 33,476 કરોડ રહી છે જે ગયા વર્ષના સમાન સમયગાળામાં રૂ. 17,394 કરોડ હતી.  ડેટા અનુસાર, આ સમયગાળા દરમિયાન આરક્ષિત ટિકિટોમાંથી આવક રૂ. 26,961 કરોડ રહી છે જે ગયા વર્ષના સમાન સમયગાળામાં રૂ. 16,307 કરોડ હતી.  જેમાં 65 ટકાનો વધારો થયો છે.

રેલવે અમદાવાદ, સુરત સહિતના રેલવે સ્ટેશનો ઉપર ઇ-વ્હીકલના ચાર્જીંગ પોઈન્ટ લગાવશે

ઇલેક્ટ્રિક વાહનોને લોકો હવે અપનાવી રહ્યા છે પણ તેની સાથે ચાર્જિંગ સ્ટેશનો ચિંતાનો વિષય છે. હવે ભારતીય રેલવે આમાં મદદ કરવા આગળ આવ્યું છે અને પ્લાન તૈયાર કર્યો છે. ભારતીય રેલવે દેશમાં ઈ-મોબિલિટીને પ્રોત્સાહન આપવા માટે આગામી 3 વર્ષમાં દેશનાં મોટાં સ્ટેશનો પર ઇલેક્ટ્રિક વાહન ચાર્જિંગ સ્ટેશનો સ્થાપિત કરશે. આ ચાર્જિંગ પોઈન્ટ્સની મદદથી હવે ઈલેક્ટ્રિક વાહનોને રેલવે સ્ટેશન પર પણ ચાર્જ કરી શકાશે. રિપોર્ટ અનુસાર, ડિસેમ્બર 2024 સુધીમાં ગુજરાતમાં અમદાવાદ અને સુરત, મુંબઈ, દિલ્હી, બેંગ્લોર, હૈદરાબાદ, ચેન્નાઈ, કોલકાતા, પૂણેમાં આ ચાર્જિંગ પોઈન્ટ લગાડવામાં આવશે. રેલવે દેશનાં સ્ટેશનો પર ચાર્જિંગ પોઈન્ટ તબક્કાવાર રીતે સ્થપાશે. ભારતીય રેલવે દ્વારા તૈયાર કરવામાં આવેલા માસ્ટર પ્લાન મુજબ બીજા તબક્કામાં 10 લાખથી વધુ વસતીવાળાં શહેરોનાં રેલવે સ્ટેશનો પર ચાર્જિંગ પોઈન્ટ સ્થાપિત કરાશે. આ કામ ડિસેમ્બર 2025માં શરૂ થવાની શક્યતા છે. જ્યારે યોજનાના ત્રીજા તબક્કાની સમયમર્યાદા ડિસેમ્બર 2026 સુધી નક્કી કરવામાં આવી છે. આ કાર્ય માટે ઝોનલ રેલવે સ્ટેશનોને

રિપોર્ટ આપવા અંગે નિર્દેશ આપવામાં આવ્યો છે, આ ચાર્જિંગ પોઈન્ટ્સ સ્ટેશનો પર ડેવલપર મોડમાં ઈન્સ્ટોલ કરવામાં આવશે. ચાર્જ પોઈન્ટ ઓપરેટરોની પસંદગી કરવામાં આવશે, જે રેલવેને લાઈસન્સ ભાડું ચૂકવશે અને તેમાંથી પોતાના હિસાબે ચાર્જિંગ સ્ટેશન બનાવીને તેમાંથી કમાણી કરી શકશે.

રિઝર્વેશનવાળા 42.89 કરોડ પેસેન્જરોએ કરી મુસાફરી

નિવેદન અનુસાર, 1 એપ્રિલથી 8 ઓક્ટોબર, 2022 દરમિયાન આરક્ષિત પેસેન્જર કેટેગરીમાં બુક કરાયેલા મુસાફરોની કુલ અંદાજિત સંખ્યા 42.89 કરોડ છે.  ગયા વર્ષના સમાન સમયગાળા દરમિયાન આ સંખ્યા 34.56 કરોડ હતી, જે આ વર્ષે 24 ટકા વધી છે.  આ ઉપરાંત, રેલ્વેએ 1 એપ્રિલથી 8 ઓક્ટોબર, 2022 વચ્ચે આરક્ષિત પેસેન્જર સેગમેન્ટમાંથી 26,961 કરોડ રૂપિયાની આવક મેળવી છે.  જે પાછલા વર્ષના સમાન સમયગાળા દરમિયાન થયેલી રૂ. 16,307 કરોડની આવક કરતાં 65 ટકા વધુ છે.

રિઝર્વેશન વગરના પેસેન્જરોની સંખ્યા 90 કરોડથી વધુ 268 કરોડ થઈ

રિઝર્વેશન વિના મુસાફરી કરનારા લોકોની શ્રેણીમાં, સમાન સમયગાળા દરમિયાન મુસાફરોની કુલ અંદાજિત સંખ્યા 268.56 કરોડ છે, જે ગયા વર્ષના સમાન સમયગાળા કરતાં 197 ટકા વધુ છે.  ગયા વર્ષના સમાન સમયગાળામાં આવા મુસાફરોની કુલ અંદાજિત સંખ્યા 90.57 કરોડ હતી.  નિવેદન અનુસાર, આ વર્ષે 1 એપ્રિલથી 8 ઓક્ટોબરના સમયગાળા દરમિયાન, અનરિઝર્વ્ડ પેસેન્જર સેગમેન્ટમાંથી 6,515 કરોડ રૂપિયાની આવક થઈ હતી.  જે ગયા વર્ષના સમાન ગાળામાં થયેલી રૂ. 1,086 કરોડની આવક કરતાં 500 ટકા વધુ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.