Abtak Media Google News

અબતક, રાજકોટ

રાજકોટ શહેરને વ્યાજખોરોએ અજગર ભરડો લીધો છે. પોલીસમાં તબક્કાવાર લોકોને વ્યાજખોરીની ચુંગલમાંથી છોડાવવા લોક દરબાર યોજી રહી છે છતા જરૂરીયાતમંદો વ્યાજના વિષચક્રમાં ફસાતા જાય છે. જેમાં સદર બજારમાં રહેતા રાજપૂત યુવાને ધંધા માટે 20 થી લઇને 30 ટકા જેવા કમ્મરતોડ વ્યાજે અલગ-અલગ મહિલા સહિત ચાર વ્યાજના ધંધાર્થીઓ પાસેથી કટકે-કટકે 11 લાખ ચચચવ્યાજે લીધા હતા જે પેટે 18 થી 20 લાખ ચુકવી દીધા હોવા છતા વધુ પૈસાની માંગણી કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા હોવાની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

આ બનાવ અંગેની જાણવા મળતી વિગત મુજબ રાજકોટ સદર બજાર મોટી ટાંકી ચોક પાસે રહેતા હાર્દિક અશોક પરમાર (ઉ.વ.36)નામના રાજપૂત યુવાને પ્રદ્યુમનનગર પોલીસ મથકમાં નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે ગવલીવાડમાં રહેતી શહેનાઝબેન દલવાણી, ઇરબાઝ ખોખર, અફરીદ ખોખર અને ઇમરાન દલવાણીના નામ આપ્યા છે. પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ફરિયાદી યુવાન હાર્દિક ડ્રાઇવીંગ કરતો હોય પોતાની કાર લેવા માટે પૈસાની જરૂરીયાત હોય મે-2016માં શહેનાઝ દલવાણી પાસેથી બે કટકે રૂા.5 લાખ 20 ટકાના વ્યાજે લીધા હતા જે પેટે વ્યાજ સહિત 18 લાખ ચુકવી દીધા હોવા છતા શહેનાઝ દલવાણી વધુ 3 લાખની ઉઘરાણી કરતી હતી.

કોરોનાકાળમાં ધંધા પડી ભાંગ્યા હોય શહેનાઝ દલવાણીનું વ્યાજ નહીં ચુકવી શકતા છ માસ પહેલા હાર્દિકે ગવલીવાડમાં રહેતા ઇરબાઝ ખોખર અને અફરીદ ખોખર પાસેથી 2 લાખ અને એક લાખ 30 ટકાના વ્યાજે રોજના રૂા.3000ના હપ્તાથી વ્યાજે લીધા હતા પરંતુ તેના હપ્તા ભરી શક્યો નહોતો.

ત્યારબાદ ઇમરાન દલવાણી પાસેથી રૂા.3 લાખ 30 ટકાના વ્યાજે રોજના રૂા.3000ના હપ્તેથી વ્યાજે લીધા હતા જે પેટે ઇરબાઝને 65 હજાર અફરીદને એક લાખ અને ઇમરાનને પણ વ્યાજ સહિત રકમ ચૂકતે કરી દીધી હોવા છતાં તમામ શખ્સો વ્યાજની પઠાણી ઉઘરાણી કરી રોજ ઘરે આવી ધમકી આપતા હોય  વ્યાજખોરોના ત્રાસથી કંટાળી હાર્દિક રાધાપાર્કમાં ભાડાના મકાનમાં રહેવા જતો રહ્યો છે.

દોઢ માસ પહેલા હાર્દિક જીમખાના રોડ પરથી એક્સેસ લઇને જતો હતો ત્યારે વ્યાજખોરોએ ધમકી આપી એક્સેસ પડાવી લીધા બાદ સગા-સંબંધી, મિત્રો પાસેથી પૈસા લઇ વ્યાજખોરોને પૈસા ચુકવી એક્સેસ છોડાવ્યું હોવાનું જણાવ્યું છે. આ ઘટના અંગે પોલીસે ગુનો નોંધી મહિલા સહિત ચારેય વ્યાજખોરોની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે. જ્યારે વિશેષ તપાસ પી.એસ.આઇ. કે.સી.રાણા ચલાવી રહ્યાં છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.