30:30:40 અને 50:25:25 નો રેશિયો વિદ્યાર્થીઓ-વાલીઓ માટે પચાવવું અઘરુ !

પરીક્ષા એ તો ‘પારસમણી’… કસોટી વગર કાર્યનું મુલ્ય જ ન આકી શકાય. કોરોના કટોકટીને લઈને બોર્ડની પરીક્ષા રદ કરવાનો નિર્ણય શૈક્ષણીક આલમમાં મુંઝવણનો વિષય બની ગયો છે. ભણતરમાં મુલ્યાંકન અને પ્રાપ્ત કરેલી વિદ્યા કેટલી સચોટ છે અને જ્ઞાન કેટલુ પચ્યુ છે તેનું માપદંડ ભવિષ્યનું નિર્માણ કરે છે. વિદ્યાર્થી જીવનમાં વર્ષાંતે આવતી પરીક્ષામાં ઉજળા મોઢે પારંગત ઉતરવું એ જ વિદ્યાર્થીનો મંત્ર હોય છે. એ જરૂરી નથી કે દરેક વિદ્યાર્થીનો પ્રથમ નંબર જ આવે પરંતુ દરેક વિદ્યાર્થી માટે પરીક્ષા અનિવાર્ય છે.

અત્યારના સંજોગોમાં વિદ્યાર્થીઓ માટે 30:30:40 અને 50:ર5:ર5ના આધારે માસ પ્રમોશનનો જે નિર્ણય કરવામાં આવ્યો છે તેના સામે પ્રશ્ર્નો ઉઠ્યા છે. વળી ગુણભારની ફોર્મ્યુલાથી વિદ્યાર્થીઓને મોટેપાયે અન્યાય થાય તેવી ફરિયાદો ઉઠવા લાગી છે.

કોઈ વિદ્યાર્થીને ધો.10ની બોર્ડની પરીક્ષામાં 70 માંથી 49 માર્કસ આવ્યા હોય તો ધો.1રની માર્કશીટમાં ગુણભાર મુજબ તેને 50 માંથી 35 માર્કસ મળેે. બીજા વિદ્યાર્થીને ધો.11ની પ્રથમ કસોટીમાંથી 50 માંથી 38 માર્કસ, બીજા સત્રમાં 50 માંથી 4રની ગણતરીએ 100માંથી 80 માર્કસ ગણાય જેની સરેરાસ કરતા 40 માર્ક થાય તેના 50 ટકાની ગણતરી કરીએ તો 1રના માર્કશીટમાં ર5 માંથી ર0 માર્કસ ગણાશે. કોઈ વિદ્યાર્થીને 1રમાં પ્રથમ કસોટીમાં 100 માંથી 80 અને એકમ કસોટીમાં ર5 માંથી ર0 આવ્યા હોય તો 1ર5 માંથી 100 માર્કસ આવ્યા ગણાશે. જેના ર0 ટકા કરતા ર0 માર્કસ થાય અને આ માર્કસ ર5 માંથી મેળવેલા ગણાશે.

આમ 50 માંથી 35, ર5 માંથી ર0 અને ર5 માંથી ર0 કુલ 100 માર્કસમાંથી 75 માર્કસ થાય જે વિદ્યાર્થીઓ માટે મુલ્યાંકન કસોટીની દ્રષ્ટિએ જરાપણ બંધ બેસતું નથી. ગ્રેસીંગથી વિદ્યાર્થીઓનું ભણવાનું વર્ષ અટકી પડતા બચી જશે પરંતુ વિદ્યાર્થીઓની મુલ્યાંકન અને કૌશલ્યની ક્ષમતાનું ખરૂ માપ કાઢવાનું જરૂરી એવું સત્વ વિલાય છે.

પરીક્ષા વગર વિદ્યાની પૂર્ણતા શકય જ નથી, હોંશિયાર વિદ્યાર્થીઓ અને કેળવણી પ્રિય વાલીઓમાં ગ્રેસીંગ પદ્ધતિથી વિદ્યાર્થીઓની પરીક્ષાની અવેજ પરિસ્થિતિ કોઈપણ કાળે ગળે ઉતરતી નથી. અત્યારે સ્પર્ધાત્મક યુગમાં વિદ્યાર્થીઓની સાથે સાથે દરેક જવાબદાર વાલીઓ પણ પોતાના સંતાનની શૈક્ષણિક પ્રગતિની એક-એક બાબત પર પૂરેપુરૂ ધ્યાન આપે છે. વિદ્યાર્થીઓના કૌશલ્યના નિખાર માટે જ નહીં પરંતુ જીવનના મુલ્યની સિદ્ધી માટે પણ ડગલે-પગલે પરીક્ષા થકી જ વિદ્યાર્થીથી લઈને વ્યક્તિત્વનું ઘડતર થાય છે.

કોઈપણ સંજોગોમાં પડકારદાયક પરિસ્થિતિનો સામનો કરી શકવાની ક્ષમતા વિકસાવવાનો પ્રથમ પાયો જ પરીક્ષા ગણાય છે. ભૂતકાળમાં ઘણી એવી વિકટ પરિસ્થિતિ કુદરતિ અને માનવસર્જીત આફતોમાંથી પરિવાર સહિત પસાર થયેલા વિદ્યાર્થીઓએ કપરા સંજોગોમાં પણ પરીક્ષા આપી જ છે અને તેમાં સારી સફળતા મેળવી છે. પરીક્ષાઓનો હ્રાસ કરવો એ ઉચીત નથી. પરીક્ષા અનિવાર્ય પરિમાણ ગણાય છે. પરીક્ષા વગર વિદ્યા અને વિદ્યાર્થી પૂર્ણ થતાં નથી. ગ્રેસીંગ પદ્ધતિથી વર્ષ પાર કરી દેવાની આ સવલત હોંશિયાર વિદ્યાર્થી અને સંતાનોના જીવનની ખેવના કરનાર વાલીઓને હરગીજ પચે તેવી નહીં જ ગણાય. પરીક્ષા અભ્યાસક્રમના વર્ષમાં કેટલું જ્ઞાન આત્મસાત કર્યું છે તેનું માપ આપે છે. ગ્રેસીંગથી વિદ્યા અને વિદ્યાર્થી બન્નેનું સંપૂર્ણ મુલ્ય આંકવું શકય નથી.