શ્રીરામ મંદિરના નિર્માણ માટે આવેલા 22 કરોડના ચેક બાઉન્સ, ટ્રસ્ટએ આપ્યું આ કારણ

અયોધ્યામાં રામ જન્મભૂમિ મંદિરના નિર્માણ માટે ભંડોળ એકત્ર કરવા માટે સમર્પણ ભંડોળ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. આ અભિયાનમાં પ્રાપ્ત થયેલા 15 હજાર ચેક બાઉન્સ થઈ ગયા છે. સૂત્રોએ જણાવ્યું છે કે આ ચેકની કુલ રકમ આશરે 22 કરોડ રૂપિયા છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટને જ્યારે આ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે તેની પાછળ ટેક્નિકલ ખામીનું કારણ જણાવ્યું છે.

આટલી મોટી રકમના ચેક બાઉન્સ થયા તેની પાછળ ટેક્નિકલ ખામી હોવાને કારણે એક નવી ટીમ બનાવવામાં આવી છે. આ ટીમ એવા દાતાઓનો સંપર્ક કરી રહી છે કે જેમના ચેક બાઉન્સ થયા છે. શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના સભ્ય અનિલ મિશ્રાના જણાવ્યા મુજબ, “કેટલાક ટેક્નિકલ કારણોના લીધે આ થયું છે. કેટલાક દાતાઓ કે જેમના ચેક બાઉન્સ થયા હતા, તેઓએ નવા ચેક આપ્યા છે, જેમાંથી ઘણા ચેકો મંજુર થઈ ગયા છે. જે લોકોના ચેક બાકી છે, તેનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે.”

15 જાન્યુઆરીથી 27 ફેબ્રુઆરી દરમિયાન રામ જન્મભૂમિ મંદિરના નિર્માણ માટે 5 હજાર કરોડ રૂપિયા મેળવાના અંદાજ સાથે સમર્પિત ભંડોળ દ્વારા દેશભરમાં અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ સમયગાળા દરમિયાન, 9 લાખ કામદારોએ 1,75,000 ટુકડીઓ બનાવીને 10 કરોડ પરિવારોનો સંપર્ક કરવા ઘરે ઘરે ગયા. તેમના દ્વારા જમા કરાયેલ રકમ 38,125 કામદારો દ્વારા બેંકમાં જમા કરવામાં આવી હતી. તેમની વચ્ચે સંકલન માટે 49 નિયંત્રણ કેન્દ્રો બનાવવામાં આવ્યા હતા. દિલ્હીના મુખ્ય કેન્દ્રમાં, જ્યારે બે CAની દેખરેખ હેઠળ 23 લોકોની ટીમે, આખા ભારતમાંથી થાપણો અને થાપણની રકમના એહવાલ રાખેલા છે. આ સમગ્ર અભિયાન દરમિયાન શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના ખાતામાં 5000 કરોડથી વધુની રકમ જમા કરવામાં આવી છે. જોકે, તેનું ઓડિટ કરવાનું બાકી છે.