Abtak Media Google News
જીટીયુનો મુદ્દો બોર્ડ ઓફ ગવર્નન્સમાં પહોંચે તેવી સ્થિતિ

ગુજરાત ટેકનોલોજિકલ યુનિવર્સિટી (જીટીયુ)માં હાલ કાયમી રજિસ્ટ્રારની જગ્યા ખાલી પડી છે. જેના કારણે નિવૃત્ત વહીવટી અધિકારીને હાલમાં રજિસ્ટ્રારનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. યુનિવર્સિટીના નિયમો પ્રમાણે રજિસ્ટ્રાર માટેની લાયકાત ધરાવતાં હોય તેમને જ રજિસ્ટ્રારની પોસ્ટ માટેનો ચાર્જ સોંપી શકાય છે. પરંતુ જીટીયુના કિસ્સામાં તેઓ રજિસ્ટ્રારની જગ્યા માટે જરૂરી લાયકાત ધરાવતાં ન હોવાછતાં તેમની નિયુક્તિ કરવામાં આવી છે.

ભૂતકાળમાં ગુજરાત યુનિવર્સિટીમાં આ પ્રકારે કરાયેલી નિયુક્તિને કોર્ટે રદ કરી હતી. જેના કારણે જીટીયુના મુદ્દે વિવાદ થાય તેવી શકયતા છે.

ગુજરાત યુનિવર્સિટીમાં વર્ષ ૨૦૧૦માં તે સમયના ચીફ એકાઉન્ટન્ટને રજિસ્ટ્રારનો ચાર્જ સોંપવામાં આવ્યો હતો. આ મુદ્દે ભારે વિવાદ ઉભો થયો હતો. યુનિવર્સિટીના જ એક પ્રોફેસરે ચીફ એકાઉન્ટન્ટ ઓફિસરને ઇન્ચાર્જ રજિસ્ટ્રારનો ચાર્જ સોંપવાના નિર્ણયનો વિરોધ કર્યો હતો. રજૂઆતો છતાં કોઇ પગલાં ન લેવાતાં કોર્ટમાં રિટ કરાઈ હતી. જેમાં કોર્ટે સ્પષ્ટ તાકીદ કરી હતી કે, જે પોસ્ટ માટે જરૂરી લાયકાત હોય તે ન ધરાવતાં હોય તેમને તે પોસ્ટ માટે ઇન્ચાર્જ તરીકેને જવાબદારી સોંપી શકાતી નથી. કોર્ટના આ આદેશના કારણે ગુજરાત યુનિવર્સિટીએ ઇન્ચાર્જ રજિસ્ટ્રારનો ચાર્જ પાછો ખેંચી લેવો પડયો હતો. કોર્ટે આપેલો ચુકાદો સામાન્ય રીતે દરેક યુનિવર્સિટીઓને લાગુ પડતો હોય છે. તાજેતરમાં જીટીયુમાં કુલપતિ દ્વારા ગુજરાત સરકારના એક નિવૃત્ત અધિકારી બીપીન ભટ્ટને ઇન્ચાર્જ રજિસ્ટ્રારનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. સૂત્રો કહે છે આ અધિકારી જીટીયુમાં રજિસ્ટ્રારની જગ્યા માટે જે લાયકાત માંગવામાં આવી છે તે ધરાવતાં નથી. જેના કારણે ગુજરાત યુનિવર્સિટીના કિસ્સામાં કોર્ટે જે ચુકાદો આપ્યો તેનું સ્પષ્ટ ઉલ્લંઘન જીટીયુમાં થાય તેમ છે. આ સ્થિતિમાં તેમને રજિસ્ટ્રાર તરીકેનો ચાર્જ પણ સોંપી શકાય તેમ નથી. હાલમાં આ નિવૃત્ત અધિકારી દ્વારા યુનિવર્સિટીના મહત્વના નિર્ણયો ઉપરાંત નાણાકીય કામકાજ અને યુનિવર્સિટીમાં ભવિષ્યમાં થનારા તમામ કામોના નિર્ણયો લેવાઈમાં આવી રહ્યા છે. સૂત્રો કહે છે આગામી દિવસોમાં આ મુદ્દો બોર્ડ ઓફ ગવર્નન્સમાં પણ ઊભો કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.