Abtak Media Google News

અબતક – રાજકોટ

આરબીઆઇ મોનિટરી પોલીસીની ડિસેમ્બર મહિનાની બેઠકમાં બેન્કના નિતીગત દરો વધુ એકવાર યથાવત રાખવામાં આવ્યા છે. ઓમિક્રોનની ચિંતા વચ્ચે આરબીઆઇની આર્થિક નિતી સમિક્ષા સમિતિએ રેપો રેટમાં કોઇ ફેર બદલી ન કરવાનો નિર્ણય કર્યો છે અને આ વખતે પણ રેપો રેટ 4 ટકા પર યથાવત રહ્યુ છે. રેપો રેટ 4% અને રિર્વસ રેપો રેટ 3.35% યથાવત રાખવામાં આવ્યુ છે. રેપો રેટની વ્યાખ્યા એવી થાય છે કે જેના પર આરબીઆઇ બેન્કોને ટૂંકાગાળાનું ધિરાણ આપે છે અને રિર્વસ રેપો દર એટલે જે રકમ બેન્કો પાસેથી ધિરાણ ઉપર લેવામાં આવે છે.

કોરોના વાયરસના નવા વેરિએન્ટ ઓમિક્રોનના આગમનને પગલે દેશમાં અનિશ્ર્ચિતતાના પગલે આર્થિક તજજ્ઞોનું એવું માનવુ હતું કે આ વખતે પણ આરબીઆઇ રેપો રેટમાં કોઇ ફેરફાર નહીં કરે આવું સતત નવમી વાર બન્યુ છે જેમાં આર્થિક સમિતિએ વ્યાજદરોમાં કોઇપણ પ્રકારનો ફેરફાર કર્યો ન હોય.

આરબીઆઇના ગવર્નર શક્તિકાંત દાસએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે સમિતિએ કોરોના વચ્ચે અર્થવ્યવસ્થાને ટેકો આપવા માટે વ્યાજદર યથાવત રાખવાનું નિર્ણય લીધો છે. તેમણે એવું પણ જણાવ્યું હતું કે ભારતીય અર્થતંત્ર ભારે મંદીમાંથી હવે સંપૂર્ણપણે બહાર આવી ગઇ છે. કોરોના સામે પ્રતિકાર માટે પણ આપણે તૈયાર થઇ ગયા છીએ. આર્થિક સ્થિતિ વધુ મજબૂત થઇ રહી છે પરંતુ એટલી મજબૂત પણ નથી કે પોતાની મેળે સતત તેજી જાળવી રાખે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે ઓમિક્રોનને લઇને હજુ અર્થતંત્ર માટે કેટલાક પરિમાણો સુમેળભર્યા નથી. આર્થિક વિકાસ પર તેમણે કહ્યું હતું કે ખરીદી અને માંગમાં સુધારો જોવા મળ્યો છે. શહેરનો વ્યાપાર અને માંગ વધુ મજબૂત બની રહી છે. પેટ્રોલ-ડીઝલના ભાવો પર ટેક્સની રકમ ઓછી કરવાથી જરૂરીયાતની માંગ વધશે. તેમણે જણાવ્યું હતું કે કેન્દ્રીય બેંક આર્થિક સ્થિતિ સ્થિર રાખવા માટે રોકડા રૂપિયાની સગવડ કરવી પડશે અને આરબીઆઇ બેંકોને તેની પૂર્વ મંજૂરીએ વિદેશી શાખાઓમાં ભંડોળ અને લાભ લેવાનો રજા આપશે. આરબીઆઇએ આ વખતે પણ 2021-22 માટે આર્થિક વિકાસ દરનો અનુમાન 9.5% રાખ્યું છે. છૂટક ફૂગાવો દર વર્ષ-2022 માટે 5.3%નું ધાર્યુ રાખ્યુ છે. જ્યારે સરેરાશ ફૂગાવાઓ અત્યારે 5.3% પર સ્થિર છે. આમ રિઝર્વ બેન્કની આર્થિક સમિતિએ વધુ એકવાર રેપો રેટમાં કોઇ ફેરફાર ન કરવાનો નિર્ણય કર્યો છે. રેપો રેટ 4% અને રિર્વસ રેપો રેટ 3.35% રાખીને અર્થતંત્રને પીઠબળ આપવાની નીતી અર્થતંત્રને કેટલું ફળશે તે આગામી સમય જ બતાવશે.

રેપો રેટ અને રિર્વસ રેપો રેટ સતત નવમીવાર યથાવત: અર્થતંત્રને ટેકારૂપ બનવા માટે રેપો રેટમાં કોઇ સુધારો કરાયો ન હોવાનું ગવર્નર શક્તિકાંત દાસની જાહેરાત

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.