બીજા ટેસ્ટની ધમાકેદાર જીતે અમદાવાદીઓને “ઘેલું” લગાડ્યું !!

પ્રેક્ષકો માટેની ૫૦ હજાર ટિકિટોનું વેચાણ પૂર્ણ

ભારત અને ઇંગ્લેંડ વચ્ચે અમદાવાદમાં થનારી ડે-નાઇટ ટેસ્ટ મેચની તમામ ટીકીટો વેચાઇ ચુકી છે. જે ટેસ્ટ મેચ ૨૪ ફેબ્રુઆરીથી રમાનારી છે. બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ આ જાણકારી આપી છે. તેમણે કહ્યુ હતુ કે, અમદાવાદની તમામ ટીકીટોનુ વેચાણ થઇ ચુક્યુ છે. જ્યાં ખૂબ લાંબા અરસા બાદ મેચ રમાઇ રહી છે. ગાંગુલીએ કહ્યુ હતું કે, જે રીતે માહોલ સામાન્ય થઇ રહ્યો છે, તે જોઇને સારુ લાગી રહ્યુ છે. અમદાવાદમાં છ સાત વર્ષ બાદ ટેસ્ટ મેચ રમાઇ રહી છે. જ્યાં નવુ સ્ટેડીયમ બન્યુ છે. ગાંગુલીએ કહ્યુ કે, પ્રથમ ટેસ્ટમાં પણ દર્શકોને બોલાવવાની યોજના હતી, પરંતુ તામિલનાડુ ક્રિકેટ એસોસિએશન એ કહ્યુ કે, એકવાર પહેલા જોઇ લઇએ છે કેવો માહોલ થાય છે, ત્યાર બાદ દર્શકોને બોલાવીએ.

અમદાવાદમાં છેલ્લે વર્ષ ૨૦૧૪માં ઇન્ટરનેશનલ મેચ રમાઇ હતી. જે મેચ ભારત અને શ્રીલંકા વચ્ચે રમાઇ હતી. હવે અહી નવુ સ્ટેડીયમ બની ચુક્યુ છે. જે વિશ્વનુ સૌથી મોટુ ક્રિકેટ સ્ટેડીયમ છે. જેમાં ૧.૧૦ લાખ દર્શકોને બેસવાની ક્ષમતા છે. જોકે હાલમાં અહી ૫૦ હજાર દર્શકોને જ પ્રવેશ મળી શકશે. કારણ કે બીસીસીઆઇએ કોરોના વાયરસને ધ્યાને રાખીને ૫૦ ટકા કેપિસીટી સાથે સ્ટેડિયમમાં દર્શકોને પ્રવેશ આપવાની મંજૂરી આપી છે. ભારત-ઇંગ્લેંડ વચ્ચેની ચોથી ટેસ્ટ પણ અમદાવાદમાં રમાનારી છે.

સૌરવ ગાંગુલીએ સાથે જ કહ્યુ હતુ કે, દરેક ઘરેલુ સિરીઝમાં ડે-નાઇટ ટેસ્ટ મેચ રમાશે. વાત કરતા કહ્યુ કે, નિશ્વિત રુપથી એક સિરીઝમાં એક ટેસ્ટ યોગ્ય રહેશે. દરેક પેઢી બદલાવથી પસાર થાય છે. ટેસ્ટ ક્રિકેટમાં ગુલાબી બોલ એ મોટો બદલાવ છે. જે આ ફોર્મેટને જીવંત બનાવી રાખવા માટે પણ જરુરી છે. મને લાગે છે કે, આગળના સપ્તાહે અમદાવાદનુ ભરેલુ મેદાન અમારા માટે સારો નજારો રહેશે. આ બધા માટે સારી ટેસ્ટ મેચ હશે.

આઇપીએલ ૨૦૨૧ દરમ્યાન દર્શકોને સ્ટેડીયમમાં બોલાવવાની યોજના છે. બીસીસીઆઇને આશા છે કે, તેનુ આયોજન ભારતમાં જ કરવામા આવે. ગાંગુલી એ જે અંગે કહ્યુ હતુ કે, ખૂબ ઝડપથી ખ્યાલ આવી શકશે કે દર્શકો મેદાનમાં આવી શકશે કે નહી. આ નિર્ણય ખુબ જ ઝડપી કરવો પડશે. જોકે આ એક શાનદાર ટુર્નામેન્ટ હશે. ટીમ ઇન્ડીયાના પૂર્વ કેપ્ટન રહી ચુકેલા સૌરવ ગાંગુલીએ પોતાના સ્વાસ્થ્યને લઇને પણ અપડેટ આપી હતી. તે છાતીમાં દુખાવાને લઇને પાછલા મહિને બે વાર હોસ્પીટલમાં ભરતી થયા હતા. આ અંગે કહ્યુ હતુ કે, તે ફિટ છે અને ઠીક પણ છે. તે હવે ફરીથી કામ પર લાગી ચુક્યા છે.