Abtak Media Google News

ગુજરાતમાં સતત સાતમી વખત ભાજપ સૌથી વધુ બેઠકો જીતવાના વિક્રમ સાથે થશે સત્તારૂઢ

ગુજરાત વિધાનસભાની 182 બેઠકો માટે અલગ-અલગ બે તબક્કાઓમાં મતદાન પૂર્ણ થયાં બાદ અલગ-અલગ એજન્સીઓ અને ન્યૂઝ ચેનલો દ્વારા ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામોને લઇને જે તારણો રજૂ કરવામાં આવ્યા હતાં. તે આજે મતગણતરીના દિવસે સાચા ઠરી રહ્યાં છે. રાજ્યમાં ભાજપ સતત સાતમી વખત રેકોર્ડ બ્રેક બેઠકો સાથે સત્તા સંભાળવા તરફ આગળ વધી રહ્યું છે.

ફરી એકવાર ગુજરાતની જનતાએ ભારતીય જનતા પાર્ટી પર વિશ્ર્વાસ મૂક્યો છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા ચૂંટણી ઢંઢેરામાં ગુજરાતની જનતા માટે વચનોની લ્હાણી વહાવી હતી. જો કે, રાજ્યની જનતાએ કોંગ્રેસ કે આપના વચનોના બદલે વિકાસવાદને સ્વીકાર્યો છે. ઓછું મતદાન પણ ભાજપ માટે ફળદાયી સાબિત થયું છે. બંને તબક્કાના મતદાન બાદ જાહેર થયેલાં એક્ઝિટ પોલમાં તમામમાં એવું દર્શાવવામાં આવ્યું હતું કે ગુજરાતમાં ફરી એકવાર ભાજપ રેકોર્ડ બ્રેક બેઠકો સાથે સત્તારૂઢ થવા તરફ આગળ વધી રહ્યું છે.

આજે મતગણતરીના દિવસે એક્ઝિટ પોલના તારણો પર સિક્કો લાગી ગયો હતો. ભાજપ હાલ રેકોર્ડ બ્રેક બેઠકો જીતી ગુજરાતમાં સાતમી વખત સત્તારૂઢ થવા તરફ આગળ વધી રહી છે.

ગત વખતે વિધાનસભાની ચૂંટણીમાં પાટીદાર અનામત આંદોલનની વ્યાપકો અસરો જોવા મળી હતી. જેના કારણે ભાજપ માત્ર ડબલ ડિજિટ એટલે કે 99 બેઠકોમાં સમેટાઇ ગયું હતું પરંતુ આ વખતે ગુજરાતની જનતાએ કમળને સોળે કળાએ ખીલવી દીધું છે. ગત ચૂંટણી કરતા ભાજપને 35 થી વધુ બેઠકો મળી રહી છે. એક્ઝિટ પોલના તારણો સાચા ઠરી રહ્યાં છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.