- પિતાએ મકાન ભેટમાં આપી દીધા બાદ પુત્ર-વધુએ દુર્વ્યવહાર શરૂ કરતા ગિફ્ટ ડીડ રદ્દ કરવા હાઇકોર્ટમાં માંગ
રાજકોટના 85 વર્ષીય વૃદ્ધ અરજદારે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી સંતાનને ભેંટમાં આપેલ મકાનનો ગિફ્ટ ડીડ રદ્દ કરવા માંગણી કરી છે. કૃષિ વિભાગના નિવૃત કર્મચારીએ પુત્રને ભેંટમાં મકાન આપ્યા બાદ પુત્ર-વધુએ દુરવ્યવહાર કરતા આ ગિફ્ટ ડીડ રદ્દ કરવા વૃદ્ધે હાઇકોર્ટમાં અરજી કરી છે. ત્યારે મહત્વનો સવાલ એવો ઉઠ્યો છે કે, શું વાલીઓની દેખભાળ નહિ રાખનાર સંતાનોને ભેંટમાં મિલ્કત લેવાનો અધિકાર છે ખરા? સમગ્ર મામલાની જો વાત કરવામાં આવે તો રાજ્ય સરકારના કૃષિ વિભાગના નિવૃત કર્મચારી નટવરલાલ ફીચડીયાએ હાઇકોર્ટમાં અરજી કરી છે. તેમણે અદાલતને જણાવ્યું હતું કે, તેઓ રાજકોટ ખાતે રહે છે અને તેમના ઘરેથી જ નિસર્ગોપચાર સેવાઓ આપે છે. કોરોના કાળ દરમિયાન વૃદ્ધ સંક્રમિત થતાં તેમણે પોતાનું મકાન પુત્રને ભેટમાં આપ્યું હતું. વૃદ્ધને ચાર સંતાન છે જેમાં બે પુત્રો અને બે પુત્રીઓ છે. તેમના પુત્રો અલગ અલગ ફ્લેટમાં રહે છે, જ્યારે અરજદાર ઘરના એક રૂમમાં રહે છે. 1991માં ખરીદેલું ઘર તેમની અને તેમની પત્નીની સંયુક્ત માલિકીનું હોવાથી તેમણે ઓગસ્ટ 2021માં ઘરમાં પોતાનો 50% હિસ્સો તેમના પુત્રને ભેટમાં આપ્યો હતો.
લગભગ એક મહિના પહેલા તેમના બાકીના ત્રણ બાળકોએ મકાનના ત્યાગ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. જેમાં તેમની મૃત માતાનો 50% હિસ્સો તેમના ભાઈને ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. એક વર્ષ પછી, અરજદારે ડેપ્યુટી કલેક્ટર અને કલેક્ટર બંને સમક્ષ ફરિયાદ દાખલ કરી હતી. જેમાં મેન્ટેનન્સ એન્ડ વેલ્ફેર ઓફ પેરેન્ટ્સ એન્ડ સિનિયર સીટીઝન એક્ટ,2007 હેઠળ ગિફ્ટ ડીડને રદ કરવાની માંગ કરવામાં આવી. તેમણે આરોપ મુક્યો હતો કે, તેમના પુત્ર અને પુત્રવધૂ દ્વારા દુવ્ર્યવહાર કરવામાં આવે છે અને મિલકતમાંથી તેમનો હક કમી કરવા પ્રયાસો કરવામાં આવ્યા હતા.
અધિકારીઓએ ગિફ્ટ ડીડ રદ કરવાનો કોઈ આદેશ પસાર કર્યો ન હતો, પરંતુ તેમણે તેમના બંને પુત્રોને માસિક ભરણપોષણ તરીકે 2,000 રૂપિયા ચૂકવવાનો આદેશ આપ્યો હતો. પુત્ર અને પુત્રવધૂ દ્વારા અધિકારીઓને ખાતરી આપવામાં આવી હતી કે તેઓ વૃદ્ધાવસ્થામાં તેમની સંપૂર્ણ સંભાળ રાખશે.
આ નિર્ણયથી નારાજ વૃદ્ધ અરજદારે એડવોકેટ પ્રતીક જસાણી મારફ્ત હાઇકોર્ટનો સંપર્ક કર્યો હતો. ત્યારે એડવોકેટ પ્રતિક જસાણી દ્વારા હાઇકોર્ટમાં દલીલ કરવામાં આવી હતી કે, અરજદારે પોતાનું ઘર પુત્રને એવી આશા અને વિશ્વાસ સાથે ભેટમાં આપ્યું હતું કે તેમની વૃદ્ધાવસ્થામાં તેમની સંભાળ રાખવામાં આવશે. જોકે, તેમનો પુત્ર તેમની સાથે માત્ર દુવ્ર્યવહાર જ નથી કરતો પણ તેમને બહાર કાઢવા માટે તમામ પ્રયાસો પણ કરે છે. હાલ સુધીમાં હાઇકોર્ટએ આ મામલે નિર્ણય કર્યો નથી પરંતુ માતા-પિતાની વૃદ્ધા અવસ્થામાં જ સાર સંભાળ નહીં રાખનાર સંતાનોને વાલીઓ પાસેથી ભેંટમાં કોઈ મિલ્કત મેળવવાનો અધિકાર નથી તે બાબત સ્પષ્ટ હોય આગામી દિવસોમાં હાઇકોર્ટ વૃદ્ધ પિતા તરફે ચુકાદો આપે તેવું નિષ્ણાંતોનું માનવું છે.