- સાત-રસ્તા વિસ્તારમાં કમિશનર-એસપી દ્વારા સ્થળ નિરીક્ષણ કરી ચર્ચા કરાઈ
- જામનગર મહાનગરપાલિકા દ્વારા નવા રોડ રસ્તાઓ બનાવવામાં આવી રહ્યા છે, અને જામનગરના સાત રસ્તા પૈકીનો સાતમો રસ્તો, કે જે ઘણા સમયથી બંધ હતો, તેને પુન: શરૂ કરવા માટેની તંત્ર દ્વારા કવાયત કરવામાં આવી રહી છે.
જામનગર ના લાખોટા તળાવની પાળ આરટીઓ કચેરી વાળા માર્ગેથી છેક સાત રસ્તા સર્કલ સુધીનો 18 મીટર નો પહોળો રસ્તો બનાવવા માટેની તંત્ર દ્વારા કવાયત શરૂ કરી દેવામાં આવી છે, અને તેનું સર્વે હાથ ધરવામાં આવ્યું છે. જામનગર મહાનગરપાલિકાના કમિશનર ડી.એન. મોદી તેમજ જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ જાતે હાજર રહ્યા હતા, અને તેઓની આગેવાનીમાં એસ્ટેટ શાખાની ટીમ, પોલીસ વિભાગની ટુકડી સહિત અલગ અલગ ટીમ દ્વારા તળાવની પાળ થી સાત રસ્તા સુધીના માર્ગ પર નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. હાલ ઉપરોક્ત રસ્તો કાઢવા માટે જુના સીટી એ. ડિવિઝન વાળું બીલ્ડીંગ, ઉપરાંત ગ્રામીણ બેંક, ક્ષાર નિવારણની કચેરી, એલસીબીની કચેરી, એસઓજી શાખા ની કચેરી, આરટીઓ કચેરીનો અમુક હિસ્સો વગેરે માર્ગ ની વચ્ચે આવતા હોવાથી તેને ખુલ્લો કરવા માટે અથવા તો જગ્યા ખુલી કરવા માટેનું હાલ સર્વે હાથ ધરવામાં આવી રહ્યું છે. ઉપરાંત આ માર્ગે એક ધાર્મિક સ્થળ પણ આવેલું હોવાથી તેને પણ ખસેડવાની કામગીરી હાથ ધરાય તેમ મનાઈ રહ્યું છે. જે સમગ્ર મામલે હાલ સર્વે કરવામાં આવી રહ્યું છે, અને નજીકના ભવિષ્યમાં માર્ગ તૈયાર કરીને પ્રજાજનો માટે ખુલ્લો મુકાશે.
બાળકો માટેની તમામ રાઈડ તાત્કાલિક ખસેડી લેવાઇ
જૂની આરટીઓ કચેરી પાસે હાથથી ચાલતી અથવા તો બેટરી અને ઈલેક્ટ્રીક થી ચાલતી અન્ય બાળકોની રાઇડ ફરીથી શરૂ થઈ ગઈ હોવાથી જામનગર મહાનગર પાલિકાની એસ્ટેટ શાખા દ્વારા તાત્કાલિક અસરથી તમામ રાઈડ બંધ કરીને ત્યાંથી ઉપડાવી લીધી છે, અને સંપૂર્ણ રસ્તો ખુલ્લો કરાવી દેવાયો છે.
એસ્ટેટ શાખાની ટીમ દ્વારા સિટી એ. ડિવિઝન વાળું જુનવાણી બિલ્ડીંગ તોડી પડાયું
જામનગર મહાનગરપાલિકા ના વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા તળાવની પાળ થી સાત રસ્તા સુધીનો સાતમો માર્ગ બનાવવા માટેની તૈયારી શરૂ કરવામાં આવી હતી, અને આજે સવારે તેનું મ્યુનિ. કમિશનર અને એસ.પી. સહિતના અધિકારીઓની હાજરીમાં સર્વે કરાવાયું હતું. ત્યારબાદ મહાનગરપાલિકાનું તંત્ર ખૂબ જ એક્શન મોડમાં આવી ગયું છે, અને બપોર બાદ રસ્તો ખુલ્લો કરાવવાની કાર્યવાહી હાથ ધરી લેવામાં આવી હતી. લાખોટા તળાવની પાળ થી જૂની આરટીઓ કચેરી તરફ જવાના માર્ગે આવેલું સિટી એ. ડિવિઝન વાળું જૂનું બે માળનું બિલ્ડીંગ કે જેને તોડી પાડવાની કાર્યવાહી હાથ ધરી લેવામાં આવી હતી. જામનગર મહાનગર પાલિકાની એસ્ટેટ શાખાના અધિકારી નીતિન દીક્ષિત, દબાણ હટાવ અધિકારી સુનિલ ભાનુશાલી સહિતની ટુકડી તળાવ ની પાળે પહોંચી હતી, અને સૌ પ્રથમ હિટાચી મશીનની મદદથી સીટી એ ડિવિઝન વાળું જૂનું બે માળનું બિલ્ડીંગ તોડી પાડ્યું હતું, અને રસ્તો ખુલ્લો કરાવવામાં આવી રહ્યો છે.
સૌપ્રથમ આ કાર્યવાહી થયા બાદ અન્ય સરકારી વિભાગની જુનવાણી અન્ય કચેરીઓ સહિતના બાંધકામ તોડી પાડવાની કામગીરી દિન પ્રતિદિન હાથ ધરવામાં આવશે, અને નજીકના ભવિષ્યમાં જ સમગ્ર રસ્તો ખુલ્લો કરી દેવાશે. ત્યારબાદ આ સ્થળે 18 મીટર પહોળો માર્ગ તૈયાર કરાશે. જે માર્ગ શરૂ થવાથી તળાવની પાળ થી સાત રસ્તા તરફ સીધા જઈ શકાશે, અને ઘણો ટ્રાફિક હળવો બની જશે.