- માર્જીન-પાર્કિંગની જગ્યા મૂક્યા વિના રહેણાંક વિસ્તારોમાં પાંચ-પાંચ માળના કોમર્શિયલ બિલ્ડીંગો ખડકાય ગયા: વોર્ડ નં.7ના એટીપી એમ.જે.ટાંક બધુ જાણતા હોવા છતા ‘વહીવટ’માં મશગુલ
- મ્યુનિસિપલ કમિશનર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને ટીપીઓ સુધી ફરિયાદો પહોંચી: ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ માટે નિમિત ટીપી શાખા ફરી ભ્રષ્ટાચારમાં આળોટવા લાગી
કોર્પોરેશનની ટાઉન પ્લાનીંગ શાખાને ભ્રષ્ટાચારની શાખાનું નામકરણ કરી દેવાની જરૂરિયાત જણાય રહી છે. ગત વર્ષ શહેરમાં સર્જાયેલા જીવલેણ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડની ઘટનામાં જેની સૌથી વધુ ગુન્હાહિત બેદરકારી ખુલ્લી હતી તે ટીપી શાખાના અધિકારીઓ અને કર્મચારીઓ હજી ભ્રષ્ટાચારના ભોરીંગામાંથી બહાર નિકળવાનું નામ લેતા નથી. શહેરના વોર્ડ નં.7માં દિવાનપરા વિસ્તારમાં ગેરકાયદે બાંધકામોનો રાફડો ફાટ્યો છે. રહેણાંક હેતુ માટેના પ્લાન મંજૂર કરાવ્યા બાદ માર્જીન કે પાર્કિંગની જગ્યા છોડ્યા વિના પાંચ-પાંચ માળના ગેરકાયદે બિલ્ડીંગ ખડકાય ગયા છે. છતા ટીપી શાખાના અધિકારીઓના મોઢા પૈસાથી સિવાય ગયા હોય તેવું લાગી રહ્યું છે.
ટીઆરપી ગેમ ઝોનમાં સર્જાયેલા અગ્નિકાંડની ઘટના બાદ ટીપી શાખાના અનેક અધિકારીઓ છેલ્લા એક વર્ષથી જેલની હવા ખાઇ રહ્યા છે. શહેરમાં ટીપી શાખાનો સ્ટાફ વહિવટ કરી ગેરકાયદે બાંધકામો ખડકવાની મંજૂરી આપી દે છે. જેના કારણે ટીઆરપી ગેમ ઝોન જેવી ઘટનાઓ સર્જાય છે. શહેરના વોર્ડ નં.7માં દિવાનપરા વિસ્તારમાં હાલ અલગ-અલગ પાંચથી છ જગ્યાએ ગેરકાયદે બાંધકામોનો ધમધમાટ ચાલી રહ્યો છે. આ વાતથી વોર્ડના એટીપી અજાણ હોય તેવું નથી. વોર્ડ નં.7ના એટીપી મૌલિક ટાંકને અનેક વખત આ ગેરકાયદે બાંધકામો અંગે ફરિયાદ મળી હોવા છતાં તે આંખા આડે કાન કરે છે. જ્યારે ફરિયાદો વધે ત્યારે ગેરકાયદે બાંધકામ ખડનારી વ્યક્તિને 260 (1) કે 261 (2) મુજબ નોટિસ આપવાના ખોટા નાટક કરવામાં આવે છે. દિવાનપરા વિસ્તાર પહેલેથી જ ખૂબ ગીચ છે. નવા બાંધકામના નિયમ મુજબ ચારેય બાજુ માર્જીન છોડવાનું રહે છે. દિવાનપરામાં હાલ જે કોમર્શિયલ બિલ્ડીંગ ખડકાય ગયા છે અથવા ખડકાય રહ્યા છે. તેમાં સાઇડ માર્જીન કે બેક માર્જીન મુકવાની વાત તો દુર રહી ફ્રન્ટ માર્જીન પણ મુકવામાં આવતા નથી. રહેણાંક હેતુ માટેનો બિલ્ડીંગ પ્લાન્ટ મંજૂર કરાવી કોમર્શિયલ બાંધકામ ખડકી દેવામાં આવે છે.
દિવાનપરા મેઇન રોડ પર હરેશભાઇ તીર્થવાણી નામના આસામીએ દિવાનપરા પોલીસ ચોકીની બાજુમાં મંજૂર થયેલા બાંધકામ વિરૂધ્ધ મોટું ગેરકાયદે બાંધકામ ખડકી દીધું છે. આ અંગે વ્યાપક ફરિયાદો મળતા ગત 28મી એપ્રિલના રોજ એટીપી મૌલિક ટાંક દ્વારા મંજૂર થયેલા પ્લાન વિરૂધ્ધ જે વપરાશ શરૂ કરવામાં આવ્યો છે તે સાત દિવસમાં બંધ કરી દેવાની નોટિસ આપી છે. સાથોસાથ જો વપરાશ બંધ નહીં કરવામાં આવે તો મિલકત સીલ કરી દેવામાં આવશે તેવી તાકીદ કરવામાં આવી છે. પરંતુ આજની તારીખે હરેશ તીર્થવાણી નામની વ્યક્તિએ પોતે મંજૂરી વિના ખડકી દીધેલા ગેરકાયદે બાંધકામનો બિન્દાસ ઉપયોગ કરી રહ્યા છે. છતા ટીપી શાખાએ કશું જ ઉખાડી લીધું નથી.
દિવાનપરા શેરી નં.3માં પણ એક પાંચ માળનું બિલ્ડીંગ બની રહ્યું છે. જેમાં પણ માર્જીનની જગ્યા છોડવામાં આવી ન હોવાની ફરિયાદ ઉઠી રહી છે. પરંતુ આ બાંધકામને સુરક્ષીત રાખવા માટે ભાજપના એક મોટા નેતાની ભલામણ હોવાનું ચર્ચાય રહ્યું છે.
ટીપી શાખા ફરી ભ્રષ્ટાચારમાં આળોટવા લાગી છે. અધિકારીઓ અને કર્મચારીઓ એટલે હદે નિભંર બની ગયા છે કે ખૂદ મ્યુનીસિપલ કમિશનર, ટીપીઓ કે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને ગાંઠતા નથી. જો ન કરે નારાયણ અને દિવાનપરા વિસ્તારમાં અગ્નિકાંડ જેવી દુર્ઘટના સર્જાય તો ટીઆરપી ગેમ ઝોન કરતા પણ મોટી ખૂંવારી સર્જાવાની ભારોભાર દહેશત રહેલી છે. દિવાનપરા જ નહીં શહેરના અનેક વિસ્તારોમાં ખાસ કરીને સુચિત એરિયામાં ગેરકાયદે બાંધકામોનો જોરદાર વિકાસ થઇ રહ્યો છે. જેની પાછળ માત્રને માત્ર ટીપી શાખાના અધિકારીઓની વહીવટી અને ભૂંડી ભૂમિકા જ જવાબદાર છે.
ગેરકાયદે બાંધકામોને ભાજપના મોટા નેતાનું અભેધ સુરક્ષા કવચ
દિવાનપરા વિસ્તારમાં પાંચથી છ સ્થળે હાલ ધમધમી રહેલા ગેરકાયદે બાંધકામોને ભાજપના એક મોટા નેતાએ અભેદ સુરક્ષા કવચ પુરૂં પાડ્યું હોવાનું ચર્ચાઇ રહ્યું છે. મંજૂરી વિના ખડકાય રહેલા બાંધકામો અંગે કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓ સુધી ફરિયાદ પહોંચી હોવા છતાં ભાજપના એક મોટા નેતાના સુરક્ષા કવચના કારણે મંજૂરી વિના ખડકાય ગયેલા બાંધકામોને ઉની આંચ પણ આવતી નથી.
પ્રજા ધ્યાન રાખે: કોર્પોરેશન બીજો ટીઆરપી અગ્નિકાંડ સર્જવા તૈયાર
શહેરીજનોએ પોતાની સલામતી માટે સ્વયંભૂ જાગૃત રહેવું પડશે કારણ કે કોર્પોરેશનનું નિભંર તંત્ર ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડની દુ:ખદ દુર્ઘટના બાદ પણ સુધરવાનું નામ લેતું નથી. ટીપી શાખાએ ફરી કાપડીયા કટકટાવવાનું શરૂ કરી દીધું છે. જેના કારણે હવે શહેરમાં બીજો અગ્નિકાંડ સર્જાય તેવી દહેશત પણ ભારોભાર રહેલી છે.