- ગીરનાર તળેટીમાં લાખો ભાવિકોનો પડાવ
- ભવનાથમાં હૈયેહૈયુ દળાય તેટલી મેદની અન્નક્ષેત્રોમાં હરીહરના નાદ સર્વત્ર શિવમય વાતાવરણ
ગીરનાર તળેટી ભવનાથ મંદિર પરિસરમાં મહાવદ નૌમથી શરૂ થયેલ શિવરાત્રીનો મેળો આજે પાંચમાં દિવસે અસ્સલ રંગમાં આવી ગયો છે. 150થી વધુ અન્ન ક્ષેત્રોમાં દિવસ રાત લાખો ભાવિકોની અન્નસેવાયજ્ઞ અને અવધુત સંતોના અખાડાના શિવભકતનો માહોલ જામ્યો છે. પાંચ દિમાં લાખો ભાવિકોએ સંત દર્શન કર્યા બાદ આજે મધ્યરાત્રે અવધુત સંતોની રવાડી અને મુંગીકુંડમાં શાહીસ્નાન બાદ મેળો પૂર્ણ થશે.
મહાશિવરાત્રી મેળામાં ભોજન, ભકિત ભાંગ અને ભભૂતના સમનવયથી ભોળાનાથની અવધૂત ભકિતમાં ભાવિકો ભવનાથ તળેટીમાં પાંચ દિના નીજાનંદનો અનુભવ કરે છે.
આજે ગૃહ મંત્રી હર્ષભાઈ સંઘવી મેળાનો પૂણ્ય લાભ લેવા ભવનાથ આવવાના હોય મેળામાં લાખો ભાવિકોની મેદની વચ્ચે કડક સુરક્ષા બંદોબસ્તની તૈનાતીથી લઈ ટ્રાફીક વ્યવસ્થા પાર્કીંગ પોઈન્ટથી લઈ જન આરોગ્ય સુખાકારી માટે રાઉન્ડ ધી કલોક દવાખાનાઓ ધમધમી રહ્યા છે.
શિવરાત્રીના મેળામા વહીવટીતંત્ર દ્વારા વ્યવસ્થાની સાથે સાથે પ્રકૃતિના જતન માટે વનતંત્ર દ્વારા રોડની બને બાજુ ઉચીદીવાલો કરી વનસંપદા વન્ય પ્રાણીની સુરક્ષા માટે ખાસ તકેદારી રાખી હતી.
પાંચ દિવસના મેળામાં આજે મધ્યરાત્રે ભવનાથ મંદિર પરિસર મેળાના ગ્રાઉન્ડમાં અવધુત સાધુઓની રવાડીના દર્શનનું અલૌકિક મહાત્મય રહે છે.
મેળાના ગ્રાઉન્ડમાં આજે સવારથી જ ભાવિકો રવાડીના રૂટ પર જાણે કે તપ કરવા ઉભા હોય તેમ ઉભા રહી જાય છે. આખા દિવસના તપ કરી મધ્યરાત્રે શાહીસ્નાન માટે નીકળતી નાગાસાધુઓની રવાડીમાં અવધુત સંતો અંગકસરતના હેરતઅંગેજ દાવ, લાઠી, તલવાર, ત્રીસુલ ખડક જેવા શસ્ત્રો સાથે નીજાનંદ મસ્તીના અલૌકીક દર્શન થાય છે.
નાગા અવધૂત સાધુઓની રવેડીમાં સંતો મહંતો મહામંડલેશ્ર્વરોની પાલખી યાત્રાનો નજારો જોવા ભાવિકો મધ્યરાત્રી સુધી તપ કરશે.
આજે મધ્યરાત્રે શાહીસ્નાન બાદ મેળો પૂર્ણ થશે આજે સવારથી જ મેળો અસ્સલ રંગમાં આવી ગયો હોય 8 થી 10 લાખની મેદનીનુ તપ રાત્રે સંત દર્શનથી પૂર્ણ થશે.
કેબિનેટ મંત્રી મુળુભાઇ બેરાએ મેળામાં સાંસ્કૃતિક કાર્યક્રમ માણ્યો
મહાશિવરાત્રીના મેળામાં ભાવિકોને સ્વચ્છતા જાળવવા અને પ્રકૃતિના જતન માટે પ્લાસ્ટિકનો વપરાશ ન કરવા કેબિનેટ મંત્રી શ્રી મુળુભાઈ બેરાની અપીલ મહાશિવરાત્રી મેળાના ચોથા દિવસે પ્રસિદ્ધ લોકસાહિત્યકાર રાજભા ગઢવીએ ભક્તિ સભર પ્રસ્તુતિ આપી જમાવટ કરી : મોટી સંખ્યામાં ભાવિકોએ કાર્યક્રમ માંણ્યો
જૂનાગઢ તા.25 મહાશિવરાત્રી મેળામાં ચોથા દિવસે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમમાં રાજ્યના વન અને પર્યાવરણ, પ્રવાસન, સાસ્કૃતિક પ્રવૃતિઓ અને ક્લાઈમેન્ટ ચેન્જના કેબિનેટ મંત્રી મુળુભાઇ બેરા સહભાગી થયાં હતાં.
મહાશિવરાત્રી મેળાના ચોથા દિવસે પ્રસિદ્ધ લોકસાહિત્યકાર રાજભા ગઢવીએ ભક્તિસભર પ્રસ્તુતિ આપી જમાવટ કરી હતી. આ કાર્યક્રમને મોટી સંખ્યામાં ભાવિકોએ માંણ્યો હતો. આ પ્રસંગે ધારાસભ્ય સંજયભાઈ કોરડીયાએ પ્રસંગોચિત સંબોધન કરતા સનાતન પરંપરાને ગૌરવરૂપ ગણાવી હતી અને મહાશિવરાત્રીના મેળા માટે જિલ્લા વહીવટી તંત્રની કામગીરીને બિરદાવી હતી.