Abtak Media Google News

સરકારે સાબિત કરી બતાવ્યું છે કે પર્યટન કરવાથી દોસ્તી, ભાઈચારો અને વિશ્વાસ સંપાદન કરી શકાય

વેકેશન પડી ગયું છે, બધા ક્યાંકને ક્યાંક ફરવા જવાનું આયોજન કરતાં જ હશે, ખરુ ને? તો આજે આપણે પિકનિક, પ્રવાસ, પર્યટન કે યાત્રાનું આપણા જીવનમાં કેટલું મહત્વ છે તેના વિશે વાત કરીશું.ખુશીઓ નો સરવાળો, દુ:ખોની બાદબાકી, સંઘર્ષ નો ભાગાકાર અને યાદો નો ગુણાકાર એટલે પર્યટન…

માનવ જીવનમાં હંમેશા પર્યટનનું સ્થાન આગવું રહ્યું છે. પછી એ શાળા કક્ષાનો પ્રવાસ હોય કે તીર્થસ્થાન ની જાત્રા હોય, ફેમિલી પિકનિક હોય કે ગ્રુપ ટ્રીપ હોય, પર્યટન શબ્દ સાંભળતાં જ મન નાચી ઉઠે છે.

સતત એકધારા જીવનથી માણસ થાકી જાય છે ભણતરના ભારથી મુક્ત થઈને વિદ્યાર્થી જીવનમાં ઐતિહાસિક અને પ્રાકૃતિક સ્થળો ના પ્રત્યક્ષ પ્રવાસથી વિશેષ જ્ઞાન મળે છે, જે પુસ્તકમાંથી મળતું નથી. યુવાનીમા પૈસા કમાવા પાછળની આંધળી દોટ જીવનને નીરસ બનાવી દે છે, આવા નીરસ જીવનને જીવંત અને રસ સભર બનાવવા માટે પર્યટન મહત્વનો ભાગ ભજવે છે. જ્યારે સ્ત્રીઓ ની તો વાત જ શું કરવી? ગૃહિણીઓ રોજિંદા કામથી એટલી કંટાળી હોય છે કે ચારપાંચ દિવસ ની એક ટ્રીપ તેમનો પુરા વર્ષનો થાક ઉતારી દે છે. નિવૃત્ત લોકો માટે તો પર્યટન, તીર્થયાત્રા એ સૌથી ઉત્તમ ઔષધી છે.

ધૂમકેતુ જેવા મહાન લેખકે પર્યટન વિશે લખ્યું છે કે જે વ્યક્તિ માં પર્યટન નો શોખ વિકસે છે, તે વ્યક્તિનું વ્યક્તિત્વ સોળે કળાએ ખીલી ઉઠે છે. પર્યટન થી માનવી ઘડાય છે. અવનવા અનુભવ કરવા ની શક્તિ તેનામાં જન્મે છે. પર્યટનના કારણે માનવીમાં સાહસિકતા, સહનશીલતા, વ્યવહાર કુશળતા, નિયમિતતા વગેરે જેવા જીવન ઘડતરના મૂલ્યવાન ગુણો ખીલે છે. સૌંદર્ય દ્રષ્ટિ વિકસે છે, સહકારની ભાવના કેળવાય છે, મુશ્કેલીને હસતા હસતા પાર પાડવાની તેમજ નાનામાં નાની બાબતનું આયોજન કરવાની ટેવ પડે છે.

કાકા કાલેલકર ના મતે પર્યટન એટલે “અગવડો વેઠવાની બાદશાહી સગવડ”. માનવીની દ્રષ્ટિ ને બદલવાની તાકાત પ્રવાસમાં રહેલી છે. પ્રવાસ અંતર્મુખીપણું દૂર કરીને બહિર્મુખીપણું પ્રદાન કરે છે. કાકાસાહેબે તો ત્યાં સુધી કહયું છે કે… જેમ કુંભાર માટીને ઘાટ આપે છે તેમ પ્રવાસ, પ્રવાસીને ઘડે છે.ટૂંકમાં પર્યટન થી માનવીના તન-મન ની તંદુરસ્તી જ નહીં, પરંતુ હૃદયની પ્રસન્નતા અને વિચારો ની વ્યાપકતા પણ વિકસે છે.

પર્યટન દ્વારા થતાં આંતરિક આનંદ નું મૂલ્ય કોઈ રીતે આંકી શકાતું નથી. તે માનવીના જીવનને રસસભર અને સુંદરતમ બનાવી દે છે. અત્યારે ગુજરાતીઓમાં પર્યટન નો શોખ ચરમસીમાએ પહોંચ્યો છે, કદાચ એટલે જ ગુજરાતી લોકો સૌથી વધુ સાહસિક અને દૂરંદેશી વિચાર ધારા ધરાવતા હોય છે. દેશ વિદેશ મા પર્યટન કરીને અને આપણા દેશમાં પર્યટન સ્થળો ને વિકસાવીને સરકારે પણ સાબિત કરી બતાવ્યું છે કે પર્યટન કરવાથી દોસ્તી, ભાઈચારો તેમજ વિશ્વાસ સંપાદન કરીને જીવનનાં દરેક લક્ષ્ય પ્રાપ્ત કરી શકીએ છીએ. કોરોનાએ લોકોને વર્તમાનમાં જીવતા કરી દીધા છે, ભવિષ્ય માટે ભેગું કરવાની વૃત્તિ ભૂલીને આજ અને અત્યાર મા જીવવા વાળા આનંદની અનુભૂતિ કરી શકે છે. ખરેખર, આજના ભાગદોડ અને તણાવયુક્ત જીવન માં પર્યટન નું મહત્વ અનેક ગણું વધી ગયું છે. પર્યટન એ હૃદય, મન અને આત્માને વિશાળ, ઉદાર અને દ્રઢ બનાવનારી પ્રવૃત્તિ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.