- સેવાના ભેખધારીઓને મોંધવારી નડી!
- પ્રજાના સેવકને હવે માસિક રૂ.1 લાખના બદલે રૂ.1.24 લાખ પગાર મળશે: ભૂતપૂર્વ સાંસદોને રૂ.રપ હજારના બદલે રૂ.31 હજાર પેન્શન મળશે: દૈનિક ભથ્થુ રૂ.ર000થી વધારીને રૂ.2500 કરાયું
જનતાને મોંધવારી ભારોભાર નડી રહી છે. પરંતુ જનતાના સેવકોને મોંધવારી ફળી રહી હોય તેવું લાગી રહ્યું છે. સાંસદોના પગાર અને દૈનિક ભથ્થામાં 24 ટકાનો તોતીંગ વધારો કરવામાં આવ્યો છે. આ લાભ 1 એપ્રિલ 2023 થી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સાંસદોને સેવા માટે મળતા મેવામાં વધારો કરવામાં આવ્યો છે. પૂર્વ સાંસદોના પેન્શનમાં પણ વધારો કરવામાં આવ્યો છે.
લોકસભા અને રાજયસભાના સાંસદોનો માસિક પગાર રૂ. 1,00,000 હતો, જે હવે વધારીને રૂ. 1,24,000 કરવામાં આવ્યો છે.
દૈનિક ભથ્થું: સંસદના સત્ર દરમિયાન મળતું દૈનિક ભથ્થું પણ રૂ. 2,000 થી વધારીને રૂ. 2,500 કરવામાં આવ્યું છે જયારે માસિક પેન્શન: વર્તમાન અને ભૂતપૂર્વ સાંસદોને મળતું માસિક પેન્શન રૂ. 25,000 થી વધારીને રૂ. 31,000 કરવામાં આવ્યું છે.
જે ભૂતપૂર્વ સાંસદોએ પાંચ વર્ષથી વધુ સેવા આપી છે, તેમને દરેક વધારાના વર્ષ માટે મળતું પેન્શન પણ રૂ. 2,000 થી વધારીને રૂ. 2,500 કરવામાં આવ્યું છે.
સંસદીય બાબતોના મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા ગેઝેટ નોટિફિકેશન અનુસાર, આ વધારો 1 એપ્રિલ, 2023થી લાગુ કરવામાં આવ્યો છે. સંસદના ચાલુ બજેટ સત્ર દરમિયાન આ સુધારાની જાહેરાત કરવામાં આવી છે. આ પહેલાં, સાંસદોના પગાર અને ભથ્થામાં છેલ્લો સુધારો એપ્રિલ 2018માં કરવામાં આવ્યો હતો. માત્રને માત્ર સેવાના આશ્રય સાથે રાજકારણમાં આવતા નેતાઓને હવે માવા-મલાઇ મળવા માંડયા છે. મોંધવારીનો દર વધતાની સાથે જ સાંસદોના પગાર અને મોંધવારી ભથ્થામાં પણ વધારો કરાયો છે. જે સાંસદો પૂર્વ થઇ ગયા છે તેઓને પણ પાછોતરી અસરનો લાભ મળશે. બીજી તરફ વર્ષો પહેલા સાંસદ તરીકે ચુંટાયેલા અને વર્ષોથી જેના નામની આગળ ભૂતપૂર્વ શબ્દ લાગી ગયું છે. તેને પણ મોંધવારી વધી હોવાનો લાભ મળ્યો છે. ર4 ટકાનો વધારો દેશવાસીઓ દ્વારા જે ટેકસ પેટે નાણા ચુકવવામાં આવે છે. તેમાંથી જ કાઢવામાં આવશે.
આ ઉપરાંત, 2018ના નિયમો અનુસાર, સાંસદોને તેમના મતવિસ્તારમાં કાર્યાલય જાળવવા અને મતદારો સાથે સંપર્કમાં રહેવા માટે મતવિસ્તાર ભથ્થા તરીકે દર મહિને રૂ. 70,000 મળે છે. સંસદીય સત્રો દરમિયાન તેમને ઓફિસ ભથ્થા તરીકે દર મહિને રૂ. 60,000 અને દૈનિક ભથ્થા તરીકે રૂ. 2,000 મળે છે. હવે આ ભથ્થાઓમાં પણ વધારો થવાની શક્યતા છે.
સાંસદોને આ સિવાય ફોન અને ઇન્ટરનેટના ઉપયોગ માટે વાર્ષિક ભથ્થું પણ મળે છે. તેઓ પોતાના અને તેમના પરિવાર માટે દર વર્ષે 34 મફત ડોમેસ્ટિક ફ્લાઇટ્સ અને પ્રથમ વર્ગની ટ્રેનમાં ગમે ત્યારે મુસાફરી કરી શકે છે. રસ્તાનો ઉપયોગ કરવા પર તેઓ માઇલેજ ભથ્થાનો પણ દાવો કરી શકે છે. એટલું જ નહીં, સાંસદોને વાર્ષિક 50,000 યુનિટ મફત વીજળી અને 4,000 કિલોલીટર પાણીનો પણ લાભ મળે છે.
તેમના પાંચ વર્ષના કાર્યકાળ દરમિયાન, સાંસદોને નવી દિલ્હીમાં ભાડા-મુક્ત આવાસ આપવામાં આવે છે. તેઓ તેમની વરિષ્ઠતા અનુસાર હોસ્ટેલ રૂમ, એપાર્ટમેન્ટ અથવા બંગલો મેળવી શકે છે. જે સાંસદો સત્તાવાર આવાસનો ઉપયોગ નથી કરતા, તેઓ માસિક આવાસ ભથ્થું મેળવવા માટે પાત્ર છે.
સરકારે તેમના પગાર, દૈનિક ભથ્થા, પેન્શન અને ભૂતપૂર્વ સાંસદો માટે વધારાના પેન્શનમાં વધારો કર્યો છે. આ અંગે સરકાર દ્વારા સત્તાવાર જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, જે 1 એપ્રિલ, 2023થી અમલમાં આવી ગયું છે. આ ફેરફાર સંસદના સભ્યોના પગાર, ભથ્થાં અને પેન્શન અધિનિયમ, 1954 હેઠળ કરવામાં આવ્યો છે અને તે આવકવેરા અધિનિયમ, 1961માં નિર્દિષ્ટ ખર્ચ ફુગાવાના સૂચકાંક પર આધારિત છે.