Abtak Media Google News

શાળાના સંર્વાંગી વિકાસ શિક્ષક સાથે આચાર્યનું પણ વિશેષ મહત્વ છે: સંકુલની જવાબદારી સંચાલન અને છાત્રોની પ્રગતિમાં ક્વોલીટીયુક્ત શિક્ષણ જ તેનો વિકાસ કરી શકે છે: આચાર્યના આચરણથી જ શાળા સંકુલો દીપી ઉઠે છે

જેનું આચરણ શ્રેષ્ઠ તે આચાર્ય. આપણે આજે શાળા સંકુલના વડા વિશે વાત કરીશું. શાળાના વિકાસ સાથે છાત્રોના મૂલ્યાંકન પર સીધી અસર તેમની હોય છે. શાળાની સુંદર વ્યવસ્થા, સંચાલન સાથે છાત્રોના વાલીઓ સાથે વ્યવહાર તેમના થકી સારા પરિણામો આપે છે. તેના ઉમદા આચરણથી શાળા સંકુલ દિપી ઉઠે છે. વર્ષો પહેલા આપણે તેને મોટા શિક્ષક કે મોટા સાહેબ કહેતા પણ આજે આચાર્ય, પ્રિન્સીપાલ, મુખ્ય શિક્ષક જેવા શબ્દોથી બોલાવીએ છીએ.

વિશ્ર્વભરમાં શાળાઓમાં આ સિસ્ટમ કાર્યરત છે. હેડ ટીચર, હેડ માસ્ટર, હેડ મિસ્ટ્રેસ, હેડ ચાંસલર, પ્રિન્સિપલ કે સ્કૂલ ડાયરેક્ટર જેવા વિવિધ નામોથી ઉદ્બોધન થાય છે. સ્કૂલની તમામ વ્યવસ્થાની જવાબદારી તેમની હોય છે. તેને સંચાલનની સાથે અમુક પિરિયડ પણ લેવાનો નિયમ હોય છે તો ગમે ત્યારે તે ગમે તે વર્ગનું શિક્ષણ કાર્ય ચેક કરી શકે છે. શાળાના તમામ સ્ટાફને સબળ નેતૃત્વને જ પુરૂ પાડે છે, જે શાળાને ઉચ્ચત્તમ શિખર પર ગુણવત્તાસભર શિક્ષણ છાત્રોને પુરૂ પાડે છે. તે શાળાને એક સુરક્ષિત અને શાંતિપૂર્ણ વાતાવરણ પુરૂ પાડે છે. લોકડાઉન બાદ આજથી શાળા શરૂ થવા જઇ રહી છે ત્યારે ધો.9 થી 12ના મોટા છાત્રોની જવાબદારી અને સામાજીક અંતર સાથેની વ્યવસ્થાની જવાબદારી આચાર્યના શીરે હોય છે.

છાત્રોના જીવનમાં આચાર્યનું વિશેષ મહત્વ હોય છે. તે શાળામાં રોજબરોજના નિયમો, માર્ગદર્શન, શાળાની ગતિવિધીની દેખરેખ રાખે છે. પહેલા તો સિનિયર શિક્ષકને આચાર્યનો ચાર્જ અપાતો અને તે લેવા માટે પડાપડી થાતી આજે આચાર્યની ઘણી બધી જવાબદારીને કારણે શાળાનો ચાર્જ લેવા કોઇ તૈયાર થતું નથી. ગમે તે બહાના ધરીને છૂટવા માગે છે. આજે તો શિક્ષકો પાસેથી કામ લેવામાં આચાર્યને નાકે દમ આવી જાય છે. આચાર્ય માટે તમામ સ્ટાફ પ્રત્યે સમદ્રષ્ટિનો ભાવ હોય પણ સ્ટાફને લાગે તે અમુક શિક્ષકનું વધારે રાખે છે. આજે દરેક શાળામાં નાની-મોટી સમસ્યા રહેતી જોવા મળે છે પરંતુ આમાંથી જે શ્રેષ્ઠ સંચાલન કરીને શાળાને પ્રગતિ કરાવે તેજ શ્રેષ્ઠ આચાર્ય હોય શકે.

દર વર્ષે સરકાર શિક્ષક દિવસે શ્રેષ્ઠ શિક્ષક સાથે શ્રેષ્ઠ આચાર્યને પણ એવોર્ડ આપે છે. શાળાના તમામ કામોમાં કચેરી સાથે પત્ર વ્યવહાર, પગાર બીલમાં સુધારા-વધારા, મૂલ્યાંકન પત્રકો સાથે સમગ્ર શિક્ષા અભિયાન દ્વારા મંગાતી વિવિધ આંકડાકીય માહિતી તેમને પૂર્ણ કરવાની હોય છે. દરેક બાળક સરકારની યોજનાથી વંચિત ન રહે તેની જવાબદારી આચાર્યની છે. આજે કોમ્પ્યુટર યુગમાં ઘણું સહેલું થયું પહેલા તો બધુ જ હાથે લખીને તૈયાર કરવું પડતું. તમામ વર્ગોના વર્ગ શિક્ષકો પોતાના વર્ગનું તૈયાર કરીને આપે જેને શાળા એકંદર કરીને કચેરીએ આચાર્ય જ મોકલતા હોય છે. હવે તો આચાર્ય માટેની પણ પરીક્ષા ‘એચ.ટાટ’ આવી જવાથી શાળા સંકુલોને ક્વોલીફાઇડ આચાર્યો મળવા લાગ્યા છે. શાળાની સહઅભ્યાસિક પ્રવૃત્તિ-પરીક્ષા અને વિવિધ સ્પર્ધામાં બાળકોની વ્યવસ્થા આયોજન શાળા આચાર્ય જ કરે છે. શાળામાં આવતા વિવિધ કેળવણી નિરિક્ષકો, અધિકારીઓ સીધા શાળાના વડા તરીકે આચાર્યને જ મળે છે. તેમના જવાબ ગ્રાહ્ય રાખે છે.

શાળા સ્ટાફને પનીશમેન્ટ કરવાની સત્તા સાથે શાળાનો તમામ નાણાકીય વ્યવહાર તેમની સહીથી થતો હોવાથી આચાર્યએ પારદર્શક વહિવટ સાથે દફ્તરી કામ, શાળા રેકોર્ડ વ્યવસ્થિત નિભાવવું પડે છે. શાળાનાં બધા બાળકોને અસરકારક શિક્ષણ મળે તેની જવાબદારી આચાર્યની હોય છે. આ ઉપરાંત આયોજન, મૂલ્યાંકનની તમામ જવાબદારી તેમની છે. આચાર્યની ફરજોના ચોક્કસ નિયમો બનાવાયા છે. તેના બે પ્રતિનિધીઓમાં સુપરવાઇઝર, શિફ્ટ વાઇસ પ્રિન્સિપલ હોય છે, જે તેના રૂલ્સને ફોલો કરે છે અને સ્ટાફને પણ કરાવે છે. સૌથી અગત્યની બાબતમાં શાળાની શ્રેષ્ઠ બાબાતોનો વાલીમાં પ્રચાર-પ્રસાર સાથે બાળકો શાળાએ નિયમિત આવે તે માટે તેને અને વાલીઓને પ્રોત્સાહિત કરે છે.

આચાર્ય પોતાની શાળા બીજા કરતાં વિશેષ દેખાય તે માટે સ્વચ્છતા અને સુંદરતાની ટેવો છાત્રોમાં પાડે છે સાથે તેજસ્વી છાત્રોને પ્રોત્સાહન આપીને વધુને વધુ નિપુણતા હાંસલ કરાવે છે. શાળાની દરેક કમિટીની મીટીંગ બોલાવીને ચર્ચા-વિચારણા આચાર્યે જ કરવાની હોય છે. શાળાના તમામ નાણાકીય વ્યવહારોનો તમામ રેકોર્ડ પારદર્શક અને ચોખ્ખો રાખવો પડે છે. રોજમેળ, બેંક વ્યવહારોનો તમામ રેકોર્ડ, બીલો બધુ ઓડીટ પણ દર વર્ષે તેમણે કરાવવું પડે છે. પવર્તમાન યુગમાં તેને ડિઝીટલ ફોરમેશન સાથે નેટના માધ્યમથી તમામ વસ્તુઓ મોકલતા આવડવી જરૂરી છે કારણ કે આજે તમામ શાળા વહિવટ, પત્ર વ્યવહાર સાથે બાળકો, સ્ટાફની હાજરી, ભોજન આંકડા જેવી તમામ વિગતો ઓનલાઇન જ મોકલવી પડે છે, તેથી તે કુશળ હોવો જરૂરી છે.

આપણે સૌ જાણીએ છીએ કે ઘણી શાળા આચાર્યના નામથી જ ઓળખાય છે. લગભગ દરેક ગામ કે શહેરમાં એક-બે શાળા એવી જોવા મળે કે જેમાં આચાર્યના કુશળ વહિવટને કારણે શાળા ટોચે પહોંચી હોય અને શાળાને શ્રેષ્ઠ શાળાનો એવોર્ડ મળ્યો હોય. શાળાના ગમે તે પ્રોબ્લેમ હોય તે સીધા આચાર્ય પાસે જ આવે છે, એટલે જ સિધા વર્ગખંડમાં ટીચરને ચાલુ ક્લાસે ન મળતા સીધા આચાર્યને મળવા સૌ આવે છે. તોફાની બાળકોનો આખરી નિર્ણય પણ આજ મોટા સાહેબ કે આચાર્ય લેતા હોય છે. શાળા વિકાસનો રોડમેપ આચાર્ય જ તૈયાર કરે છે. શાળાનો તમામ વહિવટ તેની સહી-સિક્કાથી થાય છે. શાળાનાં નબળા બાળકોને સબળા બનાવવા માટે તેના આયોજન થકી જ બાળકો સબળા બને છે તો જરૂર જણાયે તમામને સુચના, હુકમ કે અન્ય માર્ગદર્શન તેજ આપે છે. ગમે તે પ્રશ્ર્ને આચાર્યનો નિર્ણય આખરી ગણાય છે.

પ્રાર્થનાસભા કે શનિવારની બાલસભા કે વાલીના સંમેલનમાં તે પ્રેરક પ્રવચન આપે છે, શાળાની સિધ્ધી વર્ણવે છે. પ્રજાસત્તાક પર્વ જેવા તમામ તહેવારો શાળામાં ઉજવીને તેના માર્ગદર્શન તળે છાત્રોમાં જીવનમૂલ્ય શિક્ષણ અને વિવિધ ગુણોનું સિંચન થાય છે. નાના બાળકોની શાળામાં આચાર્યનું વિશેષ માન જોવા મળે છે, મોટા છાત્રો તો જરૂર જણાયે જ તેને મળવા ઓફિસમાં જતા હોય છે. આચાર્ય મંજૂર કરતા તો જ છાત્રો કે સ્ટાફને રજા મળે છે. ગમે તેની તાલિમ કે વાત આચાર્યને પ્રથમ કરાય છે જે બાદમાં શાળા અને સ્ટાફમાં અમલવારી કરે છે. શાળાનું સર્વગ્રાહી મૂલ્યાંકન તે નિયમિત કરીને જ માસિક રિપોર્ટ તૈયાર કરે છે. અબ્રાહમ લિંકનનો સ્કૂલના હેડ માસ્તર પર લખેલો પત્ર વાંચવા જેવો છે. બાળકના સંર્વાંગી વિકાસમાં શિક્ષક સાથે આચાર્યનો ફાળો પણ સવિશેષ જોવા મળે છે.

સ્કૂલની તમામ વ્યવસ્થાની જવાબદારી આચાર્યની હોય છે વિશ્ર્વભરની શાળાઓમાં હેડ ટીચર, હેડ માસ્ટર, હેડ મિસ્ટ્રેસ, હેડ, ચાન્સલર, પ્રિન્સીપાલ કે સ્કૂલ ડાયરેક્ટર જેવી સીસ્ટમ કાર્યરત છે શાળાના તમામ સ્ટાફને સફળ નેતૃત્વ આચાર્ય જ પુરૂ પાડી શકે છે

શિક્ષક દિવસે શિક્ષક સાથે શ્રેષ્ઠ આચાર્યને પણ એવોર્ડ અપાય છે

શાળામાં આચાર્યનું સ્થાન વિશેષ છે, સમગ્ર શાળાની તમામ પાસાઓની જવાબદારી તેમની છે. જ્ઞાન મંદિરનું શ્રેષ્ઠ સંચાલન જ શાળાનો વિકાસ કરે છે. શિક્ષક દિવસે શિક્ષક સાથે શ્રેષ્ઠ આચાર્યનું પણ સન્માન કરાય છે, તેમના માટે તમામ સ્ટાફ પ્રત્યે સમદ્રષ્ટિનો ભાવ હોવાથી તે સફળ સંચાલક બની શકે છે. આચાર્ય માટે પણ હવે એચ.ટાટ જેવી પરિક્ષા આવવાથી હવે શૈક્ષણિક સંકુલોને શ્રેષ્ઠ ક્વોલીફાઇડ આચાર્ય મળવા લાગ્યા છે. આજના યુગમાં દરેક બાળકને સરકારી યોજનાનો લાભ મળે સાથે કોઇ રહી ન જાય તેની ચિવટ કે જવાબદારી મુખ્યવડાની છે. દરેક વર્ગનું શિક્ષણ પણ એક આચાર્ય જ કરે છે. શાળાના તમામ છાત્રોના વાલીઓ ફરિયાદ લઇને સૌ પ્રથમ તેની પાસે આવતા હોવાથી કોઇને અન્યાય ન થાય તેવો હલ આચાર્યએ કાઢવો પડે છે. શાળાની તમામ વ્યવસ્થાનું આયોજન આચાર્ય જ ગોઠવતા હોય છે. બહાર ચઆવતા શિક્ષણના કે તંત્રના અધિકારીઓ ડાયરેક્ટ તેમને જ પ્રથમ મળતા હોવાથી શાળા સંકુલની તમામ માહિતી તેમને તૈયાર રાખવી પડે છે. આચાર્ય શિક્ષણ સાથે શાળા વહિવટ, સંચાલનનો પણ વડો હોય છે.

 

 

 

 

 

 

 

 

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.