હળવદ નજીક કેનાલમાં ડુબી ગયેલા યુવકની શોધખોળમાં તંત્ર નાકામ

ધનવાન ડૂબે તો દરિયા ઉલેચાઈ પણ સામાન્ય માણસની ધરાર અવગણના બે દિવસ છતાં તંત્ર હજુ સુધી મદદે ન આવતા પરિવારજનો લાચાર

ધનવાન ડૂબે તો દરિયા ઉંચેલાય પણ સામાન્ય માણસ ડૂબે તો તેનો કોઈ ભાવ પૂછતું નથી.આવી જ એક કરુણ ઘટનામાં હળવદના સામાન્ય પરિવારનો યુવાન પુત્ર સરા રોડ પરની કેનાલમાં ડૂબી ગયો હતો.આ યુવાન ડૂબી ગયાને બે દિવસ થવા આવ્યા પણ હજુ સુધી તંત્ર મદદે આવ્યું નથી.તેથી નિષ્ઠુર તંત્ર સામે યુવાનના પરિવારજનો લાચાર બની ગયા છે અને પુત્રની શોધખોળ કરવા મદદની ગુહાર કરી રહ્યા છે.

આ બનાવની પ્રાપ્ત વિગત મુજબ હળવદના ભવાનીનગર ઢોરા પાસે રહેતા જીજ્ઞેશ પંકજભાઈ હડિયલ ઉ.વ.૧૯ નામનો યુવાન ગઈકાલે સવારે હળવદના સરા રોડ પાસેથી નીકળતી કેનાલમાં ડૂબી ગયો હતો.પરિવારજનોના જણાવ્યા મુજબ બે ભાઈમાં જીજ્ઞેશ મોટો પુત્ર હતો અને તે મોરબીની કોલેજમાં અભ્યાસ કરતો હતો.પણ કોરોનાના કારણે કોલેજ બંધ હોવાથી ઘરેબેઠા જ ઓનલાઈન શિક્ષણ લેતો હતો.તેમજ હાલ છૂટક મજૂરી કામ કરીને પરિવારને મદદરૂપ થતો હતો.ગઈકાલે સરા રોડ ઉપર આવેલ એક સોસાયટીમાં મજૂરી કામે ગયો હતો અને ત્યાં કુદરતી હાજતે જવાનું કહીને જીજ્ઞેશ નીકળો હતો અને આ કેનાલ કાંઠે ગયા બાદ તે કેનાલમાં પડી ગયો હોવાનું કોઈ રાહદારીએ જણાવતા તેમના પરિવારજનો કેનાલ પાસે દોડી ગયા હતા.પોતાનો વાહલસોયો પુત્ર કેનાલમાં ડૂબી ગયો હોવાની પોલીસ, મામલતદાર તથા લાગતા વળગતા તંત્રને જાણ કરી હતી.પણ આ બનાવને બે દિવસ થવા છતાં હજુ મદદે કોઈ આવ્યું નથી.પરિવારજનોનું કહેવું છે કે ,તંત્રમાંથી કોઈને કોઈ આવે છે.પણ ચક્કર મારીને જતા રહે છે.યુવાનની શોધખોળની કોઈ કાર્યવાહી કરાતી જ નથી.જોકે યુવાનના માતા રડતા રડતા કહે છે કે મારા પુત્રની શોધખોળ કરવા કોઈક તો મદદ કરો પણ તંત્રની સંવેદના બૂઠી થઈ ગઈ હોય એમ હજુ આ શ્રમિક પરિવારના પુત્રની શોધખોળ કરવાની તસ્દી જ લેવાય નથી.