જનભાગીદારીથી રોપાયેલું બીજ આજે 322 બેડની પરવાડીયા હોસ્પિટલના રૂપેે વટવૃક્ષ બન્યું!

  • પરવાડીયા હોસ્પિટલમાં દરરોજ 1000થી વધુ દર્દીઓની ઓપીડી: 19 ઓપીડી વિભાગો અને 6 ઓપરેશન થિયેટર સાથેની અદ્યતન હોસ્પિટલનો 7 જિલ્લાના લોકોને મળશે લાભ
  • 28મી મેના રોજ વડાપ્રધાન મોદીના હસ્તે હોસ્પિટલનું ઉદઘાટન કરાશે: 100 જેટલા મુખ્ય દાતાઓના સહયોગથી થયું આ સપનું સાકાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદી હંમેશા એવો આગ્રહ રાખતા હોય છે કે લોકકલ્યાણના કામો જનભાગીદારીથી થવા જોઇએ. વડાપ્રધાનની આ વિચારધારાને સાર્થક કરવા રાજકોટ જિલ્લાના નાનકડા અને છેવાડાના ગામ આટકોટ ખાતે 100 દાતાઓની સહાયથી 322 બેડની પરવાડીયા મલ્ટીસ્પેશિયાલીટી હોસ્પિટલનું  નિર્માણ થયું છે. જેના થકી 7 જિલ્લાના 1000 લોકોને નિદાન અને સારવારનો લાભ મળશે. નરેન્દ્ર મોદીએ જનભાગીદારીથી સાકાર થયેલા આ પ્રોજેક્ટના લોકાર્પણનું આમંત્રણ સહર્ષ સ્વીકારી લીધું અને આગામી તા.28ના રોજ તેઓ આટકોટ આવી રહ્યા છે.

આ હોસ્પીટલ અંગે અબતક સાથે વાત કરતા ડો. ભરત બોઘરાએ જણાવ્યું હતું કે આ હોસ્પીટલ રાજકોટથી 52 કીલોમીટર, જસદણથી 7 કીલોમીટર અને આટકોટથી ફક્ત 1 કીલોમીટરના અંતરે આવેલી છે. આ હોસ્પીટલનો લાભ આસપાસના 7 જીલ્લાઓના લોકો લઈ શકશે. જેને કારણે અકસ્માતના કિસ્સાઓ કે પછી કોઈ પણ પ્રકારની મેડીકલ ઈમર્જન્સી માટે છેક રાજકોટ સુધી જવાની જરૂર નહીં પડે. મેડીકલ ઈમર્જન્સીમાં દરદી માટે સમય જેટલો ઓછો વેડફાય એટલું વધારે ફાયદામાં હોય છે. આ હોસ્પીટલના બનવાથી એ મૂદ્દે ખૂબ મોટો ફરક પડશે. તમામ મેડીકલ સુવિધાઓથી સંપૂર્ણ સુસજ્જ આ હોસ્પિટલ નજીવા દરે આરોગ્ય લક્ષી સેવાઓ પૂરી પાડશે જેથી સમાજનો કોઈપણ વર્ગ આ હોસ્પીટલમાં સમાન સેવાઓ મેળવી શકે. વધુમાં, રાજ્ય સરકારની મુખ્ય મંત્રી અમૃતમ  આરોગ્ય વીમા યોજના તેમજ કેન્દ્ર સરકારની આયુષ્માન ભારત  પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના આરોગ્ય વીમા યોજના હેઠળ સારવાર મેળવતા દર્દીઓને પણ મફતમાં સારવાર મળશે. આ ઉપરાંત હોસ્પિટલના લોકાર્પણનો લાભ લેવા રાજકોટ, મોરબી, બોટાદ, ભાવનગર, જામનગર અને જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રના નવ જિલ્લાઓમાંથી 3 લાખ લોકો ઉમટી પડશે.

હાર્ટથી લઈને સાઈકોથેરેપી સુધીની સારવાર મળશે

કે. ડી. પરવાડીયા મલ્ટી સ્પેશિયાલીટી હોસ્પીટલમાં કયા રોગ કે બીમારીની સારવાર મળશે એ સવાલના જવાબમાં ડો. ભરત બોઘરાએ જણાવ્યું કે હોસ્પીટલમાં કીડની, હ્રદ્યરોગ, ફેફસા-શ્વસનતંત્ર, બાળરોગો, સ્રીરોગ, અકસ્માતને કારણે આપવી પડતી તમામ પ્રકારની ઈમર્જન્સી સારવાર, ન્યુરોલોજી એટલે કે મગજને લગતી બીમારી, એલર્જીને લગતી બીમારી, ચામડીના રોગની સારવાર આપવામાં આવશે. એટલુંજ નહીં નજીકના ભવિષ્યમાં કેન્સર, લીવરની સારવાર પણ ઉપલબ્ધ કરવામાં આવશે. હાર્ટ અને લીવર ટ્રાન્સપ્લાન્ટ પણ આ જ હોસ્પીટલમાં કરી શકાશે. આ સાથે મનોચિકીત્સા એટલેકે સાઈકોથેરેપીની સારવાર પણ ઉપલબ્ધ રહેશે. હોસ્પીટલમાં હાલમાં 6 ઓપરેસન થીયેટર છે, જેમાંથી 4 તો મોડ્યુલર એટલેકે અત્યાધુનિક ઉપકરણો સાથેના છે. આ ઓપરેશન થીયેચરમાં આગળ જણાવ્યા મૂજબની બીમારીઓની જરૂરી સર્જરી કરી શકાશે એમ ડો. બોઘરાએ જણાવ્યું હતું.

આ હોસ્પિટલથી હજારો-લાખો જરૂરીયાતમંદ દર્દીઓની સેવા થશે: હર્ષ સંઘવી

કે. ડી. પરવાડીયા મલ્ટીસ્પેશિયાલીટી હોસ્પીટલનું આગામી 28મી મેના રોજ વડાપ્રધાન મોદીના હસ્તે લોકાર્પણ થવા જઈ રહ્યું છે ત્યારે રાજ્યના ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ મંગળવારની બપોરે હોસ્પીટલની મુલાકાત લઈને નીરિક્ષણ કર્યું હતું. ડો. ભરત બોઘરાએ ટ્રસ્ટીઓને સાથે રાખીને હર્ષ સંઘવીને હોસ્પીટલની ટુર કરાવીને સુવિધાઓ અને સગવડોથી પરિચીત કરાવ્યા હતા. આ પ્રસંગે મીડિયા સાથે વાત કરતા હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, આ હોસ્પીટલના માધ્યમથી જસદણ અને તેની આસપાસના વિસ્તારોમાં મેડીકલ સેવાની જરૂરીયાત ધરાવતા હજારો-લાખો દર્દીઓની સેવા થશે એ ખૂબ સારી વાત છે. આ હોસ્પીટલ એવી રીતે લોકેટેડ છે કે જેનાથી ઈમર્જન્સી સારવાર માટે રાજકોટ સુધી જવાની જરૂર નહીં પડે. પટેલ સેવા સમાજ ટ્રસ્ટ અને ડો. બોઘરાની જનસેવા કરવાની ઈચ્છાનું આ પ્રતિબીંબ હોવાનું હર્ષ સંઘવીએ જણાવ્યું હતું. આ સાથે જ સંઘવીએ કહ્યું હતું કે, વડાપ્રધાન મોદીના સ્વપ્નનું ભારત બની રહ્યું છે ત્યારે આ પ્રકારની જનભાગીદારી ધરાવતી, જનતાના હીતનું વિચારતી સંસ્થાઓ વડાપ્રધાન મોદીના સપનાને સાકાર કરવામાં ચોક્કસપણે પોતાનો નમ્ર ફાળો આપી રહી છે.

2 લાખ ચોરસ ફૂટમાં હોસ્પિટલનું બાંધકામ, 300થી વધુ બેડ

ડો. ભરત બોઘરાએ જણાવ્યું કે, શ્રી કે. ડી. પરવાડીયા મલ્ટીસ્પેશિયાલીટી હોસ્પીટલ 2 લાખ ચોરસ ફૂટ જેટલા ક્ષેત્રફળમાં ફેલાયેલી છે. જેમાં 40 જેટલા આઈ.સી.યુ.ના બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત મહિલા, બાળકો તેમજ પૂરુષ માટેના અલગથી જનરલ વોર્ડ પણ ઉપલબ્ધ કરાયા છે. જનરલ વોર્ડમાં પ્રતિ વોર્ડ 20 બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. આ સાથે જ સ્પેશિયલ, સેમી-સ્પેશિયલ વોર્ડની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. કુલ મળીને હાલમાં 300થી વધુ બેડની વ્યવસ્થા હોસ્પીટલ ખાતે ઉપલબ્ધ છે. જે ભવિષ્યમાં વધારીને 500 થી વધું કરવાનું આયોજન છે.

મા કાર્ડ નહીં હોય તો હોસ્પિટલમાંથી જ કઢાવી અપાશે

ડો. ભરત બોઘરાએ જણાવ્યું કે રૂપિયાની સગવડતાના અભાવે કોઈ પણ દર્દી ઈલાજ વિના ન રહે એ અમારો મુખ્ય ઉદ્દેશ છે. તેથી જો કોઈ દર્દી પાસે મા કાર્ડ નહીં હોય તો હોસ્પીટલ ખાતેથી તેને મા કાર્ડ કઢાવી આપવામાં આવશે. દર્દીના ઈલાજને પ્રાથમિકતા આપવામાં આવશે કાર્ડના અભાવે દર્દીનો ઈલાજ નહીં રોકવામાં આવે.

20 ડોક્ટરો સાથે 192 લોકોનો સ્ટાફ આપશે સેવા

શ્રી કે. ડી. પરવાડીયા મલ્ટીસ્પેશિયાલીટી હોસ્પીટલમાં તમામ પ્રકારની શારીરીક બીમારીઓનો ઈલાજ કરવામાં આવશે. આ માટે 20 જેટલા સ્પેશિયાલીસ્ટ ડોક્ટરો દરદીઓની સેવા માટે ઉપલબ્ધ રહેશે એમ ડો. બોઘરાએ જણાવ્યું હતું. આ ઉપરાંત 15થી વધું સ્પેશિયાલીસ્ટ ડોક્ટરો વિઝીટીંગ ડોક્ટર તરીકે હોસ્પીટલને સેવા આપતા રહેશે. ડોક્ટરો ઉપરાંત પેરા મેડીકલ તેમજ અન્ય વિભાગોના મળીને 192 જેટલા કર્મચારીઓ હોસ્પીટલમાં દર્દીઓની સેવા કરશે.

19 ઓપીડી, 6 ઓપરેશન થીયેટર

ડો. ભરત બોઘરાએ જણાવ્યું કે, હોસ્પીટલમાં 19 ઓપીડી કાર્યરત રહેશે. દરરોજના 1 હજારથી વધું દર્દીઓ આ સેવાનો લાભ લઈ શકશે. આ ઉપરાંત હોસ્પીટલમાં કુલ 6 ઓપરેશન થીયેટર છે જેમાંથી 4 ઓપરેશન થીયેટર અત્યાધુનિક ઉપકરણો સાથેના મોડ્યુલર ઓપરેશન થીયેટર બનાવાયા છે. જેમાં સંપૂર્ણપણે જીવાણુમુક્ત વાતાવરણમાં દર્દીનું ઓપરેશન કરવામાં આવશે.