Abtak Media Google News
  • છ દિવસ હૈયે હૈયુ દળાય તેવી ભીડ રહ્યા બાદ હવે રેસકોર્સ સુમસામ બન્યું, ધંધાર્થીઓએ બિસ્તરા-પોટલા બાંધી ઘર ભણી
  • નિષ્ઠાભેર ફરજ બજાવી મેળાને સફળ બનાવનાર દરેક અધિકારી અને કર્મચારીને અભિનંદન પાઠવતા કલેક્ટર અને પ્રાંત અધિકારી

લોકમેળાનો સંકેલો થયો છે. છેલ્લા બે વર્ષથી મેળો યોજાયો ન હોય, લોકોએ મજા લૂંટવામાં બે વર્ષનું સાટું વાળી દીધું છે. છ દિવસ હૈયે હૈયુ દળાય તેવી ભીડ રહ્યા બાદ હવે રેસકોર્સ સુમસામ બન્યું છે. ધંધાર્થીઓએ બિસ્તરા-પોટલા બાંધી ઘર ભણ્યા છે.

Dsc 9539Dsc 9538Dsc 9536Dsc 9534

રાજકોટના રેસકોર્સમાં દર વર્ષે જન્માષ્ટમીનો લોકમેળો યોજાઈ છે. છેલ્લા બે વર્ષમા કોરોનાના કારણે લોકમેળો યોજાયો ન હતો. ત્યારે આ વખતે કોરોના ઓસરતા જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુના માર્ગદર્શન હેઠળ રાજકોટ લોકમેળા સમિતિ દ્વારા આઝાદીનો અમૃત લોકમેળાનું ભવ્યાતી ભવ્ય આયોજન કર્યું હતું. આ લોકમેળાનું આયોજન તા. 17થી 21 સુધી કરવામાં આવ્યું હતું. જો કે લોકલાગણીને માન આપી આ લોકમેળાને તા.22ના રોજ પણ લંબાવવામાં આવ્યો હતો. આ છ દીવસ દરમિયાન અંદાજે 20 લાખ જેટલા લોકોએ મેળાની મુલાકાત લીધી હતી. દરરોજ હૈયે હૈયું દળાઈ તેવી ભીડ જોવા મળી હતી.

લોકોએ રીતસર બે વર્ષ મેળો ન યોજાયો તેનું સાટું વાળ્યું હતું. અને અનહદ આનંદ મેળવ્યો હતો. બીજી તરફ છ દિવસમાં ધંધાર્થીઓએ પણ મોટાપ્રમાણમાં વકરો કર્યો હતો. તેઓ ઉપર બે વર્ષમાં આર્થિક સંકટ આવ્યું તેને આ વખતે મેળાએ દૂર કરી દીધું છે. છેલ્લા છ દિવસ જે રેસકોર્સ લોકોની ભારે ચિચિયારીઓ અને ગીતોથી ગુંજી રહ્યું હતું. આજે તે સુમસામ બન્યું છે. ધંધાર્થીઓ આજે બિસ્તરા- પોટલા બાંધતા નજરે પડ્યા હતા. આ લોકમેળાને ભવ્ય સફળતા મળી છે. જે બદલ જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુએ અને પ્રાંત અધિકારી કે.જી. ચૌધરીએ નિષ્ઠાભેર ફરજ બજાવનાર તમામ અધિકારીઓ અને કર્મચારીઓનો આભાર વ્યક્ત કર્યો છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.