- રાજકોટ, અમરેલી, મોરબી, રાજુલા સહિતના વિસ્તારોમાં અનરાધાર વરસાદ, ખેડૂતો અને નગરજનોમાં ખુશી
સમગ્ર સૌરાષ્ટ્રમાં અષાઢ મહિના જેવો માહોલ છવાયો છે. આજે વહેલી સવારથી જ મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરી છે, જેના પગલે રાજકોટ, અમરેલી, મોરબી, રાજુલા, સિહોર અને ધોરાજી સહિતના મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. અનરાધાર વરસાદને કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે.
અમરેલી-ધારી હાઈવે અને દેવરાજીયા-માણીલા રોડ પર પણ પાણી ફરી વળ્યા હતા. વરસાદે ચોમાસાની ધમાકેદાર શરૂઆત કરી છે. મોરબીમાં સૌથી વધુ 124 મીમી (પોણા પાંચ ઇંચ) વરસાદ નોંધાયો છે, સતત 12 કલાક વરસાદ વરસતાં સમગ્ર જિલ્લામાં શિયાળા જેવી ઠંડક પ્રસરી છે.
રાજુલા તાલુકાના વાવેરા ગામે ભારે વરસાદથી ઘાણો નદી ગાંડીતૂર બની હતી અને ગામમાં પાણી ઘૂસી જતાં ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા હતા. મેઘ મહેર જોવા મળી હતી.
આ વરસાદને કારણે લાંબા સમયથી રાહ જોઈ રહેલા ખેડૂતોમાં હર્ષની લાગણી છવાઈ છે, કારણ કે વાવણીલાયક માહોલ બન્યો છે. શહેરી વિસ્તારોમાં ગરમી અને ઉકળાટમાંથી રાહત મળતા લોકોમાં પણ ખુશી જોવા મળી રહી છે.
અમરેલી
અમરેલી જિલ્લા ગઈકાલે સવારથી જ મેઘરાજાએ ધીમીધારે વરસવાનું શરૂ કર્યું હતું, જે બપોર સુધી વરસ્યા બાદ પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કરી સાંબેલાધાર વરસ્યો હતો, અમરેલીના સાવરકુંડલા, ખાંભા, રાજુલા, જાફરાબાદ, લીલીયા સહિતનાં તાલુકાઓમાં બે થી લઈ દસ ઇંચ સુધી વરસાદ ખાબક્યો હતો, ભારે વરસાદના કારણે અમરેલીની મુખ્ય બજારો પાણી પાણી થઈ હતી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યાઓ ઉભી થઈ હતી. જેના કારણે વાહન ચાલકો તેમજ સ્થાનિકોને હાલાકી ભોગવવી પડી હતી, તો લીલીયા તાલુકામાં પણ મેઘો મન મૂકીને વરસ્યો હતો. લીલીયાના ઇંગોરાળા, ભોરિંગડા, ક્રાંકચ, નાના લીલીયા, આંબા, કણકોટ વગેરે ગામો બેટમાં ફેરવાયા હતા, ભોરિંગડા ગામે નવા બનતા કોઝ્વેના ડ્રાઈવર્જનમાં એક એસટી બસ ફસાઈ હતી, પાણીનો પ્રવાહ વધવાથી બસ નીકળી શકી નહોતી જો કે સદનસીબે ડ્રાઈવર કંડકટર સહિત મુસાફરોનો આબાદ બચાવ થયો હતો, તો લીલીયાના ઇંગોરાળા ગામમાં વરસાદી પાણી ફરી વળતા ગ્રામજનોને મુશ્કેલીઓની સામનો કરવો પડ્યો હતો તેમજ ઇંગોરાળા ગામમાં વીજપોલ પણ ધરાશાઈ થવાથી અંધારપટ છવાયો હતો.
દ્વારકા
દ્વારકાના અરબી સમુદ્ર માં વરસાદી સીસ્ટમ દક્ષીણ ગુજરાત તથા દક્ષીણ સૌરાષ્ટ્ર સહીતના મઘ્ય ગુજરાતને હીટ કરી રહી હોય આ મજબૂત સીસ્ટમને કારણે પવનની ગતિમાં વધારા સાથેના વાતાવરણમાં અરબી સમુદ્રના પાણીમાં જબરદસ્ત કરન્ટ જોવા મળી રહ્યો છે. જેના કારણે દ્વારકાના દરિયાકાંઠાળા વિસ્તારોમાં 1ર થી 1પ ફુટ ઉંચા મોજા ઉછળતા જોવા મળ્યા હતા.